ફિલીંગ દ્રારા દાંતના સડાની સારવાર


 

દાંતનો સડો એટલે શું?

દાંતમાં ફિલીંગ કયારે કરાવવું પડે?

દાંતમાં ફિલીંગ કેવી રીતે કરવામાં આવે છે?

દાંતમાં થતું કોમ્પોઝીટ ફિલીંગ એટલે શું?

દાંતમાં થતું કોમ્પોઝીટ ફિલીંગના ફાયદા

દાંતમાં ફિલીંગ સમયસર ન કરાવીએ તો શું થાય?


દાંતમાં થતું કોમ્પોઝીટ ફિલીંગ

ફિલીંગ દ્રારા દાંતના સડાની સારવાર વિષે જાણતા પહેલા દાંતનો સડો શું છે? તે કેવી રીતે થાય છે તેને સમજવું જોઈએ.

 

દાંતનો સડો એટલે શું?

બેક્ટેરિયા દ્રારા ઉત્પન્ન થયેલ એસીડથી દાંતનું ખનીજ બંધારણ ઓગળી જવા દાંતમાં કાળો કે બ્રાઉન કલરનો દાંતનો સડો થાય છે.

દાંતનો સડો કેવી રીતે થાય છે, દાંતના સડાના લક્ષણો, દાંતના સડાનું જોખમ ક્યારે વધારે હોય છે, દાંતમાં થતો સડો અટકાવવાના ઉપાયો, દાંતનો સડાની સારવાર વિષે ઊંડાણપૂર્વક જાણવા માટે અહી લીંક પર ક્લિક કરો. દાંતનો સડો 

 

દાંતમાં ફિલીંગ કયારે કરાવવું પડે?

દાંતમાં થયેલ સડો તેના રોગના ક્યાં તબકકામાં છે એટલે કે કેટલો ઊંડો છે તે મુજબ તેની સારવાર થઇ શકે. જો દાંતનો સડો નેમલ કે તેની નીચેનું પડ ડેન્ટીન સુધી જ પ્રસરેલો હોય તો, તેની સારવાર ફિલીંગ દ્રારા કરી શકાય છે.

આ તબક્કામાં દાંતનો દુખાવો થતો નથી, પણ જો આ સડો પલ્પ (દાંતની નસ) સુધી પહોચી ગયો હોય અને દુખાવો થતો હોય તો મુળિયાની સારવાર (રૂટ કેનાલ ટ્રીટમેન્ટ) કરવી પડે.

ઇજાને કારણે તૂટી ગયેલો દાંતને પણ દાંત જેવા જ કલરના કોસ્મેટિક કોમ્પોઝિટ ફિલીંગ દ્વારા તેનો મૂળ આકાર અને કલર આપી શકાય છે.

 

દાંતમાં ફિલીંગ કેવી રીતે કરવામાં આવે છે?

સૌ પ્રથમ દાંતમાં થયેલો સડો ડેન્ટલ ડ્રીલ વડે દુર કરવામાં આવે છે. સડો દુર કરવાથી ત્યાં કેવીટી (ખાડો) તૈયાર થાય છે, જેમાં કોમ્પોઝીટ ફિલીંગ મટીરીયલ ભરવામાં આવે છે. કોમ્પોઝીટ ફિલીંગ કરતાં પહેલા દાંતના કલરને મેચ કરવામાં આવે છે. ફિલીંગ કર્યા પછી તેને કુદરતી આકાર અને પૉલિશ કરવામાં આવે છે. આ સારવારમાં ખાસ કોઈ જાતનો દુખાવો થતો નથી, છતાં જો દાંત વધારે પડતા સંવેદનશીલ હોય તો આ સારવાર લોકલ એનેસ્થેશિયા (ખોટું કરવાનું ઈન્જેકસન આપી) હેઠળ પણ આરામદાયક રીતે કરી શકાય છે. હવે તો કેટલીક આધુનિક ક્લિનિકમાં ખોટું કરવાંનું ઇન્જેકશન પણ જરાય દુ:ખે નહીં તે રીતે એકદમ આધુનિક ડિજીટલ લોકલ અનેસ્થેટીક ડિવાઇસ સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે. આ સારવાર એક જ મુલાકાતમાં થઈ શકે છે.

 

દાંતમાં થતું કોમ્પોઝીટ ફિલીંગ એટલે શું?

કોમ્પોઝીટ ફિલીંગ એ આધુનિક અને ભરોસાપાત્ર વિકલ્પ છે. કોમ્પોઝીટ એ પ્લાસ્ટીક ડેન્ટલ રેઝીન હોય છે. તેને દાંતમાં ભરીને યોગ્ય આકાર આપ્યા પછી અલ્ટ્રાવાયોલેટ લાઈટ દ્રારા કડક(સેટ) કરવામાં આવે છે.


ડેન્ટલ કોમ્પોઝિટ ફીલીંગ

 

દાંતમાં થતું કોમ્પોઝીટ ફિલીંગના ફાયદા

કોમ્પોઝીટ મજબુત, ટકાઉ અને દાંતના કુદરતી કલર જેવું હો છે, જે દાંતના સૌંદર્યને કુદરતી બનાવે છે. કોમ્પોઝીટ દાંતના બંધારણ સાથે મજબુત બંધ બનાવે છે. જેથી તેમાં લીકેજની સમસ્યા રહેતી નથી. દાંતમાં કોમ્પોઝીટ ભરવા માટે દાંતમાં જેટલો સડેલો ભાગ હોય તેટલો જ દૂર કરવો પડે. એટલે કોમ્પોઝીટ કરવાથી દાંતના તંદુરસ્ત ભાગને બચાવી શકાય છે.

કોમ્પોઝીટ દાંત જેવા જ કલરનું હોવાથી તૂટેલા, કાળા થયેલા તેમજ સડી ગયેલા દાંતને પણ કોમ્પોઝીટથી રીપેર કરીને ફરીથી આકર્ષક બનાવી શકાય છે.

આધુનિક કોમ્પોઝીટના આટલા બધા ફાયદાઓને કારણે હવે અગાઉના સમયમાં દાંતમાં ભરવામાં આવતું મેટલ ફિલીંગ ચાંદી કરતાં ડૉક્ટર તેમજ દર્દી દ્વારા કોમ્પોઝીટને વધારે પસંદ કરવામાં આવે છે. દાંતમાં ચાંદી ભરવાનું હવે લગભગ બંધ થઈ ગયું છે.

જો દાંતનો સડો ઊંડો હોય અને પલ્પ (દાંતની નસ) સુધી પહોચી ગયો હોય તો દાંત બચાવવા, દુ:ખાવો મટાડવા માટે પહેલા મુળિયાની સારવાર (રૂટ કેનાલ ટ્રીટમેન્ટ) ની જરૂર પડે, ત્યારબાદ ફિલીંગ કરી શકાય.

 

દાંતમાં ફિલીંગ સમયસર ન કરાવીએ તો શું થાય?

જો દાંતમાં સડો થઇ ગયો હોય તો, રાહ નહિ જોવાની કે કાઈક તકલીફ પડે એટલે કે દુ:ખાવો થાય ત્યારે ડોક્ટરની મુલાકાત લેશું. દાંતનો સડો રાહ જોતો નથી, એ હમેશાં આગળ જ વધે. સડો ઊંડો ઉતરી નસ સુધી પહોંચી ત્યારે દુ:ખાવો થાય, અને ત્યારે હમેશા મોડું થઇ ગયેલું હોય છે. દુ:ખતા દાંતમાં પછી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી પડે અથવા જો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પણ ન થઈ શકે એમ હોય તો દાંત જ કઢાવી નાખવો પડે. ડહાપણ ભર્યું તો એજ છે કે દાંતમાં શરૂઆતના સડાની સારવાર જો ફિલીંગથી પતતી હોય તો સમયસર કરાવી લેવાય. 





You may like these posts: