દાંત સાફ કરાવવાની સારવાર (સ્કેલીંગ) પછીની સૂચનાઓ




  • દાંત સાફ કરાવ્યા પછી થોડા દિવસ મોઢામાં નવું નવું, કઈક ફેરફાર થયો હોય તેવું લાગશે. તેનું કારણ એ છે કે દાંત ઉપર કે બે દાંતની વચ્ચે જે કઈ પ્લાક કે છારી જામેલ હશે, તે સ્કેલીંગથી દૂર થઈ ગયેલ હશે. દાંત સાફ કરાવતા પહેલા જેટલો વધારે કચરો ભેગો થયેલ હશે એટલું વધારે નવું નવું લાગશે. જે થોડા દિવસોમાં સામાન્ય થઈ જશે. 
  • દાંત સાફ કરાવ્યા પહેલા પણ જો તમને પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ રહેતી હોય તો, દાંત સાફ કરાવ્યા પછી હજુ બીજા ૬ થી ૭ દિવસ સુધી આ તકલીફ ચાલુ રહે તો એ એકદમ સામાન્ય છે, પ્લાક તેમજ છારીને કારણે પેઢાં પર આવેલા સોજા ઉતરતા થોડો સમય લે છે. ત્યારબાદ પેઢાની તંદુરસ્તી સામાન્ય થઈ જતાં તેમાંથી લોહી નીકળતું બંધ થઈ જશે. 
  • દાંત સાફ કરાવ્યા પછી દાંત વચ્ચે જગ્યા થઈ ગઈ હોય તેવું લાગશે. જે કારણ એ છે કે દાંતની વચ્ચે જે પ્લાક કે છારી એકઠી થયેલ હશે અને આ કચરાએ મોઢામાં દાંતની વચ્ચે જે કઈ જગ્યા રોકેલી હશે તે જગ્યા, દાંત સાફ કરાવ્યા પછી ખાલી થશે અને તેમજ લાંબા સમયથી આ કચરાને કારણે જે કઈ પેઢાં પર સોજો આવ્યો હશે તે પણ ઓછો થતાં પેઢાં થોડા પ્રમાણમાં સંકોચાય છે તેને કારણે દાંત સાફ કરાવ્યા પછી દાંત વચ્ચે જગ્યા થઈ ગઈ હોય તેવું લાગશે. જે થોડા દિવસો પછી સામાન્ય થઈ જશે. 
  • દાંત સાફ કરાવ્યા પછી દાંત થોડા સમય માટે ઠંડા, ગરમ કે મીઠી-ગળી ખાવાની વસ્તુ પ્રત્યે સંવેદનશીલ થઈ શકે છે. તેનું કારણ એ છે કે દાંત સાફ કરાવ્યા પછી જે દાંતના મૂળિયાં ઉપર છારીના પોપડા જામેલ હતા, તે દૂર થતાં દાંતના મૂળિયાં ખુલ્લા થાય છે, દાંતના આ મૂળિયાં સંવેદનશીલ હોય છે, અને તેની ઉપર જામેલ આ છારીના થર દાંત માટે ઇન્સ્યુલેશન જેવુ કામ કરતાં હતા. આ છારી દૂર થતાં દાંતના મૂળિયાં સીધા ઠંડા, ગરમ વસ્તુના સંપર્કમાં આવે છે. તેને કારણે થોડા દિવસો માટે દાંત સંવેદનશીલ બને છે. આ સંવેદનશીલતા માત્ર થોડા સમય માટે જ હોય છે, તેથી ચિંતાનું કોઈ કારણ નથી. દાંત કેટલા સેન્સેટિવ થાય તેનો આધાર દાંત ઉપર છારીનો કેટલો મોટો થર જમા થયો છે, તેના ઉપર તેમજ કેટલા કેટલા સમયના અંતરે દાંત સાફ કરાવો છો, તેના પર રહેલો છે.
  • તમાકુ તેમજ પાન મસાલા કારણે દાંત ગંદા થયેલા હોય અને તેના માટે દાંત સાફ કરાવેલ હોય તો તેમના માટે ખાસ સલાહ કે હવે પછી તમાકુ, પાનમસાલાનો ઉપયોગ ના કરવો. નહિતર ફરીથી દાંત ગંદા થવાનું શરૂ થઈ જશે. 
  • દાંત સાફ કરવા માટે હમેશા સોફ્ટબ્રશનો ઉપયોગ કરવો અને દાંત અને પેઢાં પર હળવા હાથે ફેરવો. દાંતને સાફ કરવા માટે યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરવો. બ્રશ કરવાની આદર્શ પધ્ધતિ જાણવા માટે અહી આ વિડીયો લીંક પર ક્લિક કરો.  
  • દર છ મહિને દાંત સાફ કરાવવાની ટેવથી પેઢાંના રોગને કાબુમાં રાખી શકાય. 

You may like these posts: