દુધિયા દાંત શું છે?
દુધિયા દાંત કેટલા હોય છે?
દુધિયા દાંત કયારે આવે?
દુધિયા દાંત કયારે પડે?
દુધિયા દાંતનો ઉપયોગ અને તેનું મહત્વ
દુધિયા દાંતમાં થતી સામાન્ય સમસ્યાઓ
બાળકોમાં દાંતના સડાનું પ્રમાણ
દુધિયા દાંતની કાળજી કેવી રીતે રાખવી?
બાળક માટે કયારે તરત જ ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ
દુધિયા દાંત (Milk Teeth) ને પ્રાથમિક દાંત અથવા ટેમ્પરેરી દાંત પણ કહેવાય છે. ઘણા માતા-પિતા માનતા હોય છે કે દુધિયા દાંત તો પડી જવાના જ છે, એટલે ખાસ ધ્યાન રાખવાની જરૂર નથી. પરંતુ હકીકતમાં દુધિયા દાંત બાળકના સ્વસ્થ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દુધિયા દાંત શું છે?
બાળકના મોંઢાંમાં
આવતાં પહેલા ૨૦ દાંતને દૂધના દાંત કહેવામાં આવે છે.
દુધિયા દાંત કેટલા હોય છે?
દુધિયા દાંતની કુલ સંખ્યા – ૨૦ હોય છે.
૮ આગળના કાપવાના
દાંત (Incisors)
૪ કેનાઈન (Canines)
૮ દાઢ (Molars)
દુધિયા દાંત કયારે આવે?
લગભગ ૬ મહિનાની ઉંમરથી દાંત આવવાની શરૂઆત થાય છે.
૨.૫ થી ૩ વર્ષ સુધીમાં તમામ 20 દુધિયા દાંત આવી જતાં હોય છે. આ એક સરેરાશ સમયગાળો છે, તેમાં થોડું વહેલું મોડું થઈ શકે છે.
દુધિયા દાંત કયારે પડે?
બાળકોમાં દૂધિયા
દાંત પડવાની પ્રક્રિયા સામાન્ય રીતે ૬ થી ૭ વર્ષની ઉંમરે શરૂ થાય છે અને ૧૨ થી ૧૪
વર્ષની ઉંમર સુધી ચાલે છે. સૌથી પહેલા નીચેના આગળના દાંત પડે છે અને ત્યારબાદ
ક્રમશઃ અન્ય દાંત પડે છે અને તેની જગ્યાએ કાયમી દાંત આવી જતાં હોય છે.
દૂધિયા દાંત
પડવાનો સામાન્ય ક્રમ (ઉંમર મુજબ):
૬ - ૭ વર્ષ:
નીચેના અને ઉપરના એકદમ આગળના વચ્ચેના દાંત (Central Incisors).
૭ - ૮ વર્ષ: એકદમ
વચ્ચેથી બાજુના દાંત (Lateral Incisors).
૯ - ૧૧ વર્ષ:
પહેલી દાઢ (First Molars).
૧૦ - ૧૨ વર્ષ: રાક્ષસી દાંત (Canines) અને બીજી દાઢ (Second Molars).
દુધિયા દાંતનો ઉપયોગ અને તેનું મહત્વ
દૂધના દાંત ખોરાક ચાવવા માટે મદદ કરે છે, જેના કારણે: પાચન સુધરે છે,,યોગ્ય પોષણ મળે છે, બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે. દુધિયા દાંત વહેલા પડી જાય અથવા પડાવવા પડે તો પણ કાયમી દાંત તો તેના સમયે જ આવે છે, ત્યાં સુધી બાળકની ખોરાક ચાવવાની ક્ષમતા ઘટી જાય છે. પ્રથમ કાયમી દાઢ બાળકમાં આશરે છ વર્ષની ઉમરે ઉગે છે. જો આ દાઢમાં સડો લાગે અને ભૂલથી તેને દુધિયા દાંત ગણીને તેની સારવાર પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો શક્યતા રહે કે બાળકને એક દાઢનું કાયમી નુકશાન થાય.
૨, સ્પષ્ટ બોલવા માટે
દાંત બોલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્વસ્થ દુધિયા દાંત બાળકને: શબ્દો સ્પષ્ટ બોલવામાં મદદ કરે છે, યોગ્ય ઉચ્ચાર વિકસાવવામાં મદદ કરે છે
દુધિયા દાંત કાયમી દાંત માટે જડબામાં જગ્યા રોકી રાખતા હોય છે. જો દુધિયા દાંત કુદરતી રીતે પડવાના સમય કરતા વધારે પડતા વહેલા સડાને કારણે પડી જાય અથવા પડાવવા પડે, પડી ગયેલા દાંતની બાજુના દાંત ખાલી જગ્યા તરફ ખસે છે. નવા કાયમી દાંત માટે પૂરતી જગ્યા ન મળવાથી આડાઅવળા આવી શકે છે અને કાયમી દાંતમાં આગળ-પાછળ (Crowding) ની સમસ્યા થાય છે.
દુધિયા દાંત જડબાના હાડકાં અને ચહેરાના યોગ્ય વિકાસમાં મદદ કરે છે. જો દુધિયા દાંત સમયથી બહુ વહેલા પડી જાય તો તે ભાગ પૂરતું જડબાનો વિકાસ કુંઠિત રહી જાય છે અને કાયમી દાંત માટે જડબામાં જગ્યા ઓછી રહે છે અને દાંતની ગોઠવણી વ્યવસ્થિત થતી નથી પરિણામે બાળકના દાંત વાંકાચૂકા (આગળ-પાછળ) રહે છે.
સ્વસ્થ દાંત
બાળકના સ્મિત અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. દુધિયા દાંત વહેલા પડી જવાથી
બાળકના ચહેરાની સુંદરતામાં ઘટાડો થાય છે.
બીજી એક એવી ખોટી
માન્યતા છે કે, બાર-તેર વર્ષ
સુધીના બાળકના દાંત સડી ગયા હોય કે ઈજાને કારણે આગળના દાંત તૂટી ગયા હોય તો કઢાવી
નાખવા જોઈએ, તેથી બીજા નવા
દાંત ઉગી આવશે.
યાદ રાખો: કુદરતી રીતે દુધિયા દાંત પડવાની શરૂઆત છ થી સાત વર્ષે શરુ થાય છે અને વારાફરતી દરેક દાંતના સમયપત્રક અનુસાર તે પડતા જાય અને તેની જગ્યાએ કાયમી દાંત આવતા જાય છે, હવે આ કાયમી દાંત કઢાવી નાખો તો બીજા કોઈ દાંત તેની જગ્યાએ ઉગતા નથી. કાયમી દાંત એક જ વાર આવે છે.
દુધિયા દાંતમાં થતી સામાન્ય સમસ્યાઓ
- દાંતનો સડો (Early Childhood Caries)
- બેબી બોટલ સિન્ડ્રોમ (દૂધની બોટલને કારણે થતો સંખ્યાબંધ દાંતમાં સડો)
- દુખાવો અને સોજો
- દાંત આવ્યા ન હોય
- દાંત વહેલા પડી જવા
- દાંત આડા-અવળા આવતા હોય
- જડબાના વિકાસમાં અનિયમિતતા હોય
કાયમી દાંત કરતાં
દુધિયા દાંતમાં દાંતનો સડો વધુ ઝડપથી ફેલાય છે, તેથી સમયસર સારવાર ખૂબ જ જરૂરી છે.
બાળકોમાં દાંતના સડાનું પ્રમાણ
દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા યોજાતા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમના સર્વેક્ષણ મુજબ શાળાએ જતા બાળકોમાં (૪ થી ૧૨ વર્ષ)માં ૭૦ થી ૮૦ % બાળકો દાંતના રોગોથી પીડાય છે. જેમાં મુખ્ય રોગ દાંતનો સડો છે.
સામાન્ય રીતે
કેટલાક લોકોમાં એવી ખોટી માન્યતા છે કે નાના બાળકોના દુધિયા દાંતની સંભાળ રાખવી
જરૂરી નથી કેમ કે તે પડી જ જવાના છે અને બીજા કાયમી દાંત આવવાના છે.
દુધિયા દાંતની કાળજી કેવી રીતે રાખવી?
- દુધિયા દાંત આવતાં પહેલાં બાળકના નાજુક પેઢાને નરમ અને સ્વચ્છ કપડાથી સાફ કરો.
- બાળકનો પ્રથમ દાંત આવે ત્યારથી જ તેની સંભાળ લેવાનું શરૂ કરવું જોઈએ. શરૂઆતમાં સ્વચ્છ કપડાથી તેને લૂછવું જોઈએ.
- બાળકના દુધિયા દાંત આવી ગયા હોય અને બાળક થોડુક સમજણુ થાય ત્યારથી જ તેના દાંતને બ્રશ કરવાનું શરુ કરી દેવું જોઈએ.
- દાંત સાથે ચોટી જાય તેવી ચીકણી ખાવાની વસ્તુઓ જેમ કે ચોકલેટ, ગોળ, મીઠાઈ વગેરે પર નિયંત્રણ રાખો. રાત્રે જમ્યા પછી કયારેય આવી ચીકણી ખાવાની વસ્તુઓ બાળકોને ખાવા આપશો નહિ.
- દરરોજ સવારે અને રાત્રે સુતા પહેલા બાળકને ફરજીયાત બ્રશ કરાવો. રાત્રે સુતા પહેલા દાંતની સફાઈની વધારે અગત્યતા છે.
- દૂધની બોટલ મોઢામાં આપીને બાળકને સુવડાવવાની આદત પાડવી નહિ. તેનાથી બાળકમાં દાંતના સડાની શકયતા ખુબ જ વધારે રહેશે અને સડાનો વિકાસ ઝડપી રહે છે, અને બાળકને “બેબી બોટલ સિન્ડ્રોમ“ નામનો રોગ થાય છે, જેમાં બાળકના લગભગ બધા દાંત સડી જાય છે.
- સારી ગુણવત્તાવાળું ટુથબ્રશ અને બ્રશ કરવાની સાચી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરો.
- બાળકના દાંત ઉપર સડાપ્રતિરોધક રસાયણ(ફ્લોરાઇડ) લગાડી શકાય. જે દાંતની સપાટીને સડા સામે રક્ષણાત્મક આવરણ પૂરું પડે છે. આ સારવાર દાંતના નિષ્ણાંત ડોક્ટર બાળકને ૩, ૭, ૧૩ અને ૧૭ વર્ષની ઉમરે જેમ જેમ નવા દાંત ઉગતા જાય તેમ આપી શકે.
- દાઢોમાં રહેલી કુદરતી તીરાડો અને ખાંચો જેમાં ખોરાક ફસાઈ જાય અને વ્યવસ્થિત સાફ ન થઇ શકે, તે ઇનેમલોપલાસ્ટી દ્વારા નિયમિત કરી શકાય, જેથી દાંતમાં સડો થાય તેવું વાતાવરણ બને નહિ. જો આ કુદરતી તીરાડો, ખાંચો ઊંડી હોય તો તેમાં કોમ્પોઝીટ ફિશર સીલંટ મટીરીયલ દ્વારા છીછરી કરી શકાય.
- એક વર્ષની ઉંમર સુધીમાં બાળકની પ્રથમ ડેન્ટલ મુલાકાત ગોઠવવી જોઈએ. દર છ મહીને દાંતની નિયમિત તપાસ થવી જોઈએ, જેથી કોઈ દાંતમાં સડાની શરૂઆત થઇ ગઈ હોય તો તેની સારવાર થઇ શકે. યાદ રાખો. દાંતના સડાનું નિદાન જેટલું વહેલું થાય અને તેની સારવાર લેવાય એટલું વધારે હિતમાં છે. જો સડો ખુબ આગળ વધી જાય અને દુખાવો થાય ત્યારે સારવાર કરાવવાનું આયોજન હોય તો એવું પણ બને કે તમારે દાંત ગુમાવવો પડે અથવા લાંબી અને જટિલ મુળિયાની સારવાર લેવી પડે.
બાળક માટે કયારે તરત જ ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ
- દાંતમાં દુખાવો
- સોજો
- દાંતમાં સડાને કારણે કાળા અથવા ભૂખરા ડાઘ
- અકસ્માતે પડી જવાથી દાંત તૂટી જવો
- જો ૬-૭ વર્ષની ઉંમર બાદ પણ દાંત ઢીલો ન થાય
- જો દાંત વહેલા પડી જાય (ઈજા કે સડવાથી)
- જો નવા દાંત ખોટી દિશામાં આવી રહ્યા હોય
નિયમિત ચેકઅપથી
દાંતની યોગ્ય ગોઠવણી અને સ્વસ્થ વૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય છે.
દુધિયા દાંતની યોગ્ય કાળજી રાખવાથી:
✔ સ્વસ્થ કાયમી દાંત
✔ જડબાનો યોગ્ય વિકાસ
✔ સ્પષ્ટ બોલવાની ક્ષમતા
✔ સુંદર અને આત્મવિશ્વાસભર સ્મિત






