આયુર્વેદ અનુસાર
દાંતનું સ્વાસ્થ્ય
દાંત માટે
શ્રેષ્ઠ આયુર્વેદિક દવાઓ
દાંત માટે
આયુર્વેદિક ઘરેલુ ઉપચાર
આયુર્વેદિક
દાંતની દવા ક્યારે પૂરતી નથી?
આજના સમયમાં દાંતની સમસ્યાઓ જેવી કે દાંતમાં દુખાવો, પેઢામાંથી લોહી આવવું, મોઢાની દુર્ગંધ, પાયોરિયા અને દાંતની નબળાઈ બહુ સામાન્ય બની ગઈ છે. સમાજનો એક ખાસ વર્ગ દાંતની નિયમિત સંભાળ તેમજ દાંત-પેઢાની બિમારીના ઉપચાર માટે કુદરતી આયુર્વેદિક સારવારમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે.
આયુર્વેદ અનુસાર દાંતનું સ્વાસ્થ્ય
આયુર્વેદમાં દાંતને અસ્થિ ધાતુ સાથે જોડવામાં આવે છે. જ્યારે અસ્થિ ધાતુ મજબૂત હોય ત્યારે દાંત અને પેઢા સ્વસ્થ રહે છે. યોગ્ય આહાર, જીવનશૈલી અને આયુર્વેદિક ઉપચારથી દાંતની ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.
દાંત માટે શ્રેષ્ઠ આયુર્વેદિક દવાઓ
લવિંગ (Clove) – દાંતના દુખાવાની આયુર્વેદિક દવા
- લવિંગના તેલમાં યુજીનોલ નામનું સક્રિય તત્વ હોય છે, જે કુદરતી એનેસ્થેટિક છે. તે દાંતના દુખાવાને શાંત કરવા અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. યુજીનોલમાં કુદરતી બળતરા વિરોધી ગુણધર્મો પણ છે.
- લવિંગ અથવા લવિંગનું તેલ દાંતના તીવ્ર દુખાવામાં તરત રાહત આપે છે.
- લવિંગનું તેલ એન્ટીબેક્ટેરિયલ છે.
- દાંતના ચેપમાં અસરકારક છે.
ઉપયોગ:
- જ્યારે દાંતમાં દુ:ખાવો ઉપડે ત્યારે 1 થી 2 લવિંગ દાંતની વચ્ચે દબાવી રાખો.
- સડેલા દાંતની વચ્ચેના ભાગમાં લવિંગનું તેલ લગાવી શકાય.
- દાંત હલતા હોય અને દુઃખાવો થતો હોય ત્યારે ત્યાં લવિંગને દાંતમાં ભરાવી શકાય.
- આ સિવાય લવિંગનો પાઉડર બનાવીને ઓલિવ (જેતુન)ના તેલમાં મિકસ કરીને દાંત પર લગાવી શકાય.
ત્રિફળા – દાંત અને પેઢાં માટે ઉત્તમ
- ત્રિફળા પાવડર ત્રણ ફળો (હરડે, બહેડા, આમળા) ને યોગ્ય માત્રામાં ભેળવીને બનાવવામાં આવે છે.
- તે મોઢાની દુર્ગંધ દૂર કરે છે.
- પેઢાને મજબૂત બનાવે છે.
- બેક્ટેરિયા ઘટાડે છે.
- ઉપયોગ: ત્રિફળા ચૂર્ણથી ગરમ પાણીમાં સાથે કોગળા કરી શકાય.
લીમડો (નીમ) – કુદરતી એન્ટિસેપ્ટિક
- લીમડામાં કુદરતી એન્ટિસેપ્ટિક તત્વ હોય છે જે દાંતમાં સડો અટકાવે છે.
- લીમડાના પાનનો રસ દાંત પર લગાવવાથી સોજા અને દુખાવામાં રાહત મળે છે.
- પેઢાની સોજા ઘટાડે છે.
- મોઢું સ્વચ્છ રાખે છે.
- ઉપયોગ: લીમડાનું દાંતણ અથવા લીમડા વાળી આયુર્વેદિક ટૂથપેસ્ટ.
- લીમડાના પાનના ઉકાળાથી કોગળા કરવાથી સોજો અને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યામાં ફાયદો થાય છે.
બાવળ (બબૂલ) નું દાંતણ - હલતા દાંત માટે આયુર્વેદિક ઉપાય
- દાંતની પકડ મજબૂત કરે.
- મસૂડા સ્વસ્થ રાખે.
વજ્રદંતિ - દાંતના દુખાવા કે મોઢામાં ચાંદા માટે અકસીર
દાંતના દુખાવા કે મોઢામાં ચાંદા માટે આયુર્વેદમાં આ ઔષધિ રામબાણ સાબિત થઈ શકે છે. વજ્રદંતિ દાંતના દુખાવા, પેઢાના રોગ, પાયોરિયા અને રક્તસ્ત્રાવ જેવા રોગો માટે ફાયદાકારક છે. વજ્રદંતિમાં બળતરા વિરોધી અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે, જે દાંતને મજબૂત બનાવે છે. તેથી, આયુર્વેદમાં, વજ્રદંતિને મૌખિક સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. વજ્રદંતિનો ઉપયોગ આયુર્વેદિક ટૂથપેસ્ટ અને પાવડર સ્વરૂપમાં પણ થાય છે. કેટલીક વિદેશી કંપનીઓ તેમના ટૂથપેસ્ટમાં વજ્રદંતિનો ઉપયોગ પણ કરે છે.
ફુદીનો
મોટાભાગના ટૂથપાઉડર અને ટૂથપેસ્ટમાં ફુદીનાનો ઉપયોગ સામાન્ય ઘટક તરીકે થાય છે. તે ઠંડી અસર ધરાવે છે અને શ્વાસની દુર્ગંધ દૂર કરતી વખતે તાજગી આપે છે. ફુદીનાના પાન મોઢાની અંદરના લેયર અથવા મ્યુકોસાની બળતરાની સારવારમાં મદદરૂપ થાય છે.
મિસ્વાક
એક લોકપ્રિય
આયુર્વેદિક ઔષધિ છે જેનો ઉપયોગ મોઢાના રોગો માટે થાય છે. અત્યારે ઘણીબધી
ટૂથપેસ્ટમાં મિસ્વાક એક મહત્વના ઘટક તરીકે ઉપયોગ થઈ રહ્યું છે.
દાંત માટે આયુર્વેદિક ઘરેલુ ઉપચાર
- કરંજ, લીમડો, વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર, આવેળ, અશોક(આસોપાલવ), ગુલર, આમળા, હરડેના દાંતણ દાંત પેઢાને નિયમિત સ્વસ્થ રાખે છે.
- સરસવના તેલ સાથે મીઠું મેળવીને પેઢાં પર ઘસવાથી પાયોરિયા કાબુમાં રહે છે
- ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી એટિસેપ્ટિક જેવુ કામ કરે છે.
- હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવામાં રાહત થાય છે.
- દાંત હાલતા હોય અને દુઃખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલકરો દાંતમાં ભરાવવાથી આરામ થાય છે.
- સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.
- વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતા દાંતમાં સુધારો થાય છે.
- તલનું તેલ હથેળીમાં લઈ આંગળા વડે પેઢા પર ઘસવાથી હલતા દાંત મજબૂત બને છે.
- લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
- તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.
- ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
- દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફટકડીનો પાઉડર લગાડવાથી દુઃખાવો મટે છે.
- સફરજનના રસ સોડા સાથે મેળવી દાંત ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.પાકાં ટામેટાંનો રસ ૫૦ ગ્રામ જેટલો દિવસમાં ત્રણ વાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
- કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડાને કારણે થતો દુઃખાવો મટે છે.
- રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ખાવાથી પાયોરિયા મટે છે.
- તુલસીનાં પાન ચાવવાથી અને તુલસીનાં પાનનાં ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે.
- પોલા થઈ ગયેલ અને કહોવાઈ ગયેલ દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી દબાવી લેવાથી આરામ મળે છે.
- જાંબુના ઝાડની છાલ ધોઈ, સ્વચ્છ કરી, અધકચરી ખાંડી, શેર પાણીમાં નાખી ઉકાળવી, અડધો શેર પાણી બાકી રહેતાં તે પાણી ઠંડુ કરી કોગળા કરવાથી દાંતનાં પેઢા મજબૂત થાય છે તથા પાયોરિયામાં રાહત થાય છે.
- વડનું દૂધ વડના પત્તા ઉપર લઈ તેની પેઢાં ઉપર માલિશ કરવામાં આવે તો પયોરિયામાં રાહત થાય છે.
- જીરાને શેકીને ખાવાથી પાયોરિયાની દુર્ગંધ દૂર થાય છે.
આયુર્વેદિક દાંતની દવા ક્યારે પૂરતી નથી?
જો તીવ્ર દુખાવો, સોજો, રસી (પસ) કે દાંત હલવા લાગ્યા હોય, તો માત્ર આયુર્વેદિક ઉપચાર પર નિર્ભર ન રહેતા ડેન્ટલ ડોક્ટરની સલાહ લેવી જરૂરી
છે. ઉપર જણાવેલી દવાઓથી દાંત-પેઢાંના રોગોના લક્ષણોમાં રાહત માત્ર થાય છે. દાંતમાં
એક વખત સડો થયા પછી એવી કોઈ દવા નથી આવતી કે જે દાંત પર લગાડો, એનાથી કોગળા કરો કે
ખાવ તો દાંતનો સડો કાયમ માટે નાબૂદ થાય. તેના માટે તો ડેન્ટલ ડોક્ટરની મુલાકાત લઈ
આધુનિક પધ્ધતિથી દાંતનો સડો દૂર કરાવી તેની યોગ્ય સારવાર કરાવવી પડે. આયુર્વેદ અને આધુનિક દંતચિકિત્સાનો સંયોજન
શ્રેષ્ઠ પરિણામ આપે છે.
નિષ્કર્ષ
દાંતની
આયુર્વેદિક દવા દાંત અને પેઢાંને કુદરતી રીતે તંદુરસ્ત બનાવે છે. પરંતુ શ્રેષ્ઠ
પરિણામ માટે આયુર્વેદિક સંભાળ સાથે આધુનિક ડેન્ટલ સારવાર જરૂરી છે.
સ્પષ્ટીકરણ (Disclaimer):
આ વેબસાઇટ પર
દાંતની આયુર્વેદિક દવાઓ અંગે આપવામાં આવેલી તમામ માહિતી માત્ર સામાન્ય માહિતી અને
શૈક્ષણિક હેતુ માટે છે. આ માહિતી અલગ અલગ સંદર્ભ ગ્રંથોમાંથી અને અનુભવી
આયુર્વેદાચાર્યોના તારણો પરથી લેવામાં આવી છે. આ માહિતી કોઈ પણ રીતે તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. કોઈ પણ દવા
અથવા ઉપચાર શરૂ કરતા પહેલાં લાયક ડોક્ટર અથવા દંતચિકિત્સકની સલાહ લેવી ફરજિયાત છે.
દરેક વ્યક્તિની શરીર પ્રકૃતિ અલગ હોઈ શકે છે અને કેટલીક દવાઓમાં સંભવિત આડઅસર થઈ
શકે છે.
નિયમિત ચેકઅપ અને
યોગ્ય માર્ગદર્શન માટે સંપર્ક કરો:
ડૉ. ભરત કટારમલ
ડેન્ટલ ક્લિનિક
જામનગર
વિશ્વસનીય દંતચિકિત્સા | આધુનિક સારવાર | દર્દી કેન્દ્રિત અભિગમ
