દાંતને લગતી કેટલીક ખોટી માન્યતાઓ(૧) તમાકુવાળી ટુથપેસ્ટ વાપરવાથી દાંત કયારેય દુખતા નથી.
આ માન્યતા ખૂબ જ ભયજનક છે. તમાકુનો કોઈ પણ રીતેનો ઉપયોગ મોંઢાના કેન્સરને તેમજ લોહીના ઊંચા દબાણને આમંત્રણ આપે છે. તમાંકુયુક્ત ટુથપેસ્ટ વાપરવાથી તેનો નશો ચડે છે. તેમજ ખુબ ટૂંકા સમયમાં તેના બંધાણી બની જવાય છે. તમાકુને કારણે મોઢાની નાજુક ચામડીનુ ઉપરનું પડ થોડા સમય માટે બહેરું થઇ જાય છે. તેથી દાત કે પેઢાના રોગોને કારણે થતો દુઃખાવો થોડાક સમય માટે દુર થઇ જાય છે. અથવા તેનાથી રાહત મળે છે, પરંતુ રોગ સંપૂર્ણપણે મટતો નથી. દાતમાં દુખાવો થાય તો નિષ્ણાત ડોક્ટરને મળવું જોઈએ. જેથી તેની વ્યવસ્થિત કાયમી સારવાર થઇ શકે. તામાકુવાળી ટુથપેસ્ટ વાપરવાથી દુખાવામાં રાહત મળે છે પરંતુ રોગ વકરતો જાય છે જેની દર્દીને મોટેભાગે જાણ થતી નથી. જયારે જાણ થાય ત્યારે ઘણું મોડું થઇ ચૂકયું હોય છે.
તમાકુવાળી ટુથપેસ્ટથી દાત વ્યવસ્થિત સાફ થઇ શકતા નથી. તેમજ તેનાથી લાંબા ગાળે દાંત પર  તમાકુના ડાઘા થાય છે. જે પેઢાની તંદુરસ્તી માટે જોખમી છે. વળી, આવી ટુથપેસ્ટો કીમતમાં પણ ખુબ જ  મોંઘી હોય છે. છતા આરોગ્ય માટે નુકશાનકારક છે. કેટલાક દતમંજનોમાં પણ તમાકુ હોય છે. જેનાથી થોડા સમય માટે દાંતના રોગના લક્ષણો છુપાવી શકાય છે. તમાકુના નશાને કારણે આવા દંતમંજનોના પણ બંધાણી બની જવાય છે. જેથી આવા દતમંજનોનું વેચાણ સતત ચાલુ રહે.

(૨) દાતમાં દુ:ખાવો થાય તો તમાકુ, બઝર, વિકસ, મલમનું પોતું, લવિંગ, પેટ્રોલ, કેરોસીન, ટાઈગર બામનું પોતું મુકવાથી દુ:ખાવો મટી જાય છે.
આ માન્યતા પણ ખુબ જ  ભયજનક અને નુકસાનકારક છે. ઘણા દર્દીઓ દાતમાં દુ:ખાવો થાય તો ઉપર જણાવેલી વસ્તુઓનો દુ:ખાવો દુર કરવા માટે ઉપયોગ કરે છે જે એક જાતનું સલાડ છે. તેનાથી મોઢાની નાજુક ચામડી બહેરી થઇ જવાથી થોડા સમય પુરતો જ આરામ મળે છે. આ બધી વસ્તુઓ સ્વભાવે જલદ હોવાથી દાંતનો દુઃખાવો દુર થાય કે ના થાય, પરંતુ મોઢામાં ચાંદા જરૂર પડી જાય છે. અને મોઢું આવી જાય છે, પરંતુ દાંતનો રોગ મટતો નથી. દાતમાં દુ:ખાવો ઉપડે અને તે સમયે ડોક્ટર ઉપલબ્ધ ન હોય અથવા તો સમયની અનુકુળતા ન હોય તો પેઈનકીલર ટેબ્લેટ  (બ્રુફેન કે કોમ્બીફ્લેમ) લેવાથી હંગામી ધોરણે દુખાવાથી રાહત મેળવી શકાય છે. દાંતનો દુ:ખાવો મટાડવા તમાકુ, બઝર, પેટ્રોલ, મલમો કે કેરોસીનનો ઉપયોગ કરવો જોઈએ નહિ.

(૩) માન્યતા : એક દાંત કઢાવવાથી બીજા દાંત હલી જાય અથવા બાજુના દાંત કઢાવવા પડે.
જી ના, ફરજીયાત નથી. સડેલા દાંતને દુર કરવાથી આજુબાજુના બીજા તંદુરસ્ત દાંતને સડાથી બચાવી સકાય. શક્ય હોય ત્યાં સુધી દાંતમાં રહેલા સડાને દુર કરાવી બચાવવો જોઈએ. જો દાંત રૂટ કેનાલ ટ્રીટમેન્ટની સારવાર દ્વારા બચી શકે તેમ ન હોય તો કઢાવી નાખવો જોઈએ. ટોપલામાં ભરેલી કેરીઓમાં એક સડેલી કેરી બીજી કેરીમાં ‍‌સડો ફેલાવે છે એથી વહેલી તકે તેને દુર કરવી જોઈએ. આમ કરવાથી, બીજી કેરીઓમાં સડો ફેલાતો અટકે છે, સડેલા દાંત વિશે પણ આમ જ સમજવું. સડેલા દાંત મોઢામાં રાખવા હિતાવહ નથી.
હા, કાઢી નાખેલ દાંતની જગ્યાએ સમયસર કૃત્રિમ (બ્રિઝ અથવા ઈમ્પ્લાન્ટ) દાંત બેસાડવો જરૂરી છે. જો લાંબો સમય સુધી જગ્યા ખાલી રહે તો આજુબાજુના દાંત તથા સામેનો દાંત ખાલી જગ્યા તરફ ઢળે છે અને દંત પંક્તિની ગોઠવણ અવ્યવસ્થિત બને છે અને સમય જતા દાંતની મજબૂતાઈ ઘટે છે.

(૪) માન્યતા: દાંત સાફ કરાવવાથી (સ્કેલિંગથી) દાંત નબળા પડી જાય અથવા હલી જાય.
જેવી રીતે વાળ સાફ કરાવવાથી (ધોવાથી) ખરી જતા નથી. ઊલટાનું વાળ નિયમિત સાફ ન કરવાથી માથામાં જૂ, ખોડો, ગુમડા, ઉદરી જેવા રોગ થાય છે. તેવી જ રીતે નિયમિત અને યોગ્ય સફાઈથી દાંત અને પેઢાના રોગોને થતા પહેલા જ અટકાવી શકાય છે, આમ દાંતને નબળા થતા રોકી શકાય છે.
ઘણી વખત, દાંત અને પેઢા વચ્ચેના ભાગમાં ખુબ જ છારી જમા થઇ ગયી હોય ત્યારે પથ્થર જેવી છારીના ટેકે દાંત મજબુત લાગતા હોય છે. પણ આ છારીમાં પુષ્કળ પ્રમાણમાં રોગના જીવાણુઓ હોય છે, જે પેઢામાં ચેપ લગાડે છે અને દાંતને હાડકામાંથી નબળા પાડી દે છે. આવા સમયે, આવી છારી દૂર  કરવાથી દાંત વચ્ચે છારીની જગ્યા ખાલી થાય છે અને દાંત થોડા નબળા પડી ગયેલા જણાય છે પણ આ છારી નીકળી જવાથી તેમાંથી રોગ પેદા કરતા જીવાણુઓ સાફ થવાથી પેઢાના રોગોને આગળ વધતા અટકાવી શકાય છે. પેઢા રૂઝાય છે અને આમ થઇ ગયેલી જગ્યાએથી, જમ્યા બાદ કચરો વધારે સારી રીતે સાફ કરી શકાય છે અને લાંબા સમય માટે દાંતની તંદુરસ્તી સુધરે છે. દાંત સાફ કરાવવાથી દાંત નબળા પડતા નથી, ઉલટાનું પેઢા લાંબા સમય માટે તંદુરસ્ત બને છે.

(૫) માન્યતા: ડોક્ટર પાસેથી દાંત સાફ કરવવાથી દાંતના ઉપરનું પડ ઇનેમેલને નુકસાન થાય છે.
દાંત સાફ કરવા માટેનું સાધન અલ્ટ્રાસોનિક સ્કાલેર દાંત ઉપર જામેલા પ્લાક, છારી કે ડાઘા માત્ર જ  ઉખાડે છે અથવા દુર કરે છે. તેનાથી દાંતના ઉપરનું પડ ઈનેમલને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી.

(૬) માન્યતા : એક વખત દાંત સાફ કરાવ્યા પછી દાંત વારેવારે સાફ કરાવવા પડે?
રસોઈ કરીને કે જમીને ફરીથી ઉપયોગમાં લેતા પહેલા, વાસણો ચોખ્ખા કરવા જરૂરી છે, તેવી જ રીતે દાંત સાફ કરવા જરૂરી છે. દરેક વ્યક્તિએ દિવસમાં બે વખત ભોજન પછી બ્રશ દ્વારા દાંત અને પેઢાની યોગ્ય સફાઈ કરવી જોઈએ અને  દાંતની અટપટી રચનાને કારણે ખૂણા ખાંચે દાંતમાં રહી ગયેલો કચરો, જે મોટે ભાગે બ્રશ કરવાથી નીકળી શકતો નથી, તે કચરો વધારે ખરાબી કરે તે પહેલા નિયમિત દર છ મહીને ડોક્ટર પાસે જઈને દાંત સાફ કરાવવાથી દુર થઇ છે અને દાંતને સ્વસ્થ અનેતંદુરસ્ત રાખી શકાય છે, જે જરૂરી છે.


(૭) માન્યતા: દુધિયા દાંત પડી જશે. તે પછી કાયમી દાંત આવવાના જ છે, તો દુધિયા દાંતની સારવાર કે કાળજી લેવાની જરૂર નથી.
આ ગણતરી કે માન્યતા જોખમી છે. કાયમી દાંતની જેટલી સંભાળ લઈએ તેટલી જ, તેના કરતા વધારે સંભાળ દુધિયા દાંતની લેવી જોઈએ. કારણકે દુધિયા દાંત કાયમી દાંત માટે જડબામાં જગ્યા રોકી રાખવા માટે છે. જો દુધિયા દાંત કુદરતી રીતે પડવાના સમય કરતા વધારે પડતા વહેલા સડી જાય અથવા તો કાઢી નાખવામાં આવે તો તે જગ્યાએ જડબાનો વિકાસ ઓછો થાય છે અને કાયમી દાંત માટે જડબામાં જગ્યા ઓછી રહે છે અને દાંતની ગોઠવણી વ્યવસ્થિત થતી નથી પરિણામે બાળકના દાંત વાંકાચુકા રહે છે અને ચહેરાનો દેખાવ બગડે છે. દુધિયા દાંત વહેલા પડી જાય અથવા પડાવવા પડે તો પણ કાયમી દાંત તો તેના સમય પર જ આવે છે, ત્યાં સુધી બાળકની ખોરાક ચાવવાની ક્ષમતા ઘટી જાય છે. દુધિયા દાંત કઢાવી નાખવાથી બાળકના ચહેરાની સુંદરતામાં ઘટાડો થાય છે. સડેલા દાંતનો સડો બાળકનું આરોગ્ય બગાડે છે. દાંત વિષેના કેટલાક અંધશ્રદ્ધા ભર્યા પ્રશ્નો દર્દીને સમયસરની સારવારથી વંચિત રાખે છે અને રોગને વકરવામાં કારણભૂત બને છે. દાંતના સડાને ચક્રવર્તી વ્યાજ સાથે જેમ ચક્રવૃધ્ધિ વ્યાજે લીધેલી રકમ ભરવાની તો છે જ, જેટલી વહેલી ભરાય તેટલી ઓછી ભરવી પડે, તેવી જ રીતે દાંતની સારવાર જેટલી સમયસર કરાવો તેટલી ઓછી કરવી પડે, સારવારમાં ઓછો સમય લાગે, ઓછો ખર્ચ થાય અને મહત્તમ સારૂ પરિણામ મેળવી શકાય અને દાંત ગુમાંવવામાંથી બચી શકાય.

(૮) દાંત હલતા ન હોય કે દુઃખતા ન હોય તો દાંત કઢાવવા ન જોઈએ. આ પણ એક ખોટી માન્યતા છે. શરીરની તંદુરસ્તીને જોખમરૂપ દાંત જો અન્ય સારવારથી બચાવી શકાય તેમ ન હોય તો વહેલી તકે દુર કરાવવા જોઈએ. વધારે પડતા સડી ગયેલા દાંત સારવારથી બચાવવા શક્ય ન હોય તો કઢાવી નાખવા જોઈએ, ભલેને તે હલતા ન હોય કે દુઃખતા ન હોય.
ચોકઠું બનાવતી વખતે સડેલા, હલતા અને નડતર રૂપ દાંત કાઢયા બાદ, બે ચાર તંદુરસ્ત દાંતનું ચોકઠાં માટે બલિદાન આપવું પડે તો તેમાં ડર રાખવા જેવું કાંઈ નથી હોતું. આવા દાંતને કાઢયા પછી, ત્યાં પાક ન હોવાને કારણે વધારે ઝડપથી રૂઝ આવે છે. આમ પણ મોઢામાં રહેલા છેલ્લા થોડાક દાંત ખોરાક ચાવવામાં કશા ઉપયોગી હોતા નથી.

You may like these posts: