દાંત પડાવ્યા બાદ
ચોકઠું કયારે બનાવવું જોઈએ?
દાંતનું ચોકઠું
બનાવ્યા પછી શું ધ્યાન રાખવું જોઈએ? – સૂચનાઓ
નીચેનું ચોકઠું શા માટે ઢીલું રહેતું હોય છે?
નીચેનું ચોકઠું ઢીલું રહેતું હોય તો શું કરવું? ઉપાયો
દાંત પડાવ્યા બાદ ચોકઠું (બત્રીસી) શા માટે મહત્વનું છે?
આયુર્વેદ તેમજ યુનાની ગ્રંથોમાંથી જાણવા મળે છે કે શરીર મોટાભાગના રોગો પાચનતંત્રની તકલીફને કારણે થાય છે. ખાસ કરીને દાંત પડાવ્યા બાદ દર્દીઓને જમવાની તકલીફને લીધે પેટના દર્દોથી પીડાવું પડે છે. આથી દાંત પડાવ્યા બાદ ચોકઠું બનાવવુ શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે અત્યંત ઉપયોગી બને છે. જેથી આવી તકલીફને આપણે દુર કરી શકીએ. દાંત પડાવ્યા બાદ તેના બદલામાં બત્રીસી અથવા ચોકઠું પહેરવું, એ દર્દી માટે જરૂરી બને છે. જેથી જમવામાં, બોલવામાં કોઈ અડચણ ના આવે અને ચહેરાનો ઘાટઘુટ જળવાઈ રહે. દાંત પડાવ્યા બાદ દર્દીના મોંઢા ઉપર કરચલી પડી જાય છે. આનું કારણ એ છે કે દાંત, હોઠ તથા ગાલની માંસપેશીઓને ટેકો આપી સુડોળ બનાવે છે. દાંત પડી જવાથી એ ટેકો જતો રહે છે, એટલે આવી તકલીફ ઉભી થાય છે, જેને ચોકઠાં દ્વારા દુર કરી શકાય છે.
દાંત પડાવ્યા બાદ દર્દીને શબ્દોચ્ચારમાં તકલીફ પડે જેને ચોકઠાં દ્વારા દુર કરી શકાય છે. ઘણી વખત દાંત પડાવ્યા બાદ લોહીમાં હિમોગ્લોબીન ઓછું થવાની એટલે કે નબળાઈ આવવાની ફરિયાદ રહે છે, જેવું મુખ્ય કારણ જમવાની તકલીફ છે, આનો ઈલાજ ચોકઠું છે, જેથી દર્દીને વ્યવસ્થિત રીતે જમી શકે અને આમ કરવાની તેનો માનસિક તનાવ પણ દુર કરી શકાય છે. પહેલેથી જ જો વડીલો ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી બીમારીથી પીડાતા હોય અને દાંત પણ ન હોય તો જમવામાં એકદમ પોચા ખોરાકમાં દાળ-ભાત, શીરો કે ખીર જેવી વસ્તુઓ લેતા હોય છે જે તેની બિમારીઓને વધારે વકરાવે છે. પૌષ્ટિક ખોરાક જેવો કે કાચા શાકભાજી, ફળો વગેરે ચાવવા માટે દાંત હોવા જરૂરી છે.
દાંત પડાવ્યા બાદ ચોકઠું કયારે બનાવવું જોઈએ?
સામાન્ય રીતે ચોકઠું બધા દાંત પડાવ્યા બાદ દોઢથી બે મહિના પછી બનાવી શકાય. હવે તો દાંત પડાવ્યા બાદ ઈમીજીયેટ ડેન્ચરની સુવિધા પણ ઉપલબ્ધ છે.
દાંતનું ચોકઠું બનાવ્યા પછી શું ધ્યાન રાખવું જોઈએ? – સૂચનાઓ
ચોકઠું બનાવ્યા
બાદ કેટલીક બાબતોનું ધ્યાન
રાખવું જરૂરી છે જેમ કે,
- શરૂઆતના નવા ચોકઠાથી ખાવું નહિ, એક વખત ફાવી જાય અને કોઈપણ જાતની મોઢામાં તકલીફ ન હોય અને બત્રીસી મોઢામાં તેનું ઘર કરી લે ત્યાર પછી જમતી વખતે વાપરવાની શરૂઆત કરવી જેથી મોઢામાં ચાંદા ના પડે.
- ચોકઠું ફાવી જાય પછી શરૂઆતમાં નરમ-પોચી વસ્તુનો ખોરાક લેવો. કઠણ અને ચીકણી વસ્તુ ખાવી નહિ.
- ચોકઠું નિયમિત રીતે સાફ કરવું જરૂરી છે કારણ કે ગંદા ચોકઠાથી દેખાવ ખરાબ લાગે અને મોઢાંના રોગો થવાની સંભવના રહે. હમેશા જમ્યા બાદ ચોકઠું સાફ કરવું, મોઢું સાફ કરવું. ચોકઠાં સાફ કરવાનો પાવડર તમારા દાંતના ડોક્ટરની સલાહ લઇ વાપરવું.
- ચોકઠું ઢીલું રહેતું હોય તો ચોકઠું ફીટ કરવાનો પાવડર વાપરવાથી ચોકઠું મોઢામાં બંધબેસતું રહી શકે છે.
- ચોકઠું તૂટે તો ઘરગથ્થુ ઉપચાર ન કરતા, તૂટેલા ભાગો સાથે રીપેર કરાવવા આપના ડોક્ટરને મળો.
- શરૂઆતમાં ચોકઠું મોઢાંમાં મુક્તા વધારે લાળ આવશે, જે સમય જતા સામાન્ય થઇ જશે.
- ચોક્ઠાને સુકું થવા દેશો નહિ. મોઢાની બહાર હોય ત્યારે ચોક્ઠાને પાણીમાં ડુબાડી રાખશો.
- ચોકઠું સાફ કરતી વખતે તેને વ્યવસ્થિત પકડવું જેથી તે પડી જાય નહિ અને તૂટે નહિ.
- નવા ચોકઠાથી મોઢામાં લાગતું હોય, ખુંચતું હોય કે ચાંદા પડે તો તમારા ડોક્ટરને બતાવો.
- ચોકઠાથી ખાતા શીખવું સમય લે છે. કુદરતી દાંત કરતા ચોકઠાથી ચાવવું કયારેય સરળ હોતું નથી.
- ચોકઠું કાયમી નથી. હાડકા તેમજ મોઢામાં સતત ફેરફાર થતો હોય છે, તેથી પાંચ-સાત વર્ષે નવા માપનું ચોકઠું બનાવવુ જરૂરી છે.
નીચેનું ચોકઠું શા માટે ઢીલું રહેતું હોય છે?
લગભગ બધા જ ચોકઠાં પહેરવાવાળા લોકોનો એક સામાન્ય અનુભવ હોય
છે કે નીચેના ચોકઠાંનું ફીટીંગ ઉપરના ચોકઠાં જેવુ મળતું નથી. જી હા, આ એક પરમ સત્ય
છે કે નીચેના ચોકઠાંનું ફીટીંગ કયારે ઉપરના ચોકઠાંની જેમ સારું મળતું નથી. તેના
કેટલાક કારણો છે જેમ કે
નીચેના ચોકઠાંની બરાબર વચ્ચે જીભ હોય છે જે નીચેના ચોકઠાંને
જમતી વખતે, બોલતી વખતે સતત હડસેલા માર્યા રાખે છે. આગળ હોઠ તેને પાછળની બાજુ ધક્કા
માટે છે અને સાઇડમાં બંને બાજુના ગાલના સ્નાયુઓ વચ્ચેની બાજુ ઝુલાવે છે. તેને
કારણે નીચેના ચોકઠાંમાં કયારેય એકદમ સરસ હવાચુસ્ત સીલ મળતું જ નથી. ઉપરના ચોકઠાંને
ધક્કો મારવા કોઈ હોતું નથી. ઉપરના ચોકઠાંની સરખામણીમાં નીચેના ચોકઠાંનો સરફેસ
એરિયા ઘણો ઓછો હોય છે.
બધા દાંત કઢાવ્યાની પહેલાથી જ જો પાયોરિયાને કારણે હાડકાંને
સારું એવું નુકશાન પહોંચી ગયું હોય અથવા લાંબા સમય પહેલા જ દાંત કઢાવી નાખ્યા હોય
તો ચોકઠું ટેકવવા માટે હાડકું અને પેઢાની જરૂરી ઊંચાઈ અને જાડાઈ મળતી નથી. પેઢા
એકદમ સપાટ હોય છે, જેના પર ચોકઠું સ્થિર રહી શકે નહીં. જેને કારણે નીચેનું ચોકઠું
ઢીલું રહે છે.
નીચેનું ચોકઠું ટેકવવા માટેના હડકા સાથે જો સ્નાયુઓનું
જોડાણ બહુ ઉપરના સ્તરે હોય તો પણ નીચેનું ચોકઠું ઢીલું રહે છે.
જીભની સાઇઝ જો બહુ મોટી હોય તો પણ નીચેનું ચોકઠું ઢીલું રહે
રહે છે.
હાડકું અને પેઢા બરાબર હોય, ચોકઠું પણ સારું રીતે બનેલું
હોય પણ ઘણા દર્દીઓમાં ધીરજનો અભાવ હોય છે, નવા ચોકઠાંથી ચાવવું થોડો સમય લે છે,
થોડી પ્રેક્ટિસ માંગી લે છે. મોટી ઉમરે કોઈ પણ નવી વસ્તુ વાપરતા શીખવું વધારે સમય
લે છે.
નીચેનું ચોકઠું ઢીલું રહેતું હોય તો શું કરવું? ઉપાયો
પ્રેક્ટિસ: નવું ચોકઠું વાપરતા હમેશાં થોડો સમય લે છે. પ્રેક્ટિસ
કરવી પડે, ચોકઠું આપણને ફાવે નહીં, પણ આપણે તેને ફવડાવવું પડે. પેઢા નબળા હોય તો
ચોકઠું ફાવતા ઓછામાં ઓછો એકાદ મહિનો તો નીકળી જ જાય. ધીરજ રાખવી. જીભ, ગાલના
સ્નાયુ, હોઠના સ્નાયુઓને નવા ચોકઠાં સાથે અનુકૂળતા આવતા સમય લાગે છે. ગમે તેટલી
તકલીફ પડે, ચોકઠું પહેરી રાખવું, પહેરવાની પ્રેક્ટિસ કરશો એટલે ફાવી જાય. ફરીથી એક
વાત “ચોકઠું આપણને ફાવે નહીં, પણ આપણે તેને ફવડાવવું પડે”.
એડહેસીવ: નીચેનું ચોકઠું ઢીલું રહેતું હોય તો ચોકઠું
ચોંટાડવા માટે પાવડર કે ક્રીમનો ઉપયોગ કરી શકાય.
ઈમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવરડેન્ચર: જો નીચેના જડબામાં આગળની
બાજુ થોડા પ્રમાણમાં પણ હાડકું હોય તો ત્યાં બે થી ત્રણ ઈમ્પ્લાન્ટ મૂકીને ચોકઠાંને
તેની સાથે જડબેસલાક રીતે જોડી શકાય છે.
ઈમ્પ્લાન્ટ આધારીત ચોકઠાં (ઈમ્પ્લાન્ટ સપોર્ટેડ
ઓવરડેન્ચર)ના ઘણા ફાયદા છે, જેમ કે ઢીલા ચોકઠાંની ફરીયાદમાંથી કાયમી છુટકારો મળે
છે, ચોકઠું એકદમ ઝડપથી ફાવી જાય છે, જલ્દીથી ખાતા-પીતા થઈ જવાય છે. ચોકઠાંને કારણે
ચાંદા પડવાનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય છે, પેઢા અને હાડકાના ઘસારાને અટકાવે છે.
ઈમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવર ડેન્ચર, નીચેના ઢીલા ચોકઠાં માટેનો શ્રેષ્ઠ અને સચોટ ઉપાય છે. ઈમ્પ્લાન્ટ આધારીત ચોકઠાંની આ આધુનિક પધ્ધતિ વડીલો માટે વરદાનરૂપ છે. પાછલી ઉંમરમાં ખાવા-પીવાની બધી વસ્તુઓથી જીવનનો આનંદ લઈ શકે છે અને શરીરની તંદુરસ્તી જાળવી રાખવા માટે જરૂરી પૌષ્ટિક આહાર લઈ શકે છે.