પેઢાંમાંથી લોહી નીકળવાના કારણો
પેઢામાંથી લોહી નીકળવાની તકલીફની સારવાર
પેઢાંમાંથી લોહી નીકળવાના કારણો
પેઢાં પર સોજા (પાયોરિયા)
પેઢાંમાંથી લોહી નીકળવું એ પેઢાંનો રોગ પાયોરિયાનું મુખ્ય લક્ષણ છે. ખાસ કરીને બ્રશ કરતી વખતે પેઢાંમાંથી લોહી નીકળતું હોય, કયારેક આપ મેળે પણ પેઢાંમાંથી લોહી નીકળતું હોય, પેઢાંમાંથી લોહી નીકળવાની માત્રા જુદીજુદી હોઈ શકે છે.
પેઢાંમાંથી લોહી નીકળવાનું કારણ પેઢાં પર આવેલ સોજો હોય છે અને પેઢાંના સોજાનું મુખ્ય કારણ દાંત પર જામેલી છારી હોય છે, આ છારીના બંધારણમાં ૯૬ ટકા બેક્ટેરિયા હોય છે, જેને કારણે પેઢાંમાં સતત હળવો ચેપ લાગ્યા કરે છે અને સોજામાં મોટો ફાળો આપે છે. આ છારીના કારણે પેઢાં પર સતત સોજો રહે છે. સોજેલા પેઢાંને અડવાથી કે બ્રશ કરવાથી લોહી નીકળે છે. કયારેક આપમેળે પણ લોહી નીકળ્યા કરે છે. આમ, પેઢાંમાંથી લોહી નીકળવાની તકલીફ પાછળ મુખ્ય ખલનાયક છારી હોય છે. દાંત પર છારી જામવાનું મુખ્ય કારણ કોઈ કારણોસર વ્યવસ્થિત બ્રશ ના થતું હોય એ છે. જમ્યા પછી ખોરાકના કણો દાંત પર જામી જાય છે અને ત્રણ-ચાર કલાક પછી તે પ્લાક બને છે. આ પ્લાક બેકટેરિયાના સમુહને રહેઠાણ પૂરું પડે છે, જેમાં બેકટેરિયાની વસ્તી ફૂલેફાલે છે. આ પ્લાક બ્રશ વડે સહેલાઈથી દુર કરી શકાય છે, પરંતુ જો દાંત પરથી આ પ્લાકને દુર કરવામાં ન આવે તો ચાર-પાંચ દિવસ પછી તે જામીને મજબુત છારી બને છે. એક વખત છારી જામી ગયા પછી તે બ્રશ વડે સહેલાઈથી દુર કરી શકાતી નથી એટલી મજબુત હોય છે. આ છારી મુખ્યત્વે દાંત અને પેઢાં જયા ભેગા થતા હોય ત્યાં દાંત પર જામે છે. ખાસ કરીને નીચેનાં આગળના દાંતમાં જીભ તરફ અને ઉપરના પાછળના દાંતમાં ગાલ તરફ જામે છે. આ છારી પેઢાં અને દાંતના મુળીયાને જકડી રાખનાર હાડકાનો ધીમે-ધીમે નાશ કરે છે અને લાંબા સમયે દાંત નબળા પડીને હલવા લાગે છે. આ રોગની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભાગ્યે જ દુ:ખાવો થાય છે. કયારેક પેઢાંમાંથી રસી નીકળે છે. મોઢામાંથી વાસ આવે છે.
ખોટું બ્રશ
એકદમ કડક તાંતણાવાળું બ્રશ પેઢાંને ઇજા કરે છે. જૂનું બ્રશ
જેના તાંતણા આડાઅવળા વીંખાઈ ગયેલ હોય
તેવું બ્રશ વાપરવું જોઈએ નહીં, પેઢાંને તેનાથી ઇજા થાય છે.
બ્રશ કરવાની ખોટી પદ્ધતિ
એકદમ જોરજોરથી દબાણપૂર્વક બ્રશ કરવાથી પેઢાંને છોલાઈ જાય
છે, આવી રીતે પેઢાંને ઇજા પહોંચાડવાથી પણ પેઢાંમાંથી લોહી નીકળે છે.
વિટામિન સી ની ઉણપ
વિટામિન સી પેઢાંની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી તત્વ છે,
વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. પેઢાંમાંથી લોહી નીકળવું એ
સ્કર્વીનું મુખ્ય લક્ષણ છે.
આડાઅવળા, વાંકાચૂંકા દાંત
જો દાંત આડાઅવળા હોય તો, દાંતને એકદમ વ્યવથિત બ્રશ કરી
શકતું નથી, જેણે કારણે દાંત પર પ્લાક, છારી જામે છે, જે પાયોરિયાને આમંત્રણ આપે
છે, જેમાં પેઢાં સોજી જાય છે અને લોહી નીકળે છે.
દવાઓની આડઅસર
કેટલીક દવાઓ ખાસ કરીને
હ્રદયરોગ માટે વપરાતી લોહી પાતળું કરવાની દવાઓથી પણ પેઢાંમાંથી લોહી
નીકળવાની તકલીફ પડી શકે. જેમ કે વારફેરીન, ઇકોસ્પરિન, હિપેરિન
હોર્મોનનું અસંતુલન
કેટલીક સ્ત્રીઓમાં ખાસ કરીને તરુણાવસ્થા, ગર્ભાવસ્થા, માસિક
અને મોનોપોઝ દરમિયાન હોર્મોનના અસંતુલનના કારણે પેઢાંપર થોડુંક પણ પ્લાક કે છારી જામે
તો પણ વધારે તીવ્ર પ્રમાણમાં પેઢાં પર સોજો આવે છે, પેઢાંલાલ થઈ જાય છે અને તેમાંથી
લોહી નીકળવાની ફરિયાદ રહે છે. હોર્મોનના અસંતુલનના કારણે પેઢાંમાં લોહીનું
પરિભ્રમણ વધી જાય છે, જેને કારણે પેઢાં, ચેપ સામે તીવ્ર પ્રતિક્રિયા આપે છે, વધારે
પ્રમાણમાં સોજી જાય છે, અને તેમાંથી લોહી નીકળવાની ફરિયાદ રહે છે.
ગર્ભનિરોધક ગોળીઓની આડઅસરને કારણે પણ પેઢાંમાંથી લોહી
નીકળવાની તકલીફ થઈ શકે છે.
દાંતના ફીલીંગ અથવા કેપનો અયોગ્ય આકાર
જો દાંતના ફીલીંગનો પેઢાં પાસેનો આકાર યોગ્ય ના હોય, તો
તેના કારણે ત્યાં સતત ખોરાક ફસાય છે, જેનાથી પેઢાંને સતત અકણામણ થાય છે અને
પેઢાંમાં સતત સોજો રહે છે, જેણે કારણે પેઢાંમાંથી લોહી નીકળે છે. દાંત પર કરેલી
કેપનું, પેઢાં પાસે જો આકાર અને કડનું ફીનીશીંગ બરાબર ના હોય તો પણ પેઢાં પર ઇજાને
કારણે સતત સોજો રહે છે, જે પેઢાંમાંથી લોહી નીકળવાનું કારણ બને છે.
લોહીના કેટલાક ગંભીર વિકારો
લોહીના કેટલાક ગંભીર રોગો (વિકારો) જેમ કે એનેમિયા, લ્યુકેમિયા,
હિમોફિલિયા, થ્રોમ્બોસાયટોપેનીયા (ત્રાકકણોની ઉણપ), વિટામિન કે ની ઉણપ.
ઘણી વખત તો આવા રોગનું શરૂઆતનું લક્ષણ જ પેઢાંમાંથી લોહી નીકળવાનું હોય છે અને તેનું પ્રાથમિક નિદાન દાંતના ડૉક્ટરને ત્યાં થાય છે. તેથી જ જો પેઢાંમાંથી લોહી નીકળતું હોય તો આ લક્ષણને અવગણવું જોઈએ નહીં.
પેઢામાંથી લોહી નીકળવાની તકલીફની સારવાર
જો પેઢાંમાંથી લોહી નીકળતું હોય તો સૌ પ્રથમ દાંતના ડૉક્ટરને
બતાવવું જોઈએ. દાંતની તપાસ કર્યા બાદ જ પેઢાંમાંથી લોહી નીકળવાનું કારણ જાણી શકાય.
આગળ જણાવ્યા મુજબ પેઢાંમાંથી લોહી નીકળવાના અનેક કારણો છે, જે કારણ લોહી નીકળવા
માટે જવાબદાર હોય એ મુંજબ તેની સારવાર કરવાની થાય. મોટા ભાગના કિસ્સામાં તો દાંત
પર જામેલી છારી જ જવાબદાર હોય છે.
પેઢાંમાંથી લોહી
નીકળવાની તકલીફ વ્યવસ્થિત બ્રશ ન થવાથી જામેલી છારીને
કારણે થાય છે. તેથી વ્યવસ્થિત બ્રશ કરવું અતિ જરૂરી છે. દાંતના નિષ્ણાંત ડોક્ટર પાસે
અલ્ટ્રાસોનીક સ્કેલર દ્વારા જામેલી છારી દુર કરાવવાથી પાયોરિયા, લોહી નીકળવાની તકલીફ અટકાવી શકાય છે.
દરેક વખતે ભોજન
પછી વ્યવસ્થિત બ્રશ કરવું જરૂરી છે. બ્રશ કરવા માટે હમેશા નરમ તાંતણાવાળું બ્રશ
વાપરવું જોઈએ. દર ત્રણ મહિને બ્રશ બદલી નાખવું. બ્રશ કરવાની સાચી પદ્ધતિ ડોકટર પાસેથી
શીખી લેવી જોઈએ. (યુ ટ્યુબ પર “દાંતને બ્રશ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ” આ લીંક પર ક્લિક
કરીને શીખી શકો છો આ વિડીયો સરળ ગુજરાતી ભાષામાં છે) બે ભોજન વચ્ચે
નાસ્તા તરીકે ચીકણા ગળ્યા ખાદ્યપદાર્થો લેવા નહિ. દર છ મહીને કે વર્ષે તમારા ફેમીલી દાંતના ડોક્ટરની મુલાકાત લો અને જો દાંત પર છારી જામી ગયેલ હોય તો તે દુર
કરાવો.
જો દાંત આડાઅવળા
કે વાંકાચૂંકા હોય તો છારી જામવાની શક્યતા વધારે રહે છે. તેથી જો શકય હોય તો
વાંકાચુકા દાંત સીધા કરવાની સારવાર લેવી જોઈએ. હવે તો પુખ્ત વયના લોકો માટે નીકળી શકે
તેવા પારદર્શક અલાઇનરથી આ સારવાર કરી શકાય છે.
જો દાંતમાં કોઈ ખામીયુક્ત ફીલીંગ કે કેપના કારણે પેઢાં પર સોજો
રહેતો હોય તો તે સત્વરે બદલાવવું જોઈએ.
સ્કર્વી માટે વિટામિન સી ની ટેબ્લેટ અથવા તો ખાટા ફાળો લઈ શકાય.
શરીરની અન્ય કોઈ બીમારીને કારણે જો પેઢાંમાંથી લોહી નીકળવાની
તકલીફ રહેતી હોય એવી શંકા પડશે તો તમારા ફેમિલી દાંતના ડૉક્ટર તેના માટે જનરલ ફિજીશિયન
પાસે જવાની સલાહ આપશે.





