કોઈ વ્યસન નથી, બે ટાઇમ બ્રશ કરું છું છતાં મારા દાંત કેમ સડે છે.


કોઈ વ્યસન નથી, બે ટાઇમ બ્રશ કરું છું છતાં મારા દાંત કેમ સડે છે.
મારું બાળક ચોકલેટ નથી ખાતુ, છતાં તેના દાંત કેમ સડે છે?
 
દર્દીઓ તરફથી વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે. પ્રશ્નનો જવાબ થોડોક લાંબો છે, એકવીસ વર્ષની ડેન્ટલ પ્રેકટીસમાં હજારો દર્દીઓએ આ પ્રશ્ન પૂછ્યો છે અને તેનો મેં સમયની અનુકુળતા મુજબ કયારેક ટૂંકમાં કયારેક મુદ્દાસર મૌખિક રીતે જવાબ આપ્યો છે.
 
આપણી આસપાસ ઘણા બધા લોકો એવા ભાગ્યશાળી ઉદાહરણો હોય છે અને અમે પણ એવા દર્દીઓ અમારી પ્રેકટીસમાં જોયા છે જે લોકો પાનમસાલા, ગુટખા કે ધુમ્રપાનનું વ્યસન કરે છે, દાંતની ખાસ કોઈ એવી વિશેષ કાળજી રાખતા નથી, છતાં તેમના દાંત સડતા નથી (જો કે, બીજી બિમારીઓ થવાની શક્યતાઓ તો રહે જ છે). એનાથી ઉલટું એવા કમનસીબ દર્દીઓ પણ હોય છે કે જેઓ કોઈ વ્યસન કરતા નથી, દિવસમાં બે વખત, કોઈ કોઈ તો ત્રણ-ત્રણ વખત બ્રશ કરે છે, વ્યવસ્થિત બ્રશ કરે છે (એમના કહેવા પ્રમાણે), એકદમ ભરોસાપાત્ર કંપનીની સડો ના થાય એવી ગેરંટી આપતી ટુથપેસ્ટ વાપરતા હોય, એન્ટી સેપ્ટિક માઉથવોશ પણ વાપરતા હોય, કઈ પણ ખાધા પછી હલાવી હલાવીને કોગળા કરતા હોય,  કેટલાક ફટકડીથી કોગળા કરતા હોય, બ્રશ ઉપરાંત વધારામાં બાવળ, કરંજ કે લીમડાના દાતણ પૂરી શ્રદ્ધા સાથે કરતા હોય, ચોકલેટ ખાતા નથી, ચા પણ પીતા નથી, અને છતાં દાંતમાં સડો થાય છે. તો સ્વાભાવિક રીતે તેમને પ્રશ્ન થાય કે આવું કેમ?  આટલું બધું ધ્યાન રાખવા છતાં મને જ કેમ દાંતમાં સડો થાય છે, મારો શું વાંક છે?
 
તો રીડર મિત્રો અને દર્દીઓ, આ વેબસાઈટના માધ્યમથી પ્રયાસ કર્યો છે કે આ પ્રશ્નનો જવાબ બધા મુદ્દાઓની ચર્ચા કરીને ન્યાયપૂર્ણ રીતે, વૈજ્ઞાનિક તથ્યો સાથે આપી શકાય. 
 
સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે દાંતનો સડો શું છે, એ કેવી રીતે થાય છે અને તેના માટેના જવાબદાર પરિબળો કયા છે.

દાંતનો સડો એ શરદી પછી થતો સૌથી સામાન્ય રોગ છે. દાંતનો સડો એ મોઢામાં થતો મુખ્ય રોગ છે,  જે દાંતના બહારી મજબુત પડ એવા ઈનેમલને ઓગાળીને દાંતને કાયમી નુકશાન પહોચાડે છે. જો તેની યોગ્ય સારવાર સમયસર ન થાય તો બાળ અથવા યુવાન વયે દાંત ગુમાવવાનું સૌથી મોટું કારણ બને છે.


દાંતનો સડો એટલે શું ?

દાંતની કોઈ સપાટીએ દાંતનું ખનિજ બંધારણ ઓગળી જતા પડેલા ખાડાને દાંતનો સડો કહેવાય. સફેદ કલરના દાંતમાં દાંતનો સડો કાળા કે બ્રાઉન કલરના ખાડા રૂપે દેખાય છે. શરૂઆતના તબક્કામાં દાંતનો સડો માત્ર ટપકા કે પાતળી  લાઈન જેટલો  હોય છે. બે દાંતની વચ્ચેની સપાટીએથી જો સડો હોય તો એવું પણ બને કે સડો દેખાય જ નહિ, અને તેવા સડાની તપાસ માત્ર એક્ષ-રે દ્વારા જ કરી શકાય છે.

દાંતનો સડો કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે. નાના બાળકથી વૃદ્ધ, સ્ત્રી, પુરૂષ, ગરીબ કે તવંગર, દાંતનો સડો કોઈ ભેદભાવ રાખતો નથી.

દાંતનો સડો કેમ થાય છે તે જાણવા માટે તેની આંતરીક રચનાની આછેરી ઝલક મેળવીએ.

 

દાંતની રચના : 

દાંતની આંતરીક રચના - ઈનેમલ , ડેન્ટીન , પલ્પ


દાંત એ નક્કર તેમજ શરીરમાં સૌથી વધારે મજબુત અંગ છે, પરંતુ દાંતની બરાબર વચ્ચે પોલાણ હોય છે, જેમાં દાંતની નસ હોય છે. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે દાંતના બંધારણમાં બે પડ હોય છે. ઈનેમલ અને ડેન્ટીન. ઈનેમલ દાંતની બહારની સપાટી તરફ દેખાતો ભાગ છે, જે માનવશરીરમાં સૌથી મજબુત પેશી છે. ઇનેમલની નીચેનું પડ તેમજ  દાંતના મુળીયા ડેન્ટીનના બનેલા હોય છે, જે ઇનેમલ કરતા થોડા પોચા હોય છે. દાંતની બરાબર વચ્ચેના પોલાણમાં દાંતની નસ હોય છે જેને પલ્પ કહેવામાં આવે છે. જેનું કાર્ય દાંતની સંવેદના જાળવવાનું તેમજ તેને પુરવઠો પહોચાડવાનું છે.

 

દાંતનો સડો કેવી રીતે થાય છે?

દાંતની કોઈ સપાટીએ દાંતનું ખનિજ બંધારણ ઓગળી જતા પડેલા ખાડાને દાંતનો સડો કહેવાય, પણ આ થાય છે કેવી રીતે ?

આપણા મોઢામાં કેટલીક જાતના બેક્ટેરિયા એસીડ બનાવે છે, જે દાંતના ખનિજ બંધારણને ઓગાળી નાખે છે. બેક્ટેરિયા આપણી જેમ જ જીવ છે. જેમ આપણે ખોરાક લઈએ છીએ અને નકામાં પદાર્થોનું મળ દ્વારા ઉત્સર્જન કરીએ છીએ તેવી જ રીતે દાંતના સડા માટે જવાબદાર બેક્ટેરિયા (સ્ટ્રેપ્ટોકોક્સ મ્યુટન્સ અને એસીડોફીલસ લેક્ટોબેસીલાઈ) ખોરાક તરીકે શર્કરાનો ઉપયોગ કરે છે અને નકામા પદાર્થ તરીકે એસીડનું ઉત્પાદન કરે છે, જે દાંતના ખનિજ બંધારણને ઓગાળી નાખે છે અને દાંતમાં સડો કરે છે.

દરેકના મોઢામાં સામાન્ય રીતે અસંખ્ય બેક્ટેરિયાઓ હોય છે. જો તમારા મોઢાની કોઈ કારણોસર વ્યવસ્થિત સફાઈ ન થાય તો દાંતની ઉપર પીળાશ પડતું, ચીકણું, દુર્ગંધ મારતું છારીનુંમાં પડ જામે છે જેને ડેન્ટલ પ્લાક કહેવાય, જેનો બેક્ટેરિયાના સમુહો ઘર તરીકે ઉપયોગ કરે છે અને વંશવૃદ્ધિ કરી પોતાની સંખ્યામાં અનેકગણો વધારો કરે છે. આ ડેન્ટલ પ્લાક માત્ર બેક્ટેરીયાને ઘર પૂરું પાડતા નથી પણ તેમણે ઉત્પન્ન કરેલ એસીડને દાંતની સપાટી સાથે સતત સંપર્કમાં રાખે છે. આ એસીડ ધીમે ધીમે દાંતના ખનીજ બંધારણને ઓગાળી નાખે છે અને દાંતમાં સડો શરૂ  કરે છે. દાંતના પેઢાને નબળો કરી નાખતો રોગ પાયોરિયા માટે પણ મુખ્ય જવાબદાર પરિબળ આ પ્લાક જ છે.

દાંતનો સડો એક જ વખતમાં નથી થતો, તેનો ક્રમિક વિકાસ થતા કેટલાક મહિના કે વર્ષ લાગે છે, તેનો આધાર ડેન્ટલ પ્લાકની ઉંમર, તેમાં રહેલા બેક્ટેરિયાઓનો પ્રકાર, ખોરાકનો પ્રકાર અને ખાનપાનની ટેવ પર રહેલો છે. મીઠી તેમજ ચીકણી વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ દાંતના સડાના વિકાસને ઝડપી બનાવે છે.

અહી સુધીની ચર્ચામાં આપણે એ જાણ્યું કે દાંતનો સડો કેવી રીતે થાય છે. હવે એ જાણીએ કે દાંતના સડા માટે કયા કયા પરિબળો જવાબદાર છે.
 

દાંતનું ખનિજ બંધારણ

દાંતનું ખનિજ બંધારણ મજબુત ના હોય, એટલે દાંતના બંધારણમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ફ્લોરાઈડ ના હોય તો એવા દાંતમાં સડો સહેલાઈથી શરૂ થાય છે. બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલો એસીડ નબળા બંધારણવાળા દાંતને સહેલાઈથી ઓગાળી નાખે છે. દાંતનું જયારે નિર્માણકાર્ય ચાલતું હોય ત્યારે એટલે કે ગર્ભાવસ્થાથી શરૂ કરીને આશરે ૧૩ વર્ષની ઉપર સુધી જો બાળકના શરીરને ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં જો કેલ્શિયમ જેવા પોષક તત્વો ના મળે તો દાંત અને હાડકાનું બંધારણ નબળું રહી જાય છે. એક સમય પછી જયારે દાંતનું નિર્માણકાર્ય પૂરું થઇ જાય પછી દાંતના બંધારણમાં રહી ગયેલી ખામીને, ઉણપને સુધારી શકાતી નથી. દાંતના સડા સામે રક્ષણ આપતું બીજું મહત્વનું ખનિજ ફ્લોરાઈડ છે, જે દાંતના નિર્માણકાર્ય વખતે દાંતના ખનિજ બંધારણમાં ફ્લોરએપેટાઇટ બનાવીને દાંતની અંદર તેમજ બહારની તરફ દાંતના સડા સામે મજબુત રક્ષણાત્મક ઢાલ બનાવે છે.

ટૂંકમાં દાંતનું જયારે નિર્માણકાર્ય ચાલતું હોય ત્યારે પૂરતા જરૂરી ખનિજ તત્વો ધરાવતો ખોરાક પૂરતા પ્રમાણમાં લેવામાં ન આવે તો,  ખનિજ તત્વની રીતે નબળા રહી ગયેલા દાંતમાં સડો થવાની શક્યતા વધારે રહે છે.

દૂધ, દુધની બનાવટો, કેળા વગેરેમાંથી પૂરતા પ્રમાણમાં કેલ્સિયમ મળી રહે છે, જયારે ફ્લોરાઈડ પીવાના પાણી અને ચા માંથી મળે છે. દાંતની સપાટી પર ફ્લોરાઈડ વારનીશ લગાવીને દાંતને સડાથી રક્ષણ આપી શકાય છે.

 

ઓરલ માઈક્રોફ્લોરા (સુક્ષ્મ જીવાણુઓ)

મોઢું એ શરીરનું પ્રવેશદ્વાર છે. આપણા મોઢું એ અસંખ્ય સુક્ષ્મ જીવાણુઓનું પણ રહેવાસ છે,  જેમાં મુખ્યત્વે બેક્ટેરિયા, ફૂગ અને વાઇરસ હોય છે. સંશોધન મુજબ આપણા મોઢામાં ૭૦૦ કરતા પણ વધારે પ્રજાતિના બેક્ટેરિયા અબજોની સંખ્યામાં રહેવાસ કરે છે. કેટલાક બેક્ટેરિયા આપણા શરીર માટે ઉપયોગી હોય છે, જે ખોરાકના પાચનમાં મદદ કરે છે, કેટલાક વિટામીનનું સર્જન કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, તો કેટલાક બેક્ટેરિયા આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. આપણા મોઢામાં મદદ કરતા સારા અને નુકશાન કરતા ખરાબ બેક્ટેરિયાનું હમેશા એક સંતુલન જળવાયેલું રહે છે. જયારે આ સંતુલન ખોરવાય અને શરીરને નુકશાન કરતા બેક્ટેરિયાનું પ્રમાણ સારા બેક્ટેરિયાના પ્રમાણ કરતા વધી જાય ત્યારે આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. આપણે આગળ જોયું કે દાંતના સડા માટે જવાબદાર મુખ્ય બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોક્સ મ્યુટન્સ અને એસીડોફીલસ લેક્ટોબેસીલાઈની સંખ્યા તેમજ તેમની શક્તિનું પ્રમાણ ખુબ જ વધી જાય ત્યારે દાંતમાં સડો થવાનું જોખમ વધી જાય છે. મીઠાવાળા પાણીના કોગળા, એન્ટીસેપ્ટિક માઉથવોશ અને દાંત તેમજ મોઢાની વ્યવસ્થિત સફાઈ નુકશાન કરતા બેક્ટેરિયાની સંખ્યાને નિયંત્રણમાં રાખે છે.

કોઈ પણ પ્રકારની ટૂથપેસ્ટ કે માઉથવોશ મોઢાની અંદર બે કલાકથી વધારે અસરકારક હોતા નથી. જલદ માઉથવોશનો ઉપયોગ લાંબા સમય માટે કરવો હિતાવહ નથી, તેનાથી નુકશાન કરતા બેક્ટેરિયાની સાથે સાથે ઉપયોગી બેક્ટેરિયાનો પણ સફાયો થાય છે અને આપણા મોઢાની અંદર સુક્ષ્મ જીવાણુઓનું સંતુલન ખોરવાય છે.

વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ, ખાનપાનની આદતો, સંપૂર્ણ શરીરની તંદુરસ્તી, મોઢાની સ્વચ્છતાની ટેવ અને વારસાગત (અનુવાંશિક) પરિબળો સુક્ષ્મ જીવાણુઓનું સંતુલન જાળવી રાખે છે.

 
 

સાંકડા ખાડા અને તિરાડો (પીટ એન્ડ ફિશર)

દાંતની ચાવવાની સપાટી ખાસ કરીને પાછળની દાઢોમાં એકદમ એકદમ સાંકડા ખાડા અને તિરાડો હોય છે. આ સાંકડા ખાડા અને તિરાડો દાંતના નિર્માણકાર્ય દરમિયાન રહી ગયેલી ખામીને કારણે હોય છે. સપાટ સપાટી કરતા આવી ખરબચડી સપાટી સાફ કરવી સહેલી હોતી નથી. આવા એકદમ સાંકડા ખાડા અને તિરાડોમાં બેક્ટેરિયા અને ખોરાકનો કણો સરળતાથી ઘુસી જતા હોય અને ત્યાં ચોટી જાય છે અને પ્લાક બનાવે છે, પરંતુ દાંત સાફ કરવાનું બ્રશ તેમાં જઈને તેની સફાઈ કરી શકતું નથી. આથી આવા સાંકડા ખાડા અને તિરાડો, બેક્ટેરિયા માટે દાંતમાં સડો થવાનું એકદમ આદર્શ વાતાવરણ અને જગ્યા પૂરી પડે છે.

દાંતમાં સાંકડા ખાડા અને તિરાડો

દાંતમાં સાંકડા ખાડા અને તિરાડોએકવખત આવા સાંકડા ખાડા અને તિરાડોમાંથી સડાની શરૂઆત થઇ જાય પછી, તે હમેશા આગળ જ વધે છે. દાંતની કેવીટી જેમ મોટી થતી જાય, તેમ, વધારે સંખ્યામાં બેક્ટેરિયા માટે રહેઠાણ પૂરું પડે છે અને દાંતમાં સડો થવાની ગતિને વેગ આપે છે. દાંતમાં સડો બેસી ગયા પછી દાંતને વધુ સડતો અટકાવવા અને દાંતને બચાવવા તેમાંથી સડો દુર કરીને તેમાં ફીલીંગ (પુરણ) કરવું પડે.

દાંતમાં આવા સાંકડા ખાડા અને તિરાડો હોય અને જો તેમાં સડો થતા પહેલા જ તેને સીલ કરી દેવામાં આવે તો દાંતમાં સડો શરૂ થતો જ અટકાવી શકાય છે. આવા સાંકડા ખાડા અને તિરાડોને સીલ કરવા માટેના ખાસ મટીરિયલને પીટ એન્ડ ફિશર સીલન્ટ કહેવામાં આવે છે. આ મટીરીયલ ભર્યા પછી સીલ થયેલા સાંકડા ખાડા અને તિરાડોમાં બેક્ટેરિયા માટે તેનું પાલન પોષણ અને વસ્તીવધારો કરવાની જગ્યા મળતી નથી.
 

બે દાંત વચ્ચેની જગ્યા.

બે દાંત વચ્ચે જયારે પાતળી જગ્યા રહેતી હોય અને તેમાં ખોરાક ફસાતો હોય અથવા પ્લાક એકઠો થતો હોય અને તે જો સમયસર બ્રશ તેમજ ફ્લોસ કરવાથી દુર ન કરવામાં આવે, તો આવી બે દાંત વચ્ચેની જગ્યાએથી દાંતમાં સડો થવાની શક્યતા વધી જાય છે. બે દાંત વચ્ચેની છુપી જગ્યાએથી શરૂ થયેલો સડો સહેલાઈથી જોઈ પણ શકાતો નથી. કયારેક આવો સડો જોવા માટે એક્સ-રેની મદદ લેવી પડે છે. બે દાંત વચ્ચેની જગ્યા સાફ કરવા માટે વિશેષ કાળજી લેવી પડે છે. આવી જગ્યાઓ સહેલાઈથી સાફ થતી નથી. બે દાંત વચ્ચેની જગ્યામાં જો ખાવાનું ફસાતું હોય તો તેના પ્રત્યે બેદરકારી રાખવી જોઈએ નહિ, સમયસર નિદાન કરાવીને ખાતરી કરી લેવી જોઈએ કે ત્યાં સડો છે કે નહિ.


લાળ અને લાળગ્રંથી

આપણા મોઢાની આસપાસ ૩ જોડી લાળગ્રંથી આવેલી હોય છે. આ લાળગ્રંથીમાંથી સતત ઓછો વત્તો લાળરસ ઝરતો હોય છે. ઊંઘ દરમિયાન લાળરસ વહેતો નથી, એટલે કે ઊંઘ દરમિયાન લાળગ્રંથી કામ કરવાનું બંધ કરી દે છે. જમતા હોઈએ તે દરમિયાન અથવા આપણું ગમતું જમવાનું સામે જ હોય તે દરમિયાન લાળરસ વધારે આવે છે. લાળરસથી ખોરાક સારી રીતે ચવાય છે અને ખોરાક ચવાઈ ગયા પછી તેને ગળવામાં મદદરૂપ થાય છે, લાળરસમાં રહેલા પાચકરસોને કારણે ખોરાકનું પાચન મોમાંથી જ શરૂ થઇ જાય છે. જમ્યા પછી પણ મોઢામાં લાળરસ થોડો થોડો સતત વહેતો જ હોય છે અને તેને આપણે અભાનપણે ગળી જતા હોઈએ છીએ. સતત વહેતો લાળરસ મોઢાને અને દાંતને સાફ કરવાનું કામ કરે છે. દાંત સાથે ચોટેલા ખોરાકના કણોને સાફ કરતુ રહે છે. આ લાળરસમાં સુક્ષ્મ જીવાણુઓ સામે લડવામાં ઉપયોગી એવા એન્ટીબોડી પણ હોય છે, જે આપણને નુકશાન કરતા બેક્ટેરિયાની સંખ્યાને કાબુમાં રાખે છે.

કોઈ કારણોસર કોઈ વ્યક્તિમાં જો આ લાળરસ ન વહેલો હોય, કે ઓછો વહેતો હોય, કે તેમાં એન્ટીબોડી તત્વોની ઉણપ હોય તો તેવા વ્યક્તિમાં દાંતનો સડો થવાની શકયતા વધારે રહેલી હોય છે.

જોગ્રીન સિન્ડ્રોમ, લાળગ્રંથીમાં ગાંઠ, લાળગ્રંથીનું કેન્સર, મોઢાની આસપાસ કેન્સરની સારવાર દરમિયાન આપવામાં આવતી રેડીઓથેરાપી (શેક) જેવા કેસમાં લાળગ્રંથી નિષ્ક્રિય બની જાય છે, આવા લોકોમાં દાંતનો સડો થવાનું જોખમ ખુબ જ વધારે હોય છે. આવા લોકોમાં દાંતના સડાનો રોગ ખુબ જ ઝડપી હોય છે.

કેટલીક દવાઓની આડઅસરથી પણ લાળગ્રંથીમાંથી લાળરસનો સ્ત્રાવ ઓછો થાય છે જેમ કે એન્ટીહિસ્ટેમિનિક, ડીકન્ઝેશટન્ટ, મશલ રિલેક્ષટન્ટ, એન્ટી એન્ગ્ઝાયટી, એન્ટી ડીપ્રેશન્ટ દવાઓ વગેરે.

ઉપવાસ, તાવ અને ડીહાઈડ્રેશનમાં પણ લાળરસ ઓછો આવે છે.

તંબાકુ, આલ્કોહોલ કે ગાંજાના સેવનથી પણ લાળરસ ઓછો આવે છે.


ખોરાક સંબંધિત આદતો

આપણે આગળ જોયું કે મીઠો અને ચીકણો ખોરાક બેક્ટેરિયાને પ્રિય છે અને ચીકણો હોવાથી બેક્ટેરિયાને ખોરાકની સપ્લાય લાંબો સમય સુધી મળતી રહે છે, આવા ખોરાકથી બેક્ટેરિયા નિરાંતે ફૂલેફાલે છે અને એસીડનું ઉત્પાદન કરીને દાંતમાં સડો ફેલાવે છે.

ખોરાક જેટલો વધારે ચીકણો એટલુ નુકશાન વધારે જેમ કે જેમ કે ગોળ, ચોકલેટ. કેટલીક ચોકલેટ( ફાઈવ સ્ટાર, ઈકલેર).

દાંતમાં સડો થવા માટે સમય પણ ખુબ જ મહત્વનું પરિબળ છે. જો આવો મીઠો તેમજ ચીકણો ખોરાક બપોરે જમ્યા પહેલા લેવામાં આવે તો નુકશાન થવાનું જોખમ ઓછું હોય છે. રાત્રે સુતા પહેલા લેવામાં આવે અને જો તરત બ્રશ કરવામાં ન આવે તો આવો ખોરાક આખી રાત દાંત સાથે ચોટેલો રહે છે અને બેક્ટેરિયા માટે દાંતમાં સડો કરવા માટે ખુબ જ અનુકુળ વાતાવરણ અને સમય પૂરું પાડે છે. દિવસ દરમિયાન મીઠો તેમજ ચીકણો ખોરાક વારંવાર ખાવા કરતા એકસાથે ખાવું ઓછું નુકશાન કરે છે. 

દાંતમાં સડો થવાની શકયતા ઘટાડવા માટે મીઠો તેમજ ચીકણા ખોરાકને નિયંત્રિત કરવો જોઈએ. શક્ય એટલો વધારે રેસાવાળો, કાચો, વિટામીન અને મિનરલથી ભરપુર ખોરાક લેવો જોઈએ. આવો ખોરાક જમ્યા પછી દાંત સાથે ચોટતો નથી, ઉલટાનો આવો ખોરાક દાંતને કુદરતી રીતે જ સાફ રાખે છે. એટલે જ પ્રાણીઓને બ્રશ કરવાની જરૂર પડતી નથી, કેમ કે તેઓ ખોરાકને રાંધીને ખાતા નથી. જમ્યા પછી એટલે જ મુખવાસ ખાવાનું મહત્વ છે.

બે ભોજન વચ્ચે વારંવાર નાસ્તાની ટેવ પાડવી જોઈએ નહિ. જો આવી ટેવ છોડવી શકય ન હોય તો નાસ્તો કર્યા પછી બ્રશ કરવું જોઈએ.
 

બાળકો માટે દુધિયા દાંતની સંભાળ

નાના બાળકને ઊંધમાં પાણી સિવાય કઈ પણ ખાવા કે પીવાની ટેવ ના પાડો, દૂધ પણ નહિ. ઊંઘ દરમિયાન લાળગ્રંથી મોઢાને વિછરવાનું કામ બંધ કરી દે છે. તેથી ઊંઘ દરમિયાન આપવામાં આવેલું દૂધ આખી રાત દાંત સાથે ચોટેલું રહે છે. દૂધમાં રહેલી કુદરતી શર્કરા બેક્ટેરિયા માટે અનુકુળ વાતાવરણ પૂરું પાડે છે.

યાદ રાખો.
બાળકને  દિવસ દરમિયાન આપેલી ચોકલેટ કરતા અડધી રાત્રે આપેલું દૂધ (ભલે ખાંડ વગરનું હોય) ક્યાય વઘારે નુકશાનકારક હોય છે. બાળકની અને માં-બાપની આવી ટેવથી ઘણા બાળદર્દીઓના દાંત ખુબ જ ટૂંકા સમયમાં, કયારેક તો બે-ત્રણ મહિનામાં જ મોટા ભાગના દાંત ખરાબ રીતે સડી જાય છે. (જેને બેબી બોટલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.). ઘણા બાળ દર્દીઓના માં-બાપનો વારંવાર પ્રશ્ન હોય છે કે અમે અમારા બાળકને કયારેય ચોકલેટ આપતા નથી, છતાં તેના દાંત સડી જવાનું કારણ શું ?. પછી પરામર્શ દરમિયાન જાણવા મળે કે માં બાંપ, બાળકને ઊંઘ દરમિયાન અજ્ઞાનતાવશ દૂધ પીવડાવતા હોય છે.
 

દાંતની અયોગ્ય સંભાળ.

આપને આગળ જાણ્યું કે મોઢાની વ્યવસ્થિત સફાઈ ન થાય તો દાંતની ઉપર પીળાશ પડતું છારીનુંમાં પડ જામે છે જેને ડેન્ટલ પ્લાક કહેવાય, જેનો બેક્ટેરિયાના સમુહો કોલોની તરીકે ઉપયોગ કરે છે અને વંશવૃદ્ધિ કરી પોતાની સંખ્યામાં અનેકગણો વધારો કરે છે. આ ડેન્ટલ પ્લાક માત્ર બેક્ટેરીયાને ઘર પૂરું પાડતા નથી પણ તેમણે ઉત્પન્ન કરેલ એસિડને દાંતની સપાટી સાથે લાંબો સમય સંપર્કમાં રાખે છે. આ એસીડ દાંતના ખનિજ બંધારણને ઓગાળી નાખે છે અને દાંતમાં સડો શરૂ  કરે છે.

આ ડેન્ટલ પ્લાક જમ્યા પછી લગભગ બે કલાક બાદ બનવાનું શરૂ થાય છે. આ ડેન્ટલ પ્લાક શરૂઆતમાં એકદમ નરમ હોય છે, જેને બ્રશ વડે સહેલાઈથી દુર કરી શકાય છે. જો આ ડેન્ટલ પ્લાકને વ્યવસ્થિત રીતે સમયસર બ્રશ કરીને દુર કરવામાં ન આવે તો દાંત સડવાની શક્યતા વધી જાય છે.

આપણા દાંતની કેટલીક સપાટી ખાસ કરીને બે દાંત વચ્ચેની જગ્યા, દાંતની ઉપરની ચાવવાની ખરબચડી સપાટી, આ બધી એવી જગ્યાઓ છે કે જ્યાં રહેલા પ્લાકને સહેલાઈથી દુર કરી શકાતું નથી. 

દાંતની ગોઠવણી જ જો આડી અવળી હોય તો પ્લાકને દુર ક્રરવા વ્યવસ્થિત બ્રશ કરવું મુશ્કેલ બની જાય છે. એટલે જ આડાઅવળા, વાંકાચુકા દાંતમાં સડો થવાનું જોખમ વધારે હોય છે. જો દાંત આડાઅવળા વાંકાચુકા હોય તો તેને ઓર્થોડોન્શીયા (બ્રેસીસ) ટ્રીટમેન્ટથી સીધા કરાવી શકાય.

આટલી ચર્ચાને અંતે એટલું તો સમજી જ શક્યા હશો કે દાંતના સડા માટે મૂળ જવાબદાર પરિબળ પ્લાક છે. જો દાંતના સડાથી બચવું હોય તો આ પ્લાકને દાંત પર એકઠો થવા દેવો જોઈએ નહિ, એના  માટે સૌથી કારગર ઉપાય હોય તો તે છે, દાંતની યોગ્ય પદ્ધતિથી બ્રશ વડે સફાઈ. અમારી પ્રેક્ટીસમાં ૮૦ ટકા કરતા પણ વધારે લોકોમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે બ્રશ કરવાની પધ્ધતિ જ ખામીયુક્ત હોય છે. જેને કારણે પ્લાકને સંપૂર્ણ રીતે દુર કરી શકતો નથી.

વૈજ્ઞાનિક પધ્ધતિથી બ્રશ કેમ કરવું તે જાણવા માટે જુઓ નીચેનો વિડીઓ .
દાંતની નિયમિત તબીબી તપાસ

આપણે આપણા વાહનની નિયમિત સર્વિસ કરાવીએ છીએ પણ બહુ ઓછા પ્રમાણમાં લોકો દાંતની નિયમિત તપાસ કરાવતા હોય છે. દાંતની નિયમિત તપાસ કરાવવાના ઘણા ફાયદાઓ થતા હોય છે. દાંતનો કોઈ પણ રોગ ખાસ કરીને સડો જો શરૂઆતના તબક્કામાં જ હોય તો તેને નાનું ફીલીંગ કરીને ત્યા જ અટકાવી શકાય છે, દાંતમાં જો સાંકડા ખાડા તિરાડો હોય તો તેવા દાંતને  સડવાના શરૂ થતા પહેલા જ પીટ એન્ડ ફિશર સીલન્ટથી સીલ કરી શકાય છે.

આપણે આગળ જાણ્યું કે દાંતના સડાના શરૂઆતના તબક્કામાં કોઈ પણ પ્રકારનો દુઃખાવો થતો નથી, જયારે સડો દાંતની નસ(પલ્પ) સુધી પહોચી જાય પછી જ દુઃખાવો થાય છે. એક વાર દાંતમાં દુઃખાવો શરૂ થઇ જાય પછી તેને બચાવવા માટે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જેવી ખર્ચાળ સારવાર કરાવવી પડે, અન્યથા આગળ જતા દાંત કઢાવવો પણ પડે, તેવી નોબત પણ આવે. ગુમાવેલા દાંત ઈમ્પ્લાન્ટ અથવા બ્રિઝની મદદથી ફરીથી બેસાડી શકાય છે, જે વધુ ખર્ચાળ સારવાર છે.

સ્વાભાવિક છે કે દર્દીને દાંતમાં કોઈ તકલીફ ના થતી હોય તો તે ડેન્ટલ કલીનીકની મુલાકાત લેવાનું વિચારવાના પણ નથી. અને જયારે તકલીફ થાય ત્યારે લગભગ મોડું થઇ ગયું હોય છે. જો દાંતની નિયમિત તબીબી તપાસ કરવવામાં આવે તો ભવિષ્યમાં આવનારી મોટી સારવારથી બચી શકાય છે. રોગને કારણે થતી તકલીફોથી છુટકારો મળે છે. સારવારમાં સમય ઓછો લાગે છે, વધુ સારું પરિણામ મળે, અને હા, સારવાર પાછળ થતા ખર્ચમાં પણ મોટી બચત થાય છે. અંગ્રેજીમાં કહેવત છે ને કે “ પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર” એટલે કે “સારવાર કરતા સંભાળ ભલી”. ચાણકય પણ કહી ગયા છે કે “ રોગ અને દુશ્મનને  ઉગતો ડામવો સારો”.

આદર્શ રીતે દર છ મહીને દાંતની નિયમિત તબીબી તપાસ કરાવવી જોઈએ. જેથી દાંતમાં શરૂ થતા નાના નાના સડાને ત્યાં જ અટકાવી શકાય.

ટૂંકમાં,

આટલી લાંબી ચર્ચાને અંતે ટૂંકમાં એટલું જાણી શક્યા કે દાંત સડવા માટે માત્ર કોઈ એક-બે કારણ, જેમ કે કોઈ વ્યસન કે ચોકલેટને જવાબદાર ગણી શકાય નહિ. અન્ય પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે...
  • સતત મીઠો અને ચીકણો ખોરાક
  • રેસાવાળો, કાચો અને ખનીજ તત્વોથી ભરપુર ખોરાકનો અભાવ
  • વારંવાર નાસ્તો કરવાની ટેવ
  • અપૂરતી અથવા ખામીયુક્ત લાળ
  • આડાઅવળા, વાંકાચૂકા દાંત
  • દાંતનું ખામીયુક્ત ખનિજ બંધારણ
  • અસંતુલિત ઓરલ ફ્લોરા 
  • સાંકડા ખાડા અને તિરાડો
  • ખોટી બ્રસિંગ ટેકનીક
  • નિયમિત દાંતની તબીબી તપાસ ટાળવી


જો આ માહિતી આપને મહત્વની લાગતી હોય તો તમારા પ્રિય લોકો સાથે જરૂરથી શેર કરશો.

You may like these posts: