ડહાપણ દાઢ કઢાવ્યાં પછી શું કાળજી લેવી જોઈએ અથવા સાવચેતી રાખવી જોઈએ તેનું માર્ગદર્શન
- ઓપરેશન પછી, દાઢની જગ્યાએ મૂકેલું રૂ નું પૂમડું એક કલાક સુધી દબાવી રાખવું, જેથી લોહી નીકળતું બંધ થઈ જાય, ૨૪ કલાક સુધી થોડું થોડું લોહી ઝવે તો ચિંતા કરવી નહીં, તે સામાન્ય બાબત છે.
- ૨૪ કલાક સુધી બહાર થૂકવુ નહીં, તેમજ કોગળા કરવા નહીં. થૂંક ગળી જવું. નહિતર લોહી નીકળતું બંધ નહીં થાય, આવું કરવાથી બંધ થયેલું લોહી પણ પાછું નીકળવા લાગે છે.
- ઓપરેશન પછી, જ્યાં સુધી એનેસ્થેસિયાની અસર હોય ત્યાં સુધી દાંતથી ચાવવું પડે તેવું કઈ પણ ખાવું નહીં, પ્રવાહી લઈ શકાય જેમ કે દૂધ, દહી, છાસ, જ્યુસ, આઈસક્રીમ.
- બે – અઢી કલાક પછી એનેસ્થેસિયાની અસર ઉતર્યા અને ત્યારબાદ એક-બે દિવસ માટે પ્રવાહી અથવા નરમ ખોરાક લઈ શકાય જેમ કે દાળભાત, ખિચડી, શીરો, આઈસ ક્રીમ, જ્યુસ જેવુ.
- કઈ પણ ઇજા થાય તેવું કડક, એકદમ ગરમ વસ્તુ ખાવી પીવી નહીં.
- ગેસ વાળી સોડા પીવી નહીં.
- પ્રવાહી પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરવો નહીં.
- નિયમ પ્રમાણે ઓપેરેશન પછી ૫ દિવસ ધુમ્રપાન કરવું નહીં.
- બહારની બાજુ, ચહેરા પર ૨૪ કલાક સુધી બરફ લગાવવો. જેથી સોજો ઓછો આવે. ૨૪ કલાક પછી બરફ લગાવવો નહીં.
- સૂચના મુજબ દવાઓ ચાલુ રાખવી.
- બીજા દિવસથી હળવા હાથે બ્રશ કરી શકાય. ઓપેરેશનવાળી જગ્યાએ, ટાંકાની આજુબાજુ પણ સફાઇ રાખવી. ટાંકા ૭ માં દિવસે કઢાવવાના હોય છે.
- ડહાપણ દાઢ કઢાવ્યા પછી કઈ તકલીફ જેવુ લાગે જેમ કે ખૂબ જ દુખાવો, સોજો, લોહી વધારે નિકળવું તો તુરત ડેન્ટલ ક્લિનિકનો સંપર્ક કરવો.