તમને નવું ચોકઠું
આપતા અમે આનંદ અનુભવીએ છીએ. અમને પૂર્ણ વિશ્વાસ છે કે થોડાક અઠવાડીયાઓ પછીથી તમો ચોકઠાંનો વર્ષો સુધી સંતોષકારક ઉપયોગ કરી
આનંદ મેળવશો.
આ સમય દરમિયાન
નીચે કેટલીક જાણવા જેવી જરૂરી માહિતી આપેલી છે.
- ચોકઠું મળ્યા પછી તુરત જ તેનો જમવામાં ઉપયોગ કરવો નહિ. શરૂઆતના દસ દિવસ આખો દિવસ ચોકઠું પહેરી રાખવું, પણ જમતી વખતે કાઢી નાખવું, તેમજ સુતી વખતે કયારેય ચોકઠું પહેરવું નહિ. એક વખત ચોકઠું મોઢામાં રાખવાનું ફાવી જાય પછી જ તેનો જમવામાં ઉપયોગ કરવો. ચોકઠાથી અનુકુળ થતા થોડો સમય લાગે છે. શરૂઆત નરમ વસ્તુઓ ખાવાથી કરી શકાય. થોડા દિવસો પછી રોટલી, શાક વગેરે ખાવાની કોશિશ કરવી. પહેલી વખત જમતી વખતે એવું પણ બનશે કે ફાવશે નહિ, ભલે વધારે સમય લાગે, ચોકઠાથી જ ખાવું, થોડું મુશ્કેલ લાગશે, પણ સમય જતા અને અનુભવે આવડી જશે. શરૂઆતમાં જમતી વખતે નાના કોળિયા લેવા, તેમજ બંને સાઇડ ચાવવાની ટેવ પાડવી.
- શરૂઆતમાં થોડા દિવસો બની શકે કે મોઢામાં ખુબ જ લાળ છુટશે, તો તે થુંકવું નહિ, ગળી જવું. થોડા દિવસોમાં તે આપમેળે સામાન્ય થઇ જશે.
- શરૂઆતમાં ત્રણ-ચાર દિવસ બોલવામાં થોડું તોતડાશે, ત્યારબાદ આપમેળે સામાન્ય થઇ જશે.
- શરૂઆતમાં બે-ચાર દિવસ ચોકઠું મોઢામાં રાખવાનું કદાચ ગમશે નહિ. ખુબ જ કંટાળો આવશે. વારંવાર એવા વિચારો આવશે કે ચોકઠું કાઢી નાખું, પછી પહેરશું, પણ એવું કરશો નહિ. જેટલું વધારે સમય ચોકઠું પહેરશો, એટલું ચોકઠું વધારે ઝડપથી ફાવશે. જો કંટાળીને ચોકઠું પહેરવાનું બંધ કરશો તો ચોકઠું કયારેય ફાવશે નહિ.
- શરૂઆતમાં ચોકઠું એડહેસિવ પાવડર લગાડીને પહેરવું. પાવડરને કારણે ચોકઠું તેની જગ્યાએથી ખસશે નહિ, એટલે ચોકઠું પહેરવાનો આત્મવિશ્વાસ વધશે. જો તમારા પેઢા નબળા હોય તો ચોકઠું ચોટાડવાનો પાવડર અથવા ક્રીમ કાયમ માટે વાપરી શકાય.
- ચોકઠું હમેશા વોશ-બેસીન પર સાફ કરવું. વોશ-બેસીન ના હોય તો નીચે બેસીને સાફ કરવું. ચોકઠું પ્લાસ્ટીકનું બનેલું હોય છે. સાફ કરતી વખતે હાથમાંથી પડી જશે તો તે તૂટી શકે છે. જમ્યા પછી દરેક વખતે ચોકઠું સાફ કરવું જરૂરી છે, કારણ કે ગંદા ચોકઠાથી દેખાવ ખરાબ લાગે અને મોઢાના રોગો થવાનો સંભવ રહે. ચોકઠું સાફ કરવા માટે ટુથબ્રશ તેમજ ડેન્ચર ક્લીનીંગ પાવડરનો ઉપયોગ કરી શકાય.
- ચોકઠાને સુકું થવા દેશો નહિ. તેને મોઢામાંથી બહાર કાઢો ત્યારે પાણીમાં રાખવું. તેના માટે ઢાંકણાંવાળા બોક્સનો ઉપયોગ કરવો.
- શરૂઆતમાં કદાચ એવું પણ થશે કે ચોકઠું પહેરવાથી પેઢામાં ક્યાંક ખુંચતુ હોય એવું લાગે અથવા ચાંદા પણ પડી શકે. આવું થાય તો ડોક્ટરને મળી જવું. જાતે ચોકઠાને ક્યાય ઘસશો નહિ.
- અકસ્માતે કયારેય ચોકઠું તૂટી જાય તો, જાતે રીપેર કરશો નહિ. તૂટેલા ભાગો સાથે રીપેર કરાવવા ડોક્ટરને મળો.
- ચોકઠાથી જમતા શીખવું સમય લે છે. પેઢા સારા અને મજબૂત હોય તો આશરે એકાદ મહિના જેટલો સમય લાગી શકે. જો પેઢા નબળા હોય તો ચોકઠું ફાવતા વધારે સમય પણ લાગી શકે, માટે ખુબ ધીરજ રાખવી જરૂરી છે. કુદરતી દાંત કરતા ચોકઠાથી ચાવવું કયારેય સરળ હોતું નથી.
- શરૂઆતમાં થોડાક દિવસ ચોકઠું લગાવ્યા પછી ઉબકા આવી શકે, જે થોડા દિવસો પછી આપમેળે સામાન્ય થઇ જશે. આવી તકલીફ બહુ ઓછા દર્દીઓને થતી હોય છે.
- ચોકઠું કુદરતી દાંત કરતા ઘણું જુદું પડે છે. કુદરતી દાંતની જેમ ચોકઠું હાડકા સાથે સજ્જડ રીતે જોડાયેલું નથી, તે પોચા તેમજ હલનચલન કરતા પેઢા ઉપર માત્ર ટેક્વાયેલું હોય છે, તેથી જમતી વખતે તેમજ બોલતી વખતે, ખાસ કરીને નીચેનું ચોકઠું હલ્યા કરે તે સ્વાભાવિક છે.
- ચોકઠું કાયમી નથી. હાડકા તેમજ મોઢામાં સતત ફેરફાર થતો હોય છે, તેથી દર પાંચ-સાત વર્ષે નવા માપનું ચોકઠું બનાવવું જરૂરી છે.