પાયોરિયા - પેઢાંનો રોગ (પેરીયોડોન્ટાઈટીસ )


પાયોરીયાને કારણે દાંત હલી ગયા છે?

પાયોરિયા એટલે શું?

પાયોરિયા કેવી રીતે થાય છે?

પાયોરિયા શા માટે ભયજનક છે?

પાયોરિયાના લક્ષણો

પાયોરિયા થતો અટકાવવાના ઉપાયો

પાયોરિયાની સારવાર

પાયોરિયાને કારણે દાંત ગુમાવવા ન પડે તે માટે શું કરવું?



પાયોરિયા એટલે શું?

પાયોરિયા દાંતના પેઢાંનો સૌથી વધુ થતો રોગ છે અને દાંત ગુમાવવાનું સૌથી મોટું  કારણ છે.

સામાન્ય રીતે આ રોગ મોટી ઉંમરે ૩૫ થી ૪૦ વર્ષ પછી થાય છે. આ રોગ નાની ઉંમરે ભાગ્યે જ જોવા મળે છે. નાની ઉમંરે થતા પાયોરિયાને જયુવેનાઇલ પેરીયોડોન્ટાઈટીસ કહે છે.

પાયોરિયા કેવી રીતે થાય છે?

આ રોગમાં દાંતના બંધારણને કોઈ નુકશાન થતું નથી પણ દાંતના મુળીયાંને જડબાની અંદર મજબુત રીતે જકડી રાખતી પેશીઓને નુકશાન થાય છે. દાંતના મૂળિયાં હાડકા સાથે પેઢા તેમજ પેરીયોડોન્ટલ ફાઈબર દ્વારા મજબુત સ્થિતિમાં જકડાયેલા હોય છે.

દાંતની વ્યવસ્થિત સફાઈ ન થતી હોય તો દાંતની ઉપર એક સફેદ પીળાશ પડતું પડ જામે છે. જેને પ્લાક કહે છે. જેનો બેક્ટેરિયાના સમૂહો ઘર તરીકે ઉપયોગ કરે છે. આ પ્લાક બ્રશ વડે બરાબર સાફ થઇ શકે છે. પરંતુ, નિયમિત બ્રશ વડે દૂર ન થાય તો તેમાં ક્ષારનો સંગ્રહ થઇ મજબૂત છારી (કેલ્કયુલસ /ટાટઁર) બને છે. એક વખત છારી બની ગયા પછી તે બ્રશ વડે દૂર થઇ શકતી  નથી એટલી મજબૂત રીતે દાંત સાથે ચોંટેલી હોય છે. આ છારી મોટેભાગે દાંત અને પેઢા જયા  ભેગા થતા હોય તે ખાંચ પાસે જમા થાય છે. આ છારીના બંધારણમાં ૯૬ % બેક્ટેરિયા હોય છે. જે પેઢામાં ચેપ ફેલાવે છે અને પેઢા પર સોજો લાવે છે. જો આ છારી શરૂઆતના તબક્કામાં જ દૂર કરવામાં ન આવે તો ક્રમશઃ તેના  જથ્થામાં વધારો થતો જાય છે અને વધારે પ્રમાણમાં પેઢાને નુકશાન કરતુ જાય છે. જેમજેમ રોગ તબક્કાવાર વકરતો જાય તેમ પેઢા પર સોજો  વધતો જાય છે અને દાંતના મૂળિયાંને સજ્જડ રીતે પકડી રાખતા હાડકાનો નાશ થતો જાય છે, સાથે-સાથે પેરીઓડોન્ટલ ફાઈબર, કે જે  હાડકા અને દાંતના મૂળિયાં  વચ્ચે હોય છે અને દાંતને  તેની મજબૂત સ્થિતિમાં રાખે છે, તેનો નાશ થતો જાય છે, હાડકાની ઉચાઇ ઘટતી  જાય છે, પેઢા નીચે ઉતરતા જાય છે, એટલે દાંતના મૂળિયાં ખુલ્લા થતા જાય છે, બે દાંત વચ્ચેની જગ્યામાં ખોરાક ફસાવાની સમસ્યા થાય છે, પેઢામાંથી રસી નીકળે છે, છારીના થર જામતા જાય છે, બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળે છે, કયારેક તો આપમેળે પણ લોહી નીકળે છે, છારીને કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે અને છેલ્લે દાંત હલવા માંડે ને છેવટના તબક્કામાં વધારેને વધારે હલતો જાય છે અને પડી જાય છે અથવા પડાવવો પડે છે અને દાંત ગુમાવવો પડે છે.

પાયોરિયા શા માટે ભયજનક છે?

દાંતના આ ભયંકર રોગમાં ભાગ્યે જ કોઈ કેસમાં દુ:ખાવો થાય છે એટલે આ રોગ થઇ ગયો હોય તો એવા ભ્રમમાં રહેશો નહિ કે મને દાંતની કોઈ તકલીફ નથી. આ રોગ પેઢાં માં ખૂબ જ ધીમે ધીમે અને એકદમ શાંતિથી આગળ વધે છે, અને નુકશાન પહોંચાડે છે.

પાયોરિયાના લક્ષણો

શરૂઆતના તબક્કામાં આ રોગમાં પેઢા પર લાલાશ પડતો સોજો હોય છે, પેઢા પાસે દાંત પર કાળી કે પીળાશ પડતી છારી (કચરો) જામી હોય જે બ્રશથી દૂર ન થતી હોય. આ છારી મોટેભાગે  નીચેના આગળના દાંતમાં અંદરની બાજુએ વધારે જમા થાય છે. બ્રશ કરતી વખતે કે આપમેળે પેઢામાંથી  લોહી નીકળતું  હોય, પેઢા દાંતની આજુબાજુથી  ઉખડી ગયા  હોય, મોઢામાં વાસ આવતી હોય, પેઢામાં ક્યારેક ખંજવાળ આવતી હોય. આ તબક્કામાં દુખાવો થતો નથી.

symptoms of gum disease


વધારે આગળના તબક્કામાં પેઢા ફૂલી જાય છે, લોહી વધારે પ્રમાણમાં નીકળે છે. પેઢામાંથી રસી નીકળે છે, ક્યારેક જ દુખાવો થાય છે અને દાંત થોડાક પ્રમાણમાં હલતો હોય એવું લાગે. છેલ્લા તબક્કામાં બધા લક્ષણોની  તીવ્રતામાં  વધારો થાય છે અને દાંત વધારે પડતો હલવા માંડે છે, દુખાવો કયારેક જ થાય છે. આશ્ચર્યજનક રીતે પાયોરિયાના મોટાભાગના કેસમાં છેલ્લા તબક્કામાં પણ કોઈ દુખાવો થતો નથી. 

પાયોરિયા થતો અટકાવવાના ઉપાયો

દરરોજ નિયમિત દરેક વખતે જમ્યા બાદ દાંતની સાચી પધ્ધતિથી બ્રશ વડે સફાઈ કરવી જોઈએ. મોઢામાં જોરથી હલાવી પાણીના કોગળા કરવા. મીઠાવાળા પાણીનો ઉપયોગ ફાયદાકારક છે. પાનમસાલા, તમાકુ ખાવાની કુટેવ ન રાખવી. પાયોરિયા થવાનું મૂળ કારણ છારી છે, જો દાંત પર છારી જામી ગઈ હોય તો તમારા દાંતના ડોક્ટર પાસે તે છારી અલ્ટ્રાસોનિક સ્કેલર (સ્કેલીંગ) દ્વારા દૂર કરાવવી જોઈએ. જેથી, આ રોગને શરૂઆતના તબક્કામાં જ અટકાવી શકાય અને દાંતને બચાવી શકાય.

પાયોરિયાની સારવાર

પાયોરીયાની સારવાર, રોગ તેના ક્યાં તબક્કામાં છે તેના પર આધાર રાખે છે. જો રોગ શરૂઆતના તબક્કામાં જ હોય તો માત્ર  સ્કેલીંગ દ્વારા છારી દૂર કરવાથી જ મટાડી શકાય છે. વધારે આગળના તબક્કામાં હાડકાનું પ્રત્યારોપણ (બોન ગ્રાફટીંગ), પેઢાની સર્જરી (ફ્લેપ સર્જરી) ની સારવાર દ્વારા કરી શકાય છે.

છેલ્લા તબક્કામાં  જયારે દાંત એકદમ હલતો  હોય અને વધારે પ્રમાણમાં પેઢા તેમજ હાડકાનો નાશ થઇ ગયો હોય તેવા કિસ્સામાં કોઈ સારવાર કારગત નીવડતી નથી ત્યારે છેલ્લા ઉપાય તરીકે દાંત કઢાવી નાખવો પડે.

પાયોરિયાને કારણે દાંત ગુમાવવા ન પડે તે માટે શું કરવું

પાયોરીયા જ ન થાય તેવું વાતાવરણ ઉભું કરવું, તો તેના માટે શું કરવું જોઈએ ? નિયમિત જમ્યા બાદ દરેક વખતે વ્યવસ્થિત દાંતની બ્રશ વડે સફાઈ કરો. દર છ  મહિને કોઈ પણ તકલીફ ન હોય તો પણ તમારા દાંતના ડોક્ટરની મુલાકાત લો, જે મોઢાની તબીબી તપાસ કરશે અને જો  દાંત પર છારી જામી ગઈ  હોય તો સ્કેલીગ દ્વારા દૂર કરશે. સ્કેલીંગથી પેઢા તંદુરસ્ત થશે. તંદુરસ્ત પેઢા તમારા દાંતને જીવનભર મજબૂત રાખશે.

વ્યવસ્થિત રીતે બ્રશ કરવાની  પધ્ધતિની ચર્ચા તેના ખાસ વિભાગમાં કરીશું.  



આ પણ વાંચો, તમને જરૂર ગમશે.



શું આપનું બાળક બ્રશ કરવામાં ધાંધીયા કરે છે?દાંતના સડાથી કઈ રીતે બચશો ?પયોરીયાથી કેવી રીતે બચશો?દાંતની માવજત કરો, મજાક નહિ.કઈ ટુથપેસ્ટ સારી?

You may like these posts: