દાંત વચ્ચે ખાલી જગ્યા (ડાયાસ્ટેમા)


 

દાંત વચ્ચે ખાલી જગ્યા (ડાયાસ્ટેમા) શું છે?

ડાયાસ્ટેમા કોને કોને અસર કરે છે?

દાંત વચ્ચે ખાલી જગ્યા - ડાયાસ્ટેમાને કારણે દાંત અને પેઢાંની તંદુરસ્તી પર શું અસર થાય છે?

ડાયાસ્ટેમાના લક્ષણો શું છે?

ડાયાસ્ટેમા થવાના કારણો શું છે?

ડાયાસ્ટેમાનું નિદાન કેવી રીતે થાય છે?

દાંત વચ્ચેની જગ્યા (ડાયાસ્ટેમા)ની સારવાર

દાંત વચ્ચે ખાલી જગ્યા વિષે મૂંઝવતા અને વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)


gap between front teeth - diastema


સ્મિત એ માનવ વ્યક્તિત્વનું સૌથી શક્તિશાળી અને આકર્ષક અંગ છે. એક સુંદર સ્મિત પોતાની જાતને અને અન્ય લોકોને આનંદ આપે છે અને વ્યવહારને સરળ અને સુખદ બનાવે છે. સુંદર સ્મિત દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે, પરંતુ કેટલીકવાર દાંતની ગોઠવાણીમાં નાનકડી ખામીઓથી લોકો આત્મવિશ્વાસ ગુમાવી શકે છે, જેમ કે દાંત વચ્ચે જગ્યા એટલે કે ડાયાસ્ટેમા (Diastema). કેટલીકવાર તે એક અનોખો અને આકર્ષક દેખાવ આપે છે, જ્યારે કેટલીકવાર તે કોસ્મેટિક અથવા દાંત-પેઢાં માટે આરોગ્યની ચિંતાનો વિષય બની શકે છે.

ચાલો, ડાયાસ્ટેમા શું છે, તે કોને કોને અસર કરે છે, એ દાંત-પેઢાંના આરોગ્ય પર કેવી અસર કરે છે, તેના લક્ષણો શું છે, થવાના કારણો શું છે, તેનું નિદાન કેવી રીતે થાય છે અને જો તેની સારવાર કરવી જરૂરી હોય તો, તેની સારવાર કેવી રીતે થાય છે — તે બધું વિગતવાર સમજીએ. 


દાંત વચ્ચે ખાલી જગ્યા (ડાયાસ્ટેમા) શું છે?

ડાયાસ્ટેમા એ બે દાંત વચ્ચે દેખાતી ખાલી જગ્યા છે. ડાયાસ્ટેમા મોઢામાં કોઈ પણ જગ્યાએ હોઇ શકે છે, પણ મોટે ભાગે એ ઉપરના બે આગળના દાંત વચ્ચે જોવા મળે છે, ડાયાસ્ટેમા (ખાલી જગ્યા) એકદમ નાની તિરાડથી લઈને સ્પસ્ટપણે ધ્યાન ખેંચતી મોટી જગ્યા હોઈ શકે છે.


diastema - gap between teeth


ઘણાં કેસોમાં, ડાયાસ્ટેમા માત્ર સૌંદર્ય સંબંધિત ખામીનો વિષય હોય છે અને તેને કારણે આરોગ્ય પર કોઈ માઠી અસર થતી નથી. જો કે, કેટલીકવાર એ કોઈ દાંતની ગંભીર બીમારીનું લક્ષણ હોઇ શકે છે, જેના પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે.


ડાયાસ્ટેમા કોને કોને અસર કરે છે?

બાળકો અને વયસ્કો બંનેમાં ડાયાસ્ટેમા થઈ શકે છે:

બાળકોમાં, જયારે દુધિયા દાંત પડી ગયા પછી જયારે કાયમી દાંત ઉગતા હોય ત્યારે દાંત વચ્ચે ખાલી જગ્યા રહેવી સામાન્ય છે. જેમ જેમ કાયમી દાંત આવતા જાય તેમ તેમ મોટાભાગે એ જગ્યા તેની જાતે જ બંધ થઈ જાય છે. જો આ જગ્યા જાતે બંધ થતી હોય તો આવા કેસમાં સારવારની કોઈ જરૂર રહેતી નથી. જો આ જગ્યા બંધ ન થાય તો તેવા કેસમાં સારવાર જરૂરી બની જાય છે. તેના માટે નિયમિત ચેકઅપ કરાવતા રહેવું જરૂરી છે.


diastema in children
બાળકોમાં દાંત વચ્ચે જગ્યા 


વયસ્કોમાં, આનુવંશિક (જેનેટિક) પરિબળો, દાંતની સાઇઝ અને જડબાની સાઇઝ વચ્ચે અસંતુલન, અથવા પેઢાની બિમારી તેમજ કેટલીક આદતોને કારણે ડાયાસ્ટેમા થઈ શકે છે. અહી સારવાર જરૂરી બને છે.

ડાયાસ્ટેમા દરેક ઉંમર અને સમુદાયના લોકોમાં જોવા મળે છે. આશ્ચર્યજનક રીતે કેટલીક સંસ્કૃતિઓમાં, આગળના દાંત વચ્ચે ખાલી જગ્યાને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. 


દાંત વચ્ચે ખાલી જગ્યા - ડાયાસ્ટેમાને કારણે દાંત અને પેઢાંની તંદુરસ્તી પર શું અસર થાય છે?

જ્યાં સુધી ખાલી જગ્યા નાની છે, ત્યાં સુધી દાંત અને પેંઢાની તંદુરસ્તી પર ખાસ કોઈ મોટો ખતરો નથી. પરંતુ કેટલાક કેસોમાં:

  • ખાલી જગ્યામાં ખોરાક ફસાઈ જવાની સમસ્યા ઊભી થાય છે, જેના કારણે ત્યાં પ્લાક જામે છે જે દાંતનો સડો તેમજ પેઢાનો રોગ –પાયોરિયા થવા માટેનું મુખ્ય કારણ છે
  • જયારે દાંત ભેગા કરવામાં આવે ત્યારે ખાલી જગ્યાને કારણે દાંત પર અનિયમિત દબાણ આવે છે અને જડબાના સ્નાયુઓમાં તણાવ ઊભો થાય છે.
  • દાંત વચ્ચે ખરાબ દેખાતી જગ્યાને કારણે પોતાના દેખાવ પ્રત્યે સભાન લોકો શરમ અનુભવે છે, જેનાથી આત્મવિશ્વાસ ઘટી શકે છે.
  • દાંત વચ્ચે ખાસ કરીને મોટી ખાલી જગ્યા હોય ત્યારે પેઢાં વધારે ખુલ્લા રહે છે, જેના કારણે તેમાં ઇજા તેમજ ઇન્ફેકશન થવાનું જોખમ વધારે રહે છે. 

મોટાભાગના લોકો દાંત વચ્ચેની ખાલી જગ્યા સાથે કોઈ તકલીફ વગર આરામથી જીવે છે તો કેટલાક લોકો માટે આ ખાલી જગ્યા સમસ્યા બને છે અને તેના માટે દાંતની સારવાર જરૂરી બની જાય છે. 


ડાયાસ્ટેમાના લક્ષણો શું છે?

  • બે દાંત વચ્ચે દેખાતી ખાલી જગ્યા. આ તેનું મુખ્ય લક્ષણ છે

અન્ય કેટલાક લક્ષણો, જેવા કે

  • દાંત વચ્ચેની ખાલી જગ્યામાં સાહેલાઇથી ખોરાક ફસાઈ જાય છે, ત્યારબાદ આ ફસાયેલા ખોરાકને કારણે પેઢાંમાં અકણામણ કે ખંજવાળ થાય છે. આ ખોરાક સડવાને કારણે મોઢામાંથી વાસ આવતી હોય છે. 
  • કેટલીક ખાવાની વસ્તુને બટકું ભરીને કે ચીરીને ખાઈ શકવામાં તકલીફ પડે છે.
  • જયારે ગેપ મોટો હોય ત્યારે કેટલાક શબ્દોના ઉચ્ચારણ વખતે હવા લીક થવાને કારણે અવાજ તોતડાય છે.
  • દાંત વચ્ચેની જગ્યામાં જો ફસાયેલો ખોરાક સાફ ન થાય તો પેઢાંમાં દુખાવો થાય છે અથવા તેમાં ઇજા કે ઇન્ફેકશન થવાને કારણે સોજો આવતા પેંઢામાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે.
  • જો પેઢાનો રોગ પાયોરિયા થયો હોય તેને કારણે નબળા પડી ગયેલા દાંત વચ્ચે જગ્યા હોય તો તેમાં પાયોરિયાના વધારાના લક્ષણો પણ દેખાઈ શકે છે. જેમ કે સોજેલા પેઢાં, મોઢામાંથી વાસ આવવી, પેઢામાંથી લોહી નીકળવું, પેઢાં લાલ થઈ જવા વગેરે. 


ડાયાસ્ટેમા થવાના કારણો શું છે?

Reasons of diastema in gujarati


ડાયાસ્ટેમા થવાના મુખ્ય કારણો છે:

  • અનુવાંશિક(વારસાગત) કારણો (Genetics)

જ્યારે માતા, પિતા કે બન્નેના દાંતમાં પણ જો ખાલી જગ્યા હોય તો બાળકોને પણ આ સમસ્યા વારસામાં મળે એવી મજબૂત શક્યતા હોય છે.

  • દાંત અને જડબાના કદમાં અસંતુલન

જો દાંત નાનાં હોય અને તેની સરખામણીમાં જડબાની સાઇઝ મોટી હોય તો સ્વાભાવિક રીતે દાંતની વચ્ચે વધારાની જગ્યા રહી જાય છે. 

  • બાળપણની આદતો

અંગૂઠા ચૂસવાની આદત

જીભ દબાવવી (Tongue thrusting)

હોઠ ચૂસવાની ટેવ

આવા પ્રકારની આદતો દાંતને ધકેલીને જગ્યા ઊભી કરી શકે છે. 

  • મોટી તેમજ તંગ લેબિયલ ફ્રેનમ

જો ઉપરના હોઠ અને પેંઢાને બરાબર વચ્ચેથી જોડતું પાતળા પડદા જેવી પેશી (Labial Frenum) વધારે મોટી કે તંગ હોય, તો એ આગળના દાંતને અલગ કરી વચ્ચે જગ્યા બનાવી નાખે છે.

  • પાયોરિયા

પેંઢાની આ બીમારીમાં દાંતના મૂળિયાને આધાર આપતું હાડકું નાશ પામે છે, જેના કારણે દાંત નબળા પડી છૂટા થતાં જાય છે. પાયોરિયા વિષે વધુ માહિતી માટે અહી કલિંક કરો.

  • દાંત નીકળી જવો

જ્યારે દાંતનો સડો કે પાયોરિયાના કારણે દાંત ગુમાવવો પડે અથવા જન્મજાત દાંત જ ના હોય, ત્યારે આજુબાજુના દાંત ખાલી જગ્યા તરફ ખસી જાય છે અને ખાલી જગ્યા ઉભી થાય છે. 


ડાયાસ્ટેમાનું નિદાન કેવી રીતે થાય છે?

ડાયાસ્ટેમાનું નિદાન માટે:

  • મોઢાની તબીબી તપાસ

જેમાં દાંત વચ્ચેની ખાલી જગ્યા, દાંતની સાઇઝ, તેની ગોઠવણી, આકારમાં કોઈ ખોડખાંપણ, બન્ને જડબાની સાઇઝ, તેનું નિશ્ચિત સ્થાન અને અન્ય સમસ્યાઓ માટે ચકાસણી કરે છે.

  • દાંતનો એક્સ-રે

એક્સ-રે દ્વારા દાંતના મૂળિયાની આજુબાજુના હાડકાંની સ્થિતિ અને પેઢાની બીમારીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ દાંત જડબાના હાડકાંમાં જ ફસાયેલ છે કે નહીં તે ચકાસવામાં આવે છે.

  • ભૂતકાળમાં કે વર્તમાનમાં કોઈ અસર કરતી આદત હોય તો તેની પૂછપરછ

જેમાં બાળપણની આદતો જેમ કે અંગુઠો ચૂસવો, જીભથી દાંતને ધક્કો આપવાની ટેવ, અને કુટુંબમાં કોઈને દાંત વચ્ચે જગ્યા છે કે નહીં તેની પૂછપરછ કરવામાં આવે છે.


દાંત વચ્ચેની જગ્યા (ડાયાસ્ટેમા)ની સારવાર

જો દાંત વચ્ચેની ખાલી જગ્યા માત્ર સૌંદર્ય સંબંધિત હોય અને તેનાથી દાંત-પેંઢાની તંદુરસ્તીને કોઈ અસર કરતી ના હોય તો તેની સારવાર કરવી એકદમ જરૂરી રહેતી નથી. તેમ છતાં દર્દીને સૌંદર્ય સંબંધિત સમસ્યાનું નિરાકરણ જોઈતું હોય તો તેની સારવારના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. 

દાંત વચ્ચે જગ્યા થવાનું કારણ જાણ્યા પછી તેમજ દાંતની સાઇઝ, આકાર, ગોઠવણી, પેંઢાની તંદુરસ્તી તેમજ બન્ને જડબાની સાઇઝ અને તેની એકબીજાને અનુરૂપ ચોક્કસ સ્થિતિને ધ્યાનમાં રાખીને દાંત વચ્ચેની જગ્યાની સારવાર માટે નીચેના વિકલ્પો ઉપલબ્ધ છે:


  • ઓર્થોડોન્ટિક સારવાર (બ્રેસિસ કે અલાઈનર્સ)

space closure with the treatment of orthodontic aligner
ઓર્થોડોન્ટિક અલાઇનર્સ દ્વારા દાંત વચ્ચે જગ્યા - ડાયાસ્ટેમાની સારવાર


બ્રેસિસ કે Invisalign જેવા ક્લિયર અલાઈનર્સથી ધીમે ધીમે દાંતને એકબીજાની નજીક લવાય છે અને દાંત વચ્ચેની જગ્યા બંધ કરવામાં આવે છે. ઓર્થોડોન્ટિક સારવાર વિષે વધુ માહિતી માટે અહી ક્લિક કરો


  • કોમ્પોઝિટ બોન્ડિંગ

Space closure with composit bonding
કોમ્પોઝિટથી દાંત વચ્ચે જગ્યા - ડાયાસ્ટેમા ની સારવાર 

દાંત જેવા કલરના કોમ્પોઝિટ મટિરિયલથી દાંતની પહોળાઈમાં વધારો કરી ખાલી જગ્યા ભરવામાં આવે છે. કોમ્પોઝિટ વિષે વધુ માહિતી માટે અહી ક્લિક કરો. 

  • સિરામિક વીનિયર

Diastema closure with dental veneer
સિરામિક વિનિયર વડે દાંત વચ્ચેની જગ્યા - ડાયાસ્ટેમા બંધ કરવાની સારવાર 


દાંત પર સિરામિક વિનિયર લગાવી સુંદર રીતે દાંત વચ્ચેની જગ્યા બંધ કરી શકાય છે. સિરામિક વિનિયરથી દાંતનો આકાર, સાઇઝ અને કલર પણ ખૂબ જ સુંદર રીતે નિખારી શકાય છે.


  • ફ્રેનેક્ટોમિ

જો દાંત વચ્ચે જગ્યા થવાનું કારણ ફ્રેનમ હોય તો તેવા કેસમાં નાની સર્જરી કરીને ફ્રેનમ દૂર કરવામાં આવે છે.

 

  • પાયોરિયાની સારવાર

પેંઢાની બીમારીને કારણે જો દાંત વચ્ચે જગ્યા થઈ ગેયેલ હોય તો તેના માટેની યોગ્ય સારવાર જેમ કે દાંતની અલ્ટ્રાસોનિક સ્કેલર વડે સફાઇ (Scaling), રૂટ પ્લાનિંગ કે ફલેપ સર્જરી કરીને ત્યારબાદ જ ખાલી જગ્યા બંધ કરવાની સારવાર કરવી જરૂરી બની જાય છે.


  • ગુમાવલ દાંત ને ફરીથી બેસાડવો (ઈમ્પ્લાન્ટ અથવા બ્રિજ)

space closure with implant teeth
ઈમ્પ્લાન્ટ દાંતથી ખાલી જગ્યા બંધ કરવાની સારવાર 

ગુમાવેલ દાંતને કારણે જો જગ્યા થયેલ હોય તો તેના માટે ઈમ્પ્લાન્ટ કે બ્રિજ કરી શકાય છે.
 


દાંત વચ્ચે ખાલી જગ્યા વિષે મૂંઝવતા અને વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)


શું ડાયસ્ટેમાને અટકાવી શકાય છે?

જ્યારે ડાયસ્ટેમા આનુવંશિકતા(વારસાગત) કારણોસર થાય છે ત્યારે તેને અટકાવવાનો કોઈ ઉપાય નથી. તે ફક્ત એક એવું લક્ષણ છે જે તમારા માતાપિતા અથવા દાદા-દાદીએ તમને આપેલ છે.

જો કે, અંગુઠો ચૂસવો (thumb sucking), જીભથી દાંતને ધક્કો મારવો(tongue thrusting) તેમજ પયોરિયાના કારણે દાંત વચ્ચે થતી જગ્યાને મહદઅંશે અટકાવી શકાય છે. દાંત-પેંઢાની નિયમિત સફાઈ અને દર છ મહિને મોઢાની નિયમિત તપાસથી ડાયસ્ટેમાનું જોખમ ઘટાડી શકાય છે. જો તમને પેઢાંમાં લાલાશ, સોજો, રક્તસ્ત્રાવ અથવા પેઢાના રોગના અન્ય ચિહ્નો દેખાય, તો તરત જ ડેન્ટલ ક્લિનિકની મુલાકાત લો.


શું ડાયાસ્ટેમા જોખમી છે?

મોટાભાગના કેસોમાં નહીં. જો એ માત્ર સૌંદય સંબંધિત સમસ્યા હોય અને કોઈ બીમારી સાથે સંકળાયેલું ના હોય, તો ખતરાની કોઈ વાત નથી.


ડાયાસ્ટેમા તેની જાતે બંધ થઈ શકે છે?

મોટાભાગના બાળકોમાં તેની જાતે બંધ થઈ શકે છે, પરંતુ વયસ્કોમાં તેની જાતે સહજ રીતે બંધ ભાગ્યે જ થાય છે.


ડાયાસ્ટેમા (દાંત વચ્ચેની જગ્યા)ની સારવારમાં કેટલો સમય લાગે છે?

કોમ્પોઝિટ એક વિઝિટમાં થઈ શકે છે. વિનિયર બે વિઝિટમાં થઈ શકે છે, જ્યારે બ્રેસિસ/અલાઈનર્સ માટે મહિનાઓથી વર્ષ લાગતાં હોય છે.


શું સારવાર પછી ફરીથી ખાલી જગ્યા થઈ શકે છે?

કેટલાક કેસમાં, જો જગ્યા થવાનું મૂળ કારણ દૂર કરવામાં આવે તો ફરીથી ખાલી જગ્યા થઈ શકે છે.


શું ડાયાસ્ટેમાની સારવારમાં દુ:ખાવો થાય?

સામાન્ય રીતે નહીં. શરૂઆતમાં બ્રેસિસ કે અલાઈનર્સ પહેરવામાં થોડી અસુવિધા અનુભવાય છે.


-----------------------------------------------------------------------------------------------

 

અંતિમ નિષ્કર્ષ

દાંત વચ્ચે જગ્યા (ડાયાસ્ટેમા) હોવાની તકલીફ આપણી આજુબાજુમાં ઘણા લોકો જોવા મળે છે. ઘણા લોકોને એ પોતાના સ્માઇલ, પોતાના વ્યક્તિત્વનું યુનિક ફીચર લાગે છે, જ્યારે બીજાઓ માટે એ કોસ્મેટિક અથવા આરોગ્યની ચિંતાનો વિષય બની શકે છે.

જો દાંત વચ્ચેની જગ્યાને કારણે તમારા આત્મવિશ્વાસમાં અસર પડતી હોય કે તેના કારણે આરોગ્ય સંબધિત સમસ્યાઓ ઊભી થતી હોય, તો આધુનિક ડેન્ટલ ટ્રીટમેન્ટ મજબૂત અને સુંદર સ્મિત માટે અનેક વિકલ્પો આપે છે.

તમારું સ્મિત તમારી ઓળખ છે — તેને આરોગ્યમય અને આત્મવિશ્વાસપૂર્વક જાળવો.



Smile design -get the beautiful smile at Jamnagar





You may like these posts: