દાંતની ઈજા - Dental Trauma


gujarati article published in aajkal daily newspaper on dental trauma written by dentist of jamnagar dr. bharat katarmal
દાંતની ઈજા  - ૦૩/૦૧/૨૦૦૪




દાંતની ઈજા
વાચક મિત્રો,

આજના અંકમાં આપણે દાંતને અકસ્માતે થતી નાની-મોટી ઇજાઓ વિષે ચર્ચા કરીશું.

દાંતની ઈજા કોઈપણ ઉંમરે થઇ શકે છે. છતાં બાળકની ૨ થી ૫ વર્ષની ઉંમર દમિયાન જયારે તે ચાલતા કે દોડતા શીખે ત્યારે વારંવાર પડી જવાને કારણે દુધિયા દાંતને ઈજા થાય છે તે ઉપરાંત ૮ થી ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન રમતના મેદાનમાં કે સ્કુલમાં કાયમી દાંતને ઈજા થવાનું પ્રમાણ વધારે રહે છે. છોકરી કરતા છોકરાઓમાં ઈજા થવાનું પ્રમાણ વધારે હોય છે. દાંતને થતી ઇજાઓમાં ૮૦ ટકા કિસ્સામાં ઉપરના આગળના દાંત ભોગ બને છે. ઉપરના આગળના દાંત જો પહેલેથી જ આગળ હોય તો અકસ્માતમાં તેને વધારે ગંભીર ઈજા થવાની શક્યતા રહે છે.

અકસ્માત દમિયાન જો દર્દીને દાંત ઉપરાંત માથામાં, છાતીમાં કે શરીરના અન્ય ભાગોમાં ઈજા થયેલ હોય તો દર્દીને સૌ પ્રથમ હાડકાના નિષ્ણાંત ડોક્ટર (ઓર્થોપેડીક સર્જન) પાસે લઇ જવો જોઈએ. દાંતની ઈજા મોટેભાગે કયારેય જીવલેણ હોતી નથી. દર્દીને જો માત્ર દાંતમાં જ ઈજા થયેલ હોય તો તેને તુરંત દાંતના ડોક્ટર પાસે લઇ જોવો જોઈએ. ખાસ કરીને જયારે દાંતને ઈજા થવાથી દાંત આખેઆખો બહાર નીકળી જાય તો દાંતને પાણીમાં કે દુધમાં રાખીને તાત્કાલિક ૨૦ થી ૩૦ મીનીટમાં દાંતના ડોક્ટર પાસે પહોચી શકાય તો દાંતને ફરીથી મૂળ જગ્યાએ બેસાડી શકાય ( Tooth Reimplantation) અને દાંતને બચાવી શકાય.

દાંતને ઈજા થવાથી દાંતની ધાર કે ખૂણા પરથી થોડુક ઈનેમલ કે ડેન્ટીન તુટી  જાય તો, કોમ્પોઝીટ ફીલિંગ (દાંત જેવા રંગનું મટીરીયલ) દ્વારા દાંતને ફરીથી મૂળ આકાર આપી શકાય અને દાંતની સુંદરતા જાળવી શકાય.

ઈજા થવાથી જો દાંતની નસ(પલ્પ)ને નુકસાન પહોચે તો આવા કિસ્સામાં દાંતની મૂળિયાની સારવાર (આર.સી.ટી) જરૂરી છે. જો દાંત વધારે તુટી ગયેલ હોય તો તેના પર સિરામિક ક્રાઉન લગાવી દાંતનો મૂળ રંગ અને આકાર જાળવી શકાય છે. મોટાભાગના કિસ્સામાં દાંતને ઈજા થવાથી જો નસને નુકસાન થયેલ હોય તો શરૂઆતમાં દાંતમાં કોઈ દુખાવો થતો નથી, પરંતુ પાછળથી દાંત મરી જવાથી દાંતમાં રસી થાય છે. દાંતનો રંગ કાળાશ પડતો કે વધારે ઘેરો બને છે. પેઢામાં વારંવાર રસીની ફોડકી થાય છે અને ધીમે-ધીમે દાંતના મુળિયા પાસેનું હાડકું ખવાતું જાય છે જેને સીસ્ટ(રસીની કોથળી) કહેવાય છે. આવા કિસ્સામાં દાંત બચાવવા પેઢામાં નાનું ઓપરેશન કરવું જરૂરી બને છે.

દાંતમાં ઈજા થવાથી ભલે દાંતમાં કોઈ દુખાવો ન થતો હોય તો પણ દાંતની નસની સ્થિતિના નિદાન માટે દાંતના ડોક્ટરને અચૂક બતાવવું જોઈએ, જેથી દાંતની નસને નુકસાન થયું હોય તો મુળિયાની સારવાર દ્વારા દાંતને બચાવી શકાય. દર્દીની બેદરકારીને કારણે દાંતને ઈજા થઇ હોય અને વ્યવસ્થિત નિદાનને અભાવે લાંબા સમય પછી દાંતના મુળિયા પાસેનું હાડકું રસીને કારણે ખવાઈ જવાથી દાંત બચાવવા પેઢાનું ઓપરેશન(એપાઈસેક્ટોમી) કરાવવું પડે છે અથવા દાંત ગુમાવવા પડે છે.

દાંતને વધારે ગંભીર ઈજા થવાથી જો દાંતના મુળીયાનું ફ્રેક્ચર થયું હોય તો આવા કિસ્સામાં દાંત કઢાવવો  જરૂરી છે. દાંત કઢાવ્યા પછી થોડા સમય બાદ તે ખાલી જગ્યાએ કૃત્રિમ દાંત (બ્રીઝ અથવા ઈમ્પ્લાન્ટ) બેસાડી ચહેરાની સુંદરતા જાળવી શકાય છે.

દાંતને ઈજા થવાથી  જો દાંત માત્ર હલી ગયા હોય તો થોડા સમય પુરતું દાંત ઉપર વાયરીંગ કરી દાંતને ફરી મજબુત બાનાવી શકાય છે.

ટૂંકમાં, દાંતને ઈજા થવાથી દાંત તૂટી ગયો હોય, દાંતમાં દુખાવો થતો હોય કે ન થતો હોય, દાંતના ડોક્ટરને બતાવવું હિતાવહ છે. દાંતની દરેક નાની કે મોટી ઈજાને સારવારથી દાંત બચાવી શકાય છે તેમજ દાંતનો મૂળ આકાર, સુંદરતા જાળવી શકાય છે.

સર્વે સંતુ નિરામય: 

You may like these posts: