ડહાપણ દાઢ વારંવાર તકલીફ આપે છે?



ડહાપણ દાઢની તકલીફ

ડહાપણ દાઢ કયારે આવતી હોય છે?

ડહાપણ દાઢ આવે ત્યારે શા માટે તક્લીફ થાય છે ?

ડહાપણ દાઢ ઉગતી વખતે શું શું તકલીફો પડતી હોય છે?

ડહાપણ દાઢ દુ:ખે ત્યારે શું કરવું જોઈએ?

ડહાપણ દાઢના એક્સ-રે નું મહત્વ

ડહાપણ દાઢ કયારે કઢાવવી પડે ?

ડહાપણ દાઢ કઢાવવામાં કેટલો ખર્ચો થાય?

ડહાપણ દાઢ કાઢવામાં કેટલો સમય લાગે?

ડહાપણ દાઢ વિષેની ગેરમાન્યતા

ડહાપણ દાઢ કઢાવ્યા પછી શું તકલીફ પડી શકે?

ડહાપણ દાઢ કઢાવ્યા પછી કઈ સૂચનાઓનું ધ્યાન રાખવાનું?


ડહાપણ દાઢ ની સારવાર જામનગર

 ડહાપણ દાઢની તકલીફ

ડહાપણ દાઢ ઉગે ત્યારે ખુબ જ દુ:ખાવો થાય છે. પેઢા પર કે મોઢા પર સોજો આવે છે અને મોઢું ખોલવામાં તકલીફ પડે છે.

 

ડહાપણ દાઢ કયારે આવતી હોય છે?

પુખ્ત વયના માણસોને ૩૨ દાંત હોય છે.  તેમાંથી ડહાપણ દાઢ મોટે ભાગે ૧૬ – ૧૭ વર્ષ પછી આવતી હોય છે. ઉપર બંને છેડે અને નીચે બંને છેડે, કુલ ચાર ડહાપણ દાઢ હોય છે.

 

ડહાપણ દાઢ આવે ત્યારે શા માટે તક્લીફ થાય છે ?

આદીસમયમાં મનુષ્ય સખત ખોરાકનો ઉપયોગ કરતો હતો એટલે તેના માટે મજબૂત અને મોટા જડબા જરૂરી હતા. હવે આપણે રાંધેલો અને પોચો ખોરાક લઈએ છીએ. મોટા જડબાની જરૂરિયાત રહી નથી. તેથી ઉત્ક્રાંતિને કારણે માણસના જડબા પેઢી દર પેઢી નાના થતા જાય છે, પણ દાંતની સાઈઝમાં ફેર પડ્યો નથી. એટલે અત્યારના સમયમાં માણસના જડબા ૩૨ દાંત સમાવવા માટે નાના પડે છે. મોટે ભાગે ૨૮ દાંત માટે જ પૂરતી જગ્યા હોય છે. ડહાપણ દાઢ સૌથી છેલ્લે આવે છે. તેથી તેના માટે નાના જડબામાં પૂરતી જગ્યા ન મળવાને કારણે  જ્યાં અને જેમ જગ્યા મળે તેમ આડીઅવળી કે સૂતી ગોઠવાઈ જાય છે.

જો જડબામાં પુરતી જગ્યા હોય તો તે સહેલાઈથી ઉગે છે અને ઉપયોગી સ્થિતિમાં રહે છે અને કોઈ તકલીફ પડતી નથી. કોઈક વખત ડહાપણ દાઢ આવે ત્યારે થોડીક તકલીફ થાય છે, પણ તે થોડાક સમય પુરતી જ હોય છે, જે દાઢ પુરેપુરી ઉગી ગયા પછી દુર થઇ જાય છે. 

જડબામાં પુરતી જગ્યા ન મળવાને કારણે તે આગળની દાઢની પાછળ અથવા જડબાના હાડકાંમાં બહાર ન આવી શકે એવી રીતે ફસાઈ જાય છે. આવી ફસાયેલી દાઢને “ઈમ્પેક્ટેડ વિઝડમ ટુથ” કહે છે.

ઓછી જગ્યા મળવાના કારણે થોડીક જ બહાર ડોકાયેલી ડહાપણ દાઢ તેની ઉપરના પેઢા સાથે પોકેટ બનાવે છે, આ પોકેટમાં ફસાયેલા ખોરાકના કણો સાફ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. યોગ્ય સફાઇ ન થવાના કારણે વારંવાર પેઢામાં ઇન્ફેકશન થાય છે અને ત્યાં સોજો તેમજ દુ:ખાવો રહે છે.

imflamed gums due to wisdom tooth


ડહાપણ દાઢ જડબામાં સૌથી છેલ્લે હોય છે તેથી ત્યાં બ્રશ વડે તેને સાફ રાખવી પણ થોડી મુશ્કેલ હોય છે એટલે ડહાપણ દાઢ સડવાની શક્યતા પણ વધી જાય છે. વધારે મોટો અને ઊંડો સડો દુ:ખાવાનું કારણ બને છે.

 

ડહાપણ દાઢ ઉગતી વખતે શું શું તકલીફો પડતી હોય છે?

  • દાઢમાં અસહ્ય દુ:ખાવો
  • પેઢા પર સોજો
  • જડબાંમાં સોજો
  • મોઢું ઓછું ખૂલવું
  • જડબાથી શરૂ કરી કાન સુધી દુખાવો થાય
  • દાઢમાં રસી થાય
  • તાવ પણ આવી શકે
  • દાઢ પાસે પેઢામાં ચાંદું પડી શકે
  • ગાલના ભાગમાં બચકું ભરાઈ શકે
  • સોજી ગયેલ પેઢા પર સામેના જડબાની દાઢ ઇજા કરી શકે 


ડહાપણ દાઢ દુ:ખે ત્યારે શું કરવું જોઈએ?

મીઠાવાળા પાણીના કોગળા કરવાથી પેઢાનો દુખાવો તેમજ સોજામાં ઘણી રાહત થાય છે. એન્ટીસેપ્ટીક માઉથવોશના (કોગળા કરવાની દવા) પણ સોજો ઉતારવા માટે ઉપયોગી  રહે છે. થોડા સમય માટે દુખાવા-વિરોધી દવા ગોળી (પેઈનકીલર) પણ ઉપયોગી રહે છે, પરંતુ જો દુ:ખાવો ચાલુ રહે અને મોઢું ખોલવામાં પણ તકલીફ પડતી હોય તો ત્યારે દાંતના ડોકટરને બતાવવું જોઈએ. તે તમારી તકલીફનું કારણ જાણી શકે, અને તે મુજબ સલાહ આપી શકે. તમારા દાંતના ડોકટર આ બાબતે તમને વ્યવસ્થિત સલાહ આપી શકે કે આ તકલીફ માત્ર થોડોક સમય રહેશે કે દાઢ કઢાવવી પડશે. તમારા દાંત બરાબર સાફ કરવા જરૂરી છે, તેમજ એન્ટીબાયોટીક દવાઓ પણ લેવી જરૂરી છે.


ડહાપણ દાઢના એક્સ-રે નું મહત્વ

OPG and RVG for wisdom tooth

ડહાપણ દાઢના મૂળિયાની સ્થિતિ જોવા, તેમજ જડબામાં ડહાપણ દાઢ માટે પુરતી જગ્યા છે કે નહિ તે જોવા ડહાપણ દાઢનો એક્સ-રે હોવો જરૂરી છે. ડહાપણ દાઢ નું નિદાન અને સારવારનું આયોજન કરવા માટે નાના નાના RVG એક્સ-રે લેવા કરતાં એક જ મોટો OPG એક્સ-રે વધારે ઉપયોગી છે, RVG એક્સ-રે મોઢાની અંદર સેન્સર મૂકીને લેવો પડે જયારે OPG મોઢાની બહારથી લઈ શકાય છે, RVG એક્સ-રે મોઢાની અંદર છેક ગળા પાસે મૂકીને લેવો પડે જે ઘણા દર્દી માટે (ગેગ રિફલેક્સને કારણે) આરામદાયક હોતું નથી. OPGમાં એક જ એક્સ-રેમાં બધા દાંત બંને જડબાના હાડકાં સાથે આવરી શકાય છે.


ડહાપણ દાઢ કયારે કઢાવવી પડે ?

જયારે એક્સ-રે જોતા નિશ્ચિત થઇ જાય કે ડહાપણ દાઢ માટે જડબામાં જગ્યા નથી અને તે ઉપયોગી સ્થિતિમાં ઉગી શકે તેમ નથી અને તેનાથી દુખાવો કે અન્ય તકલીફ થતી હોય તો તે કઢાવી નાખવી હિતાવહ છે. આમ પણ આવી આડી ગોઠવાયેલી ડહાપણ દાઢ ચાવવામાં ઉપયોગી હોતી નથી. આવી દાઢ કાઢી નાખવાથી ચાવવાની કાર્યક્ષમતામાં  કશો ફેર પડતો નથી.

જો ડહાપણ દાઢ થોડીક જ પેઢામાંથી બહાર આવી હોય તો આવી દાઢમાં સડો થવાની શક્યતા વધારે હોય છે, કારણ કે તે વ્યવસ્થિત સાફ થઇ શકે તેમ હોતી નથી. જો ડહાપણ દાઢની સફાઈ કરવામાં તકલીફ થતી હોય અને તેનો કોઈ ઉપયોગ ન હોય તો ડહાપણ દાઢ કઢાવી નાખવી હિતાવહ છે. 

ડહાપણ દાઢની સ્થિતિ આડી હોય અને તેને કારણે ખાંચો બનવાથી ત્યાં ખોરાકના કણો સાફ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે, તેને કારણે તેની આગળની દાઢ સડી જવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. આગળની દાઢ સડી જવાનું કારણ જો આડી પડેલી પાછળની ડહાપણ દાઢ હોય તો ડહાપણ દાઢ કઢાવીને આગળની દાઢને યોગ્ય સારવારથી બચાવવી જોઈએ. આવી આડી પડેલી વધારાની ડહાપણ દાઢ પોતે તો કોઈ ઉપયોગમાં હોતી નથી પણ આગળવાળી ઉપયોગી દાઢ માટે પણ જોખવી બને છે. 


caries due to wisdom tooth x ray


જો ડહાપણ દાઢ વધારે પડતી ઉગી નીકળી હોય (સુપરાઈરપ્ટ) (આવું ઘણીવાર બનતું હોય છે, જયારે સામેની દાઢ કઢાવી નાખેલ હોય અથવા ઉગી જ ન હોય), તો પણ ડહાપણ દાઢ કઢાવી નાખવી જોઈએ.


ડહાપણ દાઢ કઢાવવામાં કેટલો ખર્ચો થાય?

ડહાપણ દાઢ કઢાવવામાં કેટલો ખર્ચ થાય એ કેસ અને એક્સ-રે જોયા વગર એનું અનુમાન કરવું મુશ્કેલ છે, ડહાપણ દાઢ કાઢવામાં કેટલો ખર્ચ થશે એ કેટલાક પરિબળો પર આધાર રાખે છે જેમ કે ડહાપણ દાઢ કાઢવી કેટલી મુશ્કેલ છે, કેટલી જોખમી (નસની નજીક કેટલી) છે. ડૉક્ટરની ડિગ્રી, કેટલા અનુભવી છે, ક્લિનિકમાં કેટલી આધુનિક સગવડો છે, સારવાર દરમિયાન કે પછી કઈ ગૂંચવળો ઊભી થાય તો તેના માટે ડૉક્ટર કેટલા અનુભવી છે. સાધનોની સ્વચ્છતા (Sterilization)નું સ્તર. દર્દીનું મોઢું કેટલું ખૂલે છે.


Types of wisdom tooth impaction


ડહાપણ દાઢ કાઢવી કેટલી મુશ્કેલ છે તેનો અંદાજ એક્સ-રે (OPG) જોયા પછી કાઢી શકાય. જેમ કે દાઢ હાડકામાં કેટલી અને કઈ દિશામાં નમેલી (Mesioangular, distoanular, vertical, horizontal, Buccoangular, Linguoangular) છે, હાડકામાં કેટલી નીચે એટલે કે ઊંડે( Class A, B, C)  છે, પાછળના હાડકાથી ડહાપણ દાઢનું કેટલું અંતર (Class 1, 2, 3) છે, મૂળિયાની સંખ્યા, એની સ્થિતિ, નસની કેટલા નજીક છે.

Charges for wisdom tooth removal surgery


ડહાપણ દાઢ સર્જરી ઓપરેશનથી કઢાવવામાં અંદાજે  ૧ ૦૦૦ થી ૭ ૦૦૦ રું જેટલો ખર્ચ આવી શકે છે.


ડહાપણ દાઢ કાઢવામાં કેટલો સમય લાગે?

સામાન્ય રીતે બીજી કોઈ દાઢ કાઢતા જેટલો સમય લાગે, તેના કરતાં ડહાપણ દાઢ કાઢવી હમેશા વધારે અઘરી હોય છે, અને વધારે સમય લે છે. ડહાપણ દાઢ કાઢતા કેટલો સમય લાગે તેનો આધાર, તે દાઢ કાઢવી કેટલી અઘરી છે, તેમજ ડૉક્ટર કેટલા નિષ્ણાત છે, તેના પર રહેલો છે.

સામાન્ય ડહાપણ દાઢ કાઢતા અડધો થી એક કલાક જેટલો સમય લાગતો હોય છે. તેનાથી વધારે પણ લાગી શકે છે. ઉપરની ડહાપણ દાઢ કાઢવામાં પ્રમાણમાં ઓછો સમય લાગતો હોય છે. 


ડહાપણ દાઢ વિષેની ગેરમાન્યતા

ડહાપણ દાઢ વિષેની એક ગેરમાન્યતા છે કે ડહાપણ દાઢ કઢાવવાથી બુદ્ધિ ઓછી થઈ જાય છે? 

ડહાપણ દાઢ મોટે ભાગે ૧૬ – ૧૭ વર્ષ પછી આવતી હોય છે. ગુજરાતીમાં કહેવત છે કે બારે બુદ્ધિ, સોળે સાન એટલે કે સોળ વર્ષે શાણપણ આવે. અંગ્રેજીમાં પણ આ દાઢને wisdom tooth કહેવામાં આવે છે, એટલે કે શાણપણની દાઢ. ડહાપણ દાઢ અને શાણપણ, બંનેનો આવવાનો સમય સમાંતર છે. પણ ખરેખર તો ડહાપણ દાઢ અને બુદ્ધિને કશો સંબંધ નથી. ડહાપણ દાઢ કઢાવવાથી બૌદ્ધિક ક્ષમતા પર કોઈ પ્રભાવ પડતો નથી.  


ડહાપણ દાઢ કઢાવ્યા પછી શું તકલીફ પડી શકે?

ડહાપણ દાઢ કઢાવવાની સારવાર, અન્ય દાંત કાઢવાની સારવાર કરતા મુશ્કેલ હોય છે. ડહાપણ દાઢ કાઢવા માટે ક્યારેક નાનું એવું ઓપરેશન કરવું પડે છે. જે સામાન્ય રીતે લોકલ એનેસ્થેસીયામાં કરવામાં આવે છે.

ડહાપણ દાઢ કાઢવી કેટલી મુશ્કેલ છે એ જડબાના હાડકામાં ડહાપણ દાઢના મૂળિયાંની સ્થિતિ, તેની સંખ્યા અને આકાર પર આધાર રાખે છે. તે ઉપરાંત મોઢું કેટલું ખૂલે છે, ત્યાં સોજો છે કે નહીં. તેના પર આધાર રાખે છે. આ બાબત તમને તમારા દાંતના ડોક્ટર એક્સ-રે બતાવીને સમજાવી શકશે કે દાઢ કાઢવી કયારે મુશ્કેલ કે સરળ હોય છે.

ડહાપણ દાઢ કઢાવ્યા પછી સામાન્ય દુ:ખાવો કે ચહેરા પર સોજો આવવો એકદમ સામાન્ય બાબત છે, તેનાથી ખોટી ચિંતામાં આવી જવું નહીં. કેટલો દુખાવો કે સોજો આવવો એની માત્રા દાઢ કાઢવી કેટલી અઘરી છે તેના પર રહેલી છે. તેમજ દર્દીની તાસીર પર આધાર રાખે છે.  જો દુખાવો, સોજો આવે તો એન્ટિબાયોટિક તેમજ દુ:ખાવાની દવાઓ થોડા દિવસ લેવાથી ત્રણ થી પાંચ દિવસમાં સારું થઈ જાય છે.

જરૂરી નથી કે બધા ડહાપણ દાઢ કઢાવવાના કેસમાં તકલીફ પડે. સારા અનુભવી ડૉક્ટર હોય, હળવા હાથે સર્જરી કરેલ હોય, એકદમ યોગ્ય આયોજન કરેલું હોય, ઓપરેશન દરમિયાન સાધનોની સ્વચ્છતા (Sterilization)ની યોગ્ય કાળજી લેવામાં આવી હોય તો ડહાપણ દાઢ કઢાવ્યા પછી પ્રમાણમાં ઓછી અથવા નહિવત તકલીફ પડી શકે છે.


ડહાપણ દાઢ કઢાવ્યા પછી કઈ સૂચનાઓનું ધ્યાન રાખવાનું? 

  • ઓપરેશન પછી, દાઢની જગ્યાએ મૂકેલું રૂ નું પૂમડું એક કલાક સુધી દબાવી રાખવું, જેથી લોહી નીકળતું બંધ થઈ જાય, ૨૪ કલાક સુધી થોડું થોડું લોહી ઝવે તો ચિંતા કરવી નહીં, તે સામાન્ય બાબત છે.
  • ૨૪ કલાક સુધી બહાર થૂકવુ નહીં, તેમજ કોગળા કરવા નહીં. થૂંક ગળી જવું. નહિતર લોહી નીકળતું બંધ નહીં થાય, આવું કરવાથી બંધ થયેલું લોહી પણ પાછું નીકળવા લાગે છે.
  • ઓપરેશન પછી, જ્યાં સુધી એનેસ્થેસિયાની અસર હોય ત્યાં સુધી દાંતથી ચાવવું પડે તેવું કઈ પણ ખાવું નહીં, પ્રવાહી લઈ શકાય જેમ કે દૂધ, દહી, છાસ, જ્યુસ, આઈસ ક્રીમ.
  • બે – અઢી કલાક પછી એનેસ્થેસિયાની અસર ઉતર્યા અને ત્યારબાદ એક-બે દિવસ માટે પ્રવાહી અથવા નરમ ખોરાક લઈ શકાય જેમ કે દાળભાત, ખિચડી, શીરો, આઈસ ક્રીમ, જ્યુસ જેવુ.
  • કઈ પણ ઇજા થાય તેવું કડક, એકદમ ગરમ વસ્તુ ખાવી પીવી નહીં.
  • ગેસ વાળી સોડા પીવી નહીં.
  • પ્રવાહી પીવા માટે સ્ટ્રો નો ઉપયોગ કરવો નહીં.
  • નિયમ પ્રમાણે ઓપેરેશન પછી ૫ દિવસ ધુમ્રપાન કરવું નહીં.
  • બહારની બાજુ, ચહેરા પર ૨૪ કલાક સુધી બરફ લગાવવો. જેથી સોજો ઓછો આવે. ૨૪ કલાક પછી બરફ લગાવવો નહીં.
  • સૂચના મુજબ દવાઓ ચાલુ રાખવી.
  • બીજા દિવસથી હળવા હાથે બ્રશ કરી શકાય. ઓપેરેશનવાળી જગ્યાએ, ટાંકાની આજુબાજુ પણ સફાઇ રાખવી. ટાંકા ૭ થી ૧૦ દિવસે કઢાવવાના હોય છે.
  • ડહાપણ દાઢ કઢાવ્યા પછી કઈ તકલીફ જેવુ લાગે જેમ કે ખૂબ જ દુખાવો, સોજો, લોહી વધારે નિકળવું તો તુરત ડેન્ટલ ક્લિનિકનો સંપર્ક કરવો.

 

જામનગરમાં ડહાપણ દાઢની સર્જરીની સારવાર ડૉ. ભરત કટારમલ ડેન્ટલ ક્લિનિકમાં ઉપલબ્ધ છે, અહી અમારી ટીમના નિષ્ણાંત અને ખૂબ જ અનુભવી એમ. ડી. એસ. ઓરલ સર્જન ડૉ. રોમિલ શાહની સેવા મળી શકશે.

સંપર્ક કરો : ફોન નંબર 97142 90071


You may like these posts: