ડેન્ટલ ઈમ્પ્લાન્ટ મુકાવ્યા પછી શું કાળજી લેવી જોઈએ અથવા સાવચેતી રાખવી જોઈએ તેનું માર્ગદર્શન
- ૨૪ કલાક સુધી બહાર થૂકવુ નહીં, તેમજ કોગળા કરવા નહીં. થૂંક ગળી જવું. નહિતર લોહી નીકળતું બંધ નહીં થાય, આવું કરવાથી બંધ થયેલું લોહી પણ પાછું નીકળવા લાગે છે.
- ઓપરેશન પછી, જ્યાં સુધી એનેસ્થેસિયાની અસર હોય ત્યાં સુધી દાંતથી ચાવવું પડે તેવું કઈ પણ ખાવું નહીં, પ્રવાહી લઈ શકાય જેમ કે દૂધ, દહી, છાસ, જ્યુસ, આઈસક્રીમ.
- બે – અઢી કલાક પછી એનેસ્થેસિયાની અસર ઉતર્યા અને ત્યારબાદ એક-બે દિવસ માટે પ્રવાહી અથવા નરમ ખોરાક લઈ શકાય જેમ કે દાળભાત, ખિચડી, શીરો, આઈસક્રીમ, જ્યુસ જેવુ. ત્યારબાદ જો ખાસ કઈ તકલીફ જેવુ ન લાગતું હોય તો નિયમિત ખોરાક લેવાનું શરૂ કરી શકાય.
- શરૂઆતના થોડા અઠવાડિયા સુધી જ્યાં ઇમ્પ્લાન્ટ મૂકેલા છે ત્યાં સીધું તેના ઉપર ચાવવાનું ટાળો.
- ઇજા થાય તેવું કડક તેમજ એકદમ ગરમ વસ્તુ ખાવી પીવી નહીં.
- ઓપરેશનના પ્રથમ ૨૪ કલાક દરમિયાન દાંત ઉપર બ્રશ કરવું નહીં, કોગળા કરવા નહીં, થૂંકવું નહીં કે માઉથવૉશનો ઉપયોગ કરવો નહીં. બીજા દિવસથી હળવા હાથે બ્રશ કરી શકાય. ઓપેરેશનવાળી જગ્યાએ, ટાંકાની આજુબાજુ પણ હળવા હાથે સફાઇ રાખવી. અઠવાડિયા સુધી દરેક વખતે જમ્યા પછી દિવસમાં બે વખત હળવેથી માઉથવોશનો ઉપયોગ કરવો.
- જો સાથે સાથે સાયનસ લિફ્ટ સર્જરી કરેલી હોય તો, સીધું તેના પર દબાણ આપવું નહીં.
- ડૉક્ટરની સૂચના મુજબ નિયમિતપણે દવા લો. જેથી દુ:ખાવાને કાબુમાં રાખી શકાય.
- બહારની બાજુ, ચહેરા પર ૨૪ કલાક સુધી બરફ લગાવવો. જેથી સોજો ઓછો આવે. ૨૪ કલાક પછી બરફ લગાવવો નહીં.
- ઈમ્પ્લાન્ટ સર્જરી કરાવ્યા પછી તે દિવસે વધારે પડતું બોલવાનું ટાળવું. જો ખાસ કોઈ તકલીફ ના હોય તો, બીજા દિવસથી રોજીંદી પ્રવૃતિ કરી શકાય.
- ઇમ્પ્લાન્ટ સર્જરી પછી તમાકુના ઉત્પાદનો કે આલ્કોહોલનો ઉપયોગ કરશો નહીં. મોઢાની સર્જરી પછી તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી રૂઝ આવવામાં વધારે સમય લાગે છે અને સર્જરી નિષ્ફળ જવાનું જોખમ વધી શકે છે.
- પ્રવાહી પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરવો નહીં. ગેસ વાળી સોડા પીવી નહીં.
- ઓપરેશન પછી ૨૪ કલાક સુધી થોડું થોડું લોહી ઝવે તો ચિંતા કરવી નહીં, તે સામાન્ય બાબત છે. જો વધારે પડતું લોહી નીકળે તો ડેન્ટલ ક્લિનિક નો સંપર્ક કરવો.
- જો ઈમ્પ્લાન્ટ સર્જરી પછી ટાંકા લીધેલા હોય તો તે ૭ માં દિવસે કઢાવવાના હોય છે.