દાંતની ઈજાદાંતની ઈજા કોઈ પણ ઉંમરે થઇ શકે છે. છતાં પણ બાળકની ૨ થી ૫ વર્ષની ઉંમર દરમિયાન જયારે તે ચાલતા કે દોડતા શીખે ત્યારે વારંવાર પડી જવાને કારણે દુધિયા દાંતને ઈજા થાય છે, તે ઉપરાંત ૮ થી ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન રમતના મેદાનમાં કે સ્કૂલમાં કાયમી દાંતને ઈજા થયાનું પ્રમાણ વધારે રહે છે. છોકરીઓ કરતા છોકરાઓમાં ઈજા થવાનું પ્રમાણ વધારે હોય છે. દાંતને થતી ઈજાઓમાં ૮૦% કિસ્સામાં ઉપરના આગળનાદાંત ભોગ બને છે. ઉપરના આગળના દાંત જો પહેલેથી જ આગળ હોય તો અકસ્માતમાં તેને વધારે ગંભીર ઈજા થવાની શક્યતા રહે છે.અકસ્માત દરમિયાન જો દર્દીને દાંત ઉપરાંત માથામાં, છાતીમાં કે શરીરના અન્ય ભાગોમાં ઈજા થયેલી હોય તો દર્દીને સૌપ્રથમ હાડકાના નિષ્ણાંત ડોક્ટર (ઓર્થોપેડિક સર્જન ) પાસે લઈ જવો જોઈએ. દાંતની ઈજા મોટેભાગે ક્યારેય જીવલેણ હોતી નથી. દર્દીને જો માત્ર દાંતમાં ઈજા થયેલ હોય તો તેને તુરંત દાંતના ડોક્ટર પાસે લઇ જવો જોઈએ. ખાસ કરીને જયારે દાંતને ઈજા થવાથી દાંત આખેઆખો બહાર નીકળી જાય તો દાંતને પાણીમાં કે દૂધમાં રાખીને તાત્કાલિક ૨૦ થી ૩૦ મીનીટમાં દાંતના ડોક્ટર પાસે પહોચી શકાય તો, તે દાંતને ફરીથી મૂળ જગ્યાએ બેસાડી શકાય છે અને દાંતને બચાવી શકાય છે.

દાંત ને ઈજા થવાથી દાંતની ધાર કે ખૂણા પરથી થોડુક ઈનેમલ કે ડેન્ટીન તૂટી જાય તો, કોમ્પોઝીટ ફિલીંગ (દાંત જેવું રંગનું મટીરીયલ) દ્રારા દાંતને ફરીથી મૂળ આકાર આપી શકાય છે અને દાંતની સુંદરતા જાળવી શકાય.

ઈજા થવાથી જો દાંત ની નસ(પલ્પ)ને નુકસાન પહોચે તો આવા કિસ્સામાં દાંતની મુળિયાની સારવાર (આર.સી.ટી.) જરૂરી છે. જો દાંત વધારે તૂટી ગયેલ હોય તો તેના પર સિરામિક ક્રાઉન લગાવી દાંતનો મૂળ રંગ અને આકાર જાળવી શકાય છે. મોટાભાગના કિસ્સામાં દાંતને ઈજા થવાથી જો નસને નુકસાન થયેલ હોય તો  શરૂઆતમાં દાંતમાં કોઈ દુખાવો થતો નથી, પરંતુ પાછળથી દાંત મટી જવાથી દાંતમાં રસી થાય છે દાંતનો રંગ કાળાશ પડતો કે વધારે ધેરો બને છે, પેઢામાં વારંવાર રસીની ફોડકી થાય છે અને ધીમે -ધીમે દાંતના મુળિયા પાસેનું હાડકું ખવાતું જાય છે જેને સિસ્ટ(રસીની કોથળી, હાડકામાં રસોડી) કહેવાય છે. આવા કિસ્સામાં દાંત બચાવવા પેઢામાં નાનું ઓપરેશન કરવું જરૂરી બને છે.

દાંતમાં ઈજા થવાથી ભલે દાંતમાં કોઈ દુખાવો ન થવો હોય તો પણ દાંતની નસની સ્થિતિના નિદાન માટે દાંતના ડોક્ટરને અચૂક બતાવવું જોઈએ, જેથી દાંતની નસને નુકસાન થયું હોય તો મુળિયા ની સારવાર દ્રારા દાંત બચાવી શકાય. દર્દીની બેદરકારી ને કારણે દાંતને ઈજા થઈ હોય અને વ્યવસ્થિત નિદાનને અભાવે લાંબા સમય પછી દાંતના મુળિયા પાસેનું હાડકું રસીને કારણે ખવાઈ જવાથી દાંત બચાવવા પેઢાનું ઓપરેશન (એપાઈસેકટોમી)કરાવવું પડે છે અથવા દાંત ગુમાવવા પડે છે.

દાંતને વધારે ગંભીર ઈજા થવાથી જો દાંતના મુળિયાનું ફેકચર થયું હોય તો આવા કિસ્સામાં દાંત કઢાવવો જરૂરી છે. દાંત કઢાવ્યા પછી થોડો સમય બાદ તે ખાલી જગ્યાએ કૃત્રિમ દાંત(બ્રીઝ) અથવા ઈમ્પ્લાન્ટ બેસાડી ચહેરાની સુંદરતા જાળવી શકાય છે.

દાંતને ઈજા થવાથી જો દાંત માત્ર હાલી ગયા હોય તો થોડો સમય પુરતું દાંત ઉપર વાયરીંગ કરી દાંતને ફરી મજબુત બનાવી શકાય છે.

ટૂકમાં, દાંતને ઈજા થવાથી દાંત તૂટી ગયો હોય, દાંતમાં દુખાવો થતો હોય કે ન થતો હોય, દાંતના ડોક્ટરને બતાવવું હિતાવહ છે. દાંતની દરેક નાની કે મોટી ઈજાની સારવારથી દાંત બચાવી શકાય છે તેમજ દાંતનો મૂળ આકાર, સુંદરતા જાળવી શકાય છે.You may like these posts: