સંવેદનશીલ દાંતથી પરેશાન છો


દાંતના રોગનો એક વિચિત્ર લક્ષણ દાંતની અતિ સંવેદનશીલતા શું છે? કેમ થાય છે? અને તેની સારવાર વિષે જાણીએ.
ઘણા બધા લોકોને એવો અનુભવ થતો હોય છે કે, મોઢામાં એકદમ કોઈ ઠંડી વસ્તુ જેમ કે આઈસ્ક્રીમ મુક્તા જ દાંતમાં ઝણઝણાટી થવા લાગે અથવા તો અંબાઈ જાય છે. અમુક હદ સુધી આ સામાન્ય ગણાય, પરંતુ જયારે સાદું પાણી કે કોઈ પણ પ્રવાહી કે ચા પીવાથી દર વખતે દાંતમાં એકદમ વધારે કરંટ લાગતો હોય તેવો દુખાવો થાય તો તે રોગનું લક્ષણ છે.
આપણા દાંતની રચનામાં સૌથી ઉપર ઇનેમલનું એક મજબુત પડ હોય છે, જે ઉષ્મા અવરોધક તરીકે પણ કામ આપે છે. તેની નીચેનું તેમજ મુળીયામાં ડેન્ટીનનું પડ હોય છે અને સૌથી વચ્ચે દાંતનું સૌથી સંવેદનશીલ ભાગ પલ્પ (દાંતની નસ) હોય છે. હવે કોઈ કારણોસર ઈનેમલના પડને નુકશાન થયું હોય અને અંદરનું ડેન્ટીનનું પડ ખુલ્લું થઇ જાય તો દાંતની ઉષ્મા અવરોધાકતા ઓછી થઇ જાય છે, જેને કારણે ઠંડી કે કયારેક ગરમ વસ્તુના તાપમાનનો ફેરફાર દાંતની નસ સુધી પહોચી જાય છે અને દાંત એકદમ અંબાઈ જાય છે. ટૂંકમાં, ડેન્ટીન ખુલ્લું થવાથી દાંત સેન્સીટીવ થાય છે. હવે, આપણે એ જાણશું કે ક્યાં કારણોસર ડેન્ટીન ખુલ્લું થાય છે.
(૧) દાંતનો સડો : દાંતમાં સડો થવાથી સૌથી ઉપરના ઈનેમલ પડનો ક્રમશ: નાશ થવાથી ડેન્ટીન ખુલ્લું થાય છે, પરિણામે દાંત સેન્સીટીવ બને છે.
(૨) એટ્રીઝન: એટલે કે દાંત ઘસાઈ જવા, જેમ દરેક વપરાતી વસ્તુને ઘસારો લાગે છે તે રીતે દાંતને પણ ઘસારો લાગે છે. સામાન્ય રીતે આ તકલીફ બહુ મોટી ઉમરે જોવા મળે છે, તેમ છતાં પાનમસાલા, સોપારી ખાનારોઓમાં આ તકલીફ નાની ઉંમરે થાય છે. દાંત ઘસાઈ જવાથી ઇનેમલનું પડ પાતળું બને છે અને કોઈ જગ્યાએ રહેતું જ નથી, તેથી દાંત સંવેદનશીલ બને છે.
(૩) ગમ રીસેશન: એટલે કે દાંતના મુળિયા પરથી પેઢા નીચે ઉતરી ગયા હોય અને મુળિયા ખુલ્લા થયા હોય. આ તકલીફ બહુ મોટી ઉમરે સામાન્ય ગણાય, પરંતુ જો પાયોરીયા જેવો પેઢાનો રોગ થયો હોય તો નાની ઉમરના દર્દીના દાંતના મુળિયા ખુલ્લા થવાને કારણે દાંત સંવેદનશીલ બને છે.
(૪) એબ્રેશન: એટલે દાંતની ગરદન પર એકદમ પેઢા પાસે દાંતમાં ખાંચા થઇ ગયા હોય. આ ખાંચા ખોટી રીતે દાંતને બ્રશિંગ કરવાને કારણે પડે છે. કડક બ્રશ વાપરવાની ટેવ, ઉપર-નીચે બ્રશ કરવાને બદલે બ્રશ આડું ઘસવાની ટેવ, અતિ દબાણ આપીને બ્રશ કરવાની ટેવ, જુનું ખરાબ બ્રશ વાપરવાની ટેવ, જરૂર કરતા વધારે સમય બ્રશ કરવાથી દાંતમાં પેઢા પાસેનું ઈનેમલ ઘસાઈ જવાને કારણે દાંતમાં ખાંચા થાય છે અને ડેન્ટીન ખુલ્લું થાય છે. આવા દાંત તાપમાનના ફરફરથી એકદમ સંવેદનશીલ બને છે.
(૫) ઈરોઝન: એટલે દાંતના ઈનેમલનું પડ કેમીકલથી ઓગળી જવું, સોફ્ટ ડ્રીન્કસ (બધી કોલાઓ)માં મોઢામાં તેમજ હોઝરીમાં ઝણઝણાટી (હળવી બળતરા) ઉત્પન્ન થાય તે માટે વપરાતા મંદ ફોસ્ફોરિક એસિડથી લાંબા સમયે દાંતના ઈનેમલને નુકશાન પહોચે છે.
(૬) ટૂથ ફ્રેકચર: દાંત પર ઈજા થવાથી કે કડક વસ્તુ ચાવવાથી ઘણીવાર દાંત તૂટી જાય છે અને દાંતનું ડેન્ટીન કે પલ્પ ખુલ્લું થાય છે અને પરિણામે દાંત સેન્સીતીવ થાય છે.

સારવાર: સંવેદનશીન દાંતની સારવારનો આધાર તે કયા કારણોસર સંવેદનશીન બન્યા છે તેના પર છે. જેમ કે દાંતના સડાને કારણે દાંત સંવેદનશીન હોય તો દાંતનો સડો દુર કરાવી ફીલિંગ કરાવવું જોઈએ. પાયોરીયાને કારણે હોય તો પેઢાની સારવાર જરૂરી છે. ખોટી રીતે બ્રશ કરવાથી પેઢા પાસે દાંતમાં ખાંચા થઇ ગયા  હોય તો તેમાં સિમેન્ટ કે કોમ્પોઝીટ ફીલિંગથી ખુલી ગયેલા ડેન્ટીનને કવર કરવું જોઈએ. દાંતનું ઈનેમલ ઘસાઈ ગયું હોય તો તેના માટે પોટેશિયમ નાઈટ્રેટ અથવા સ્ટ્રોંશિયમ કલોરાઈડ યુક્ત ટુથપેસ્ટનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ કરવો જોઈએ.




આ પણ વાંચો, તમને જરૂર ગમશે.


http://www.drkatarmal.com/2014/11/dental-caries-in-gujarati-language-oral.htmlhttp://www.drkatarmal.com/2015/01/wisdom-tooth.htmlhttp://www.drkatarmal.com/2012/10/blog-post.htmlhttp://www.drkatarmal.com/2014/11/bleeding-gums-care-gujarati-article.htmlhttp://www.drkatarmal.com/2014/11/importance-care-denture-false-teeth-gujarati-article-jamnagar-dentist.html

જો આ માહિતી આપને મહત્વની લાગતી હોય તો તમારા પ્રિય લોકો સાથે જરૂરથી શેર કરશો.

You may like these posts: