પીળા દાંત ને સફેદ કરવાની સારવાર વિષે


 

દાંત ક્યાં કારણોસર પીળા હોય છે?

પીળા દાંતને સફેદ કરવાની સારવાર

દાંત પર પાનમસાલા, તમાકુના ડાઘા કેવી રીતે દૂર કરી શકાય?

ડેન્ટલ ફ્લોરોસીસ શું છે?

ટ્રેટાસાયક્લીનના દાંત પર ડાઘા

દાંત કાળો પડી હોય તો શું કરવું પડે?


પીળા દાંત ને સફેદ કરવાની સારવાર


જેમ ચામડી તેમજ વાળનો રંગ દરેકનો અલગ હોય છે તેવી જ રીતે દાંતનો રંગ પણ અલગ અલગ હોય છે. કોઈના દાંત થોડાક પીળાશ પડતા હોય છે, તો કોઈના વધારે પીળા હોય છે. માત્ર થોડાક માણસોના દાંત જ એકદમ સફેદ, આકર્ષક હોય છે. ચામડી ગોરી હોય કે કાળી પણ દાંત તો સફેદ જ હોવા જોઈએ એવા આગ્રહ દુનિયાભરમાં રખાય છે. પીળા દાંતને અસ્વચ્છતાની નિશાની માનવામાં આવે છે અને ગંદા, પીળા દાંતને કારણે વ્યક્તિત્વના નિખારમાં ઉણપ રહી જાય છે.

 

દાંત ક્યાં કારણોસર પીળા હોય છે?

દાંતની પીળાશ ત્રણ પ્રકારની હોય છે.

પહેલો પ્રકાર

દાંતની ઉપરી સપાટી પર જામી ગયેલ ડાઘા, છારી કે પ્લાકને કારણે આવેલી પીળાશ. આ પ્રકારની પીળાશ કોઈ કારણોસર દાંતની સફાઈ વ્યવસ્થિત રીતે ન કરવાથી, તમાકુ કે ધુમ્રપાનથી કે ચા –કોફી જેવા પીણાના સતત અને લાંબા સમયના સેવનથી થાય છે. ખોરાકમાં રહેલા રંગદ્રવ્યો દાંતની સપાટી પર પ્રોટીનયુક્ત પાતળું આવરણ બનાવે છે, જે દાંત પર જામતી પીળાશનું કારણ બને છે. આ પ્રકારની પીળાશ ખાસ કરીને બે દાંતની વચ્ચે, પેઢા પાસે તેમજ નીચેના આગળના દાંતની પાછળની સપાટીએ વધારે થાય છે. આ પ્રકારની પીળાશમાં દાંતની સપાટી એકદમ તંદુરસ્ત હોય છે.

કયારેક નાના બાળકોમાં કેટલાક ક્રોમેટોજેનિક બેક્ટેરિયાને કારણે દાંત પર કાળા ડાઘ રહે છે. આ ડાઘા દેખાવમાં બહુ ખરાબ લાગે છે, પણ દાંતની તંદુરસ્તી માટે અન્ય કોઈ નુકશાનકર્તા નથી.

 

બીજો પ્રકાર

આમાં દાંતનું બંધારણ જ પીળાશ પડતું હોય છે. આ પીળાશ પડતું બંધારણ કુદરતી રીતે હોય શકે છે અથવા તો કોઈ ખામી કે રોગને કારણે પણ હોય શકે છે. દાંતના બંધારણમાં અર્ધપારદર્શક એનેમલ, અપારદર્શક ડેન્ટિન અને પલ્પનો સમાવેશ થાય છે. આપણી આંખ દાંતનો જે કલર જોવે છે, તે મુખ્યત્વે અર્ધપારદર્શક એનેમલની નીચેના અપારદર્શક પડ ડેન્ટિનના કલરને આધારે છે.  

જેમ ચામડી તેમજ વાળનો કલર દરેકનો અલગ હોય છે તેવી જ રીતે દાંતના બંધારણમાં આવેલા એનેમલ અને મુખ્યત્વે દાંતના મૂળ કલર માટે જવાબદાર ડેન્ટિનનો કલર પણ અલગ અલગ હોય છે. એનેમલ અને ડેન્ટિનનો કલર વારસાગત, વાતાવરણ અને ખોરાક પર આધાર રાખે છે. આ પ્રકારની પીળાશ કુદરતી અને કાયમી હોય છે. 

ડેન્ટિન અને/અથવા એનેમલના ખામીયુક્ત બંધારણને કારણે દાંતની સપાટી અસામાન્ય રીતે પીળી અને ખોડખાંપણ વાળી હોય છે. આ ખામી જેનેટિક કારણોસર હોય છે. જેમાં દાંતનું બંધારણ ખૂબ જ નબળું હોવાથી સહેલાઈથી તૂટતું જતું હોય છે. જેમ કે એનેમલ હાયપોપ્લાઝીયા અને ડેન્ટિન હાયપોપ્લાઝીયા.

નાની ઉંમરમાં જયારે દાંતનું નિર્માણકાર્ય થતું હોય ત્યારે વધારે પ્રમાણમાં ફ્લોરાઈડયુકત પાણીના ઉપયોગથી પણ દાંતનું બંધારણ પીળું રહે છે. જેને ડેન્ટલ ફ્લોરોસીસ કહેવાય છે. ડેન્ટલ ફ્લોરોસીસની ગંભીરતા પીવાના પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ કેટલું વધારે છે, તેના પર રહેલી છે. છૂટ્ટાછવાયા સફેદ ટપકા કે ધબ્બાથી શરૂ કરીને ફ્લોરોસીસની તીવ્ર અસરથી દાંતની પૂરેપૂરી સપાટી એકદમ પીળી, ભૂરી કે કાળા કલરની હોય છે. આપણા જામનગરમાં પીવાના પાણીમાં ફ્લોરાઈડની માત્રા નિયત મર્યાદાથી સહેજ જ વધારે છે.

દાંતનું નિર્માણકાર્ય ચાલતું હોય તે વખતે એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન કે બાળકની નાની ઉમરમાં (બાર વર્ષથી નીચે) દરમિયાન ટ્રેટાસાયક્લીન એન્ટીબાયોટીકના ઉપયોગથી તેની આડઅસરના કારણે દાંતનું બંધારણ ખામીયુક્ત રહે છે અને દાંત કાયમ માટે પીળા કે કાળા રહે છે.

દાંતની સપાટી એનેમલ પર જો એકદમ આછેરી માથાના વાળ જેટલી તીરાડો હોય તો પાનમસાલા કે તમાકુના ડાઘા આ તીરાડોમાં ઊંડા ઉતરી અંદરના ડેન્ટિન સુધી પહોંચી જાય છે. આવા ઊંડા ઉતરી ગયેલા ડાઘાઓ પછી બ્રશથી કે સ્કેલીંગથી નીકળી શકતા નથી.

દાંતની ઉપરની સપાટી એનેમલ પર જો લાંબો સમય સુધી પ્લાક જામેલું રહે તો તેમાં રહેલા બેક્ટેરિયાના ઉત્સર્જિત કરેલા એસિડને કારણે એનેમલમાં રહેલું ખનિજ બંધારણ ખાસ કરીને કેલસીયમ ઓગળતું જાય છે, શરૂઆતમાં તેને કારણે દાંત પર સફેદ ધબ્બા કે પટ્ટા બને છે, નુકશાન આગળ વધતાં તેનો કલર પીળો કે ભૂરો થાય છે. સમયસર જો આ નુકશાન ધ્યાનમાં ના આવે અને જરૂરી પગલાં લેવામાં ન આવે તો તે જગ્યાએ કેવીટી (દાંતનો સડો) થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. 

દાંત પર ઇજાને કારણે પલ્પમાંથી રક્ત સ્ત્રાવ થાય અને તે ડેન્ટિનમાં પ્રસરી જાય તો દાંતનો કલર વધારે ઘાંટો પીળો થી શરૂ કરીને કાળા કલરનો બને છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ દરમિયાન જો કાળજીપૂર્વક પલ્પ ટીસ્યુની સફાઇ કરવામાં ન આવે તો પણ દાંતનો કલર કાળાશ પડતો બનતો જાય છે.

દાંતમાં મેટલ ફીલીંગ (ચાંદી)માં લાંબા સમયે કાટ લાગવાને કારણે પણ કાળાશ પડતી ઝાંય આવે છે.

 

ત્રીજો પ્રકાર

આ પીળાશ ઉંમરના કારણે થાય છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પલ્પ સંકોચાતું જાય છે. ડેન્ટિનના પડની જાડાઈ વધતી જાય છે, ડેન્ટિનનો કલર વધારે ઘેરો બનતો જાય છે, અર્ધપારદર્શક એનેમલની જાડાઈ ઘસારાને કારણે સતત પાતળી થતી જાય છે. દાંતના બંધારણમાં થતાં આ બધા ફેરફારોને કારણે સંપૂર્ણત: દાંતનો કલર વધારે ને વધારે ઘેરો અને પીળો બનતો જાય છે. બાળપણ કે યુવાનીમાં દાંતનો જે સફેદ કલર હોય તેવો કલર કયારેય વૃદ્ધાવસ્થા સુધી રહેતો નથી. દાંતમાં પીળાશ વધતી જાય છે. આ કુદરતી ફેરફાર છે.

 

પીળા દાંતને સફેદ કરવાની સારવાર

આપણે આગળ જાણ્યુ કે કયા કારણોસર દાંતનો કલર સફેદ નથી. બધા જ કેસમાં પીળા દાંત સફેદ કરવા માટે એક જ પદ્ધતિ કારગર હોતી નથી. પીળા દાંત સફેદ કરવા માટે સૌ પ્રથમ તો એ નિદાન કરવું પડે કે કયા કારણોસર દાંત પીળા છે, કેટલી તીવ્રતામાં પીળા છે, કેટલે ઊંડે સુધી પીળા છે, દાંત જીવંત છે કે નિર્જીવ છે. કેટલા દાંતમાં અસર છે. જે દર્દી છે, એની અપેક્ષાનું સ્તર કેટલું ઊંચું છે. અને હા, બજેટ કેટલું છે, એ પણ જાણવું જરૂરી છે.

પ્રથમ પ્રકારની દાંતથી પીળાશ કે જેમાં દાંતની બહારની સપાટી ઉપર ડાધા, છારી કે પ્લાક જામી ગયેલ હોય તેને માત્ર અલ્ટ્રાસોનીક સ્કેલર સ્કેલીગથી (દાંત સાફ કરાવવાથી) દુર કરી શકાય છે. માત્ર અડધો કે એક કલાકની સારવાર છે. અલ્ટ્રાસોનીક સ્કેલીંગથી દાંતની સપાટી ઉપેર જામેલો કચરો જ દૂર થાય છે. કચરો દૂર કર્યા પછી દાંતનો જે ઓરીજીનલ કલર હશે તે આવશે. દાંતનો મૂળ કલર બદલતો નથી.

બીજા પ્રકારની પીળાશમાં દાંતનું બંધારણ જ પીળાશ પડતું હોય છે, તેમાં દાંત સાફ કરાવવાથી કોઈ ફાયદો થતો નથી.

જો બધા દાંતનો કલર એનેમલ અને ડેન્ટિનને કારણે એકસરખો પીળાશ પડતો હોય તો, આ પ્રકારની પીળાશ બ્લીચિંગ(દાંત સફેદ કરવાની સારવાર)થી દુર કરી શકાય છે. આ સારવારમાં કેમિકલથી દાંતની પીળાશ દુર કરવામાં આવે છે. આ સારવાર સરળ છતાં ખુબજ અસરકારક છે. જેમાં દાંતના કલરને આછો કરવામાં આવે છે. આ સારવારમાં દાંતના બંધારણને દુર કરવામાં આવતું નથી.

 

એનેમલ હાયપોપ્લાઝીયા કે ડેન્ટિન હાયપોપ્લાઝીયાના કારણે દાંતની સપાટી અસામાન્ય રીતે પીળી અને ખોડખાંપણ વાળી હોય તો આવા કેસમાં બધા દાંત ઉપર રક્ષણાત્મક કોસ્મેટિક કવર (લિથિયમ ડાઈસીલીકેટ અથવા ઝીરકોનીયા) કરવાની જરૂર પડે. જેથી દાંતને સુંદર, સુરેખ, સપ્રમાણ, સફેદ અને મજબૂત બનાવી શકાય. 

 

ડેન્ટલ ફ્લોરોસીસને કારણે જો દાંત પીળા હોય તો તેની સારવાર ફ્લોરોસીસની અસર કેટલી તીવ્ર છે, તેના પર આધાર રાખે છે.  આછા સફેદ, પીળા કે થોડા બ્રાઉન ધબ્બાને કેમિકલની મદદથી બ્લીચિંગ કરી શકાય. ફ્લોરોસીસને કારણે જો દાંતની સપાટી ખોડખાંપણ અને ખરબચડી હોય તો તેના પર રક્ષણાત્મક કોસ્મેટિક કવર (લિથિયમ ડાઈસીલીકેટ અથવા ઝીરકોનીયા)  અથવા વિનીયર કરવાની જરૂર પડે. જેથી દાંતને સુંદર, સુરેખ, સપ્રમાણ, સફેદ અને મજબૂત બનાવી શકાય. 

ટ્રેટાસાયક્લીનની અસરને બ્લીચીંગથી થોડેક અંશે દાંતનો કલર આછો કરી શકાય છે. શ્રેષ્ઠ પરિણામ માટે તેના પર વિનિયર કરવું જોઈએ.

 

દાંતની સપાટી પર શરૂ થઈ ગયેલા સડાને કારણે જો દાંતે પોતાનું માત્ર ખનિજ બંધારણ જ ગુમાવ્યું હોય પણ ત્યાં કેવીટી ના બની હોય તો આવા એકદમ શરૂઆતના સડાને ખાસ રીમીનરલાઈઝેશન (સડાવિરોધી) ટુથપેસ્ટની મદદથી ફરીથી તેનું ખનિજ બંધારણ મૂળ સ્વરૂપમાં લાવી શકાય અને તેનો મૂળ કલર પણ પાછો મેળવી શકાય છે. એક વખત સડાને કારણે જો કેવીટી બની જાય પછી દાંતને મૂળ આકાર અને કલર પુન:સ્થાપિત કરવા માટે સડો દૂર કરી તેમાં કોસ્મેટિક કમ્પોઝિટ ફીલીંગ કરવું પડે.

 

દાંત પર થયેલી ઇજાને કારણે અથવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કર્યા પછી ઘેરો પીળો કે કાળો થઈ ગયેલા દાંતને (વોકિંગ બ્લીચિંગ) કેમિકલની મદદથી તેનો કલર આછો કરી શકાય છે. આવી તકલીફ મોટે ભાગે આગળના એક-બે દાંત પૂરતી જ મર્યાદિત હોય છે, તેને કારણે આ એક-બે દાંત આજુબાજુના દાંતના કલરથી એકદમ જુદા અને ખરાબ લાગે છે. ખૂબ જ વધારે કાળા થઈ ગયેલા નિર્જીવ થઈ ગયેલા દાંતમાં આ સારવારથી સંતોષજનક પરિણામ મળતું નથી. ત્યારે તેના પર કોસ્મેટિક કવર (ઝીરકોનીયા) કરવાની જરૂર પડે. જેથી દાંતના કલરને આજુબાજુના અન્ય દાંતના કલર સાથે સુસંગત કરી શકાય.   

 

 

નીચેના પીકચર પર ક્લિક કરો અને જુઓ ડૉ. ભરત કટારમલ ડેન્ટલ ક્લિનિક, જામનગર કેટલાક પીળા દાંત સફેદ કરવાની સારવારના કેટલાક કેસીસ. 



દાંત પર પાન મસાલા, તમાકુ ના ડાઘા અને દાંત સાફ કર્યા પછી
દાંત પર પાનમસાલા અને તમાકુના ડાઘા અને દાંત સાફ કર્યા પછી. 





દાંત પરની કુદરતી પીળાશ અને ડાઘા, સ્કેલીંગ  પછી
દાંત પરની કુદરતી પીળાશ અને ડાઘા, સ્કેલીંગ  પછી





ડેન્ટલ ફ્લોરોસીસના બ્રાઉન ડાઘા અને બ્લીચિંગ ની સારવાર પછી
ડેન્ટલ ફ્લોરોસીસના બ્રાઉન ડાઘા અને બ્લીચિંગની સારવાર પછી 






ડેન્ટલ ફ્લોરોસીસના બ્રાઉન ડાઘા અને બ્લીચિંગની સારવાર પછી
ડેન્ટલ ફ્લોરોસીસના બ્રાઉન ડાઘા અને બ્લીચિંગની સારવાર પછી 








ડેન્ટલ ફ્લોરોસીસના બ્રાઉન ડાઘા અને બ્લીચિંગની સારવાર પછી
ડેન્ટલ ફ્લોરોસીસના બ્રાઉન ડાઘા અને બ્લીચિંગની સારવાર પછી 




એનેમલ હાયપોપ્લાઝીયા સારવાર પહેલા અને ડેન્ટલ વિનિયરની સારવાર પછી
એનેમલ હાયપોપ્લાઝીયા સારવાર પહેલા અને ડેન્ટલ વિનિયરની સારવાર પછી 





દાંત પર ઇજા પછી કાળો થઈ ગયેલ દાંત અને લિથિયમ ડાઇસીલીકેત  ( E-max Crown)
દાંત પર ઇજા પછી કાળો થઈ ગયેલ દાંત અને લિથિયમ ડાઇસીલીકેત  (E-max Crown) ની સારવાર પછી 





You may like these posts: