હમણાં આપણે
કોરોનાને કારણે બધાં ઘણાં પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે. કોરોનાએ આપણા જીવનને
ઘણી બધી રીતે બદલી નાખ્યું છે. અત્યારે જ્યારે આપણે આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવા ઘણી
બધી પ્રવૃતિઓ કરી શકતા નથી, તો પણ આપણે આપણા
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.
અત્યારના કોરોનાના કપરા રોગચાળાના સમય દરમિયાન તંદુરસ્ત રહેવાનો
અર્થ એ નથી કે માત્ર કોવિડ-૧૯ના ચેપથી
બચીને રહેવુ. સંપૂર્ણ સ્વાસ્થ્ય ઉપરાંત નિયમિત દાંતની
સંભાળ રાખવી એ પણ એકંદર સ્વાસ્થ્યનો મહત્વનો ભાગ છે. દર છ મહિને નિયમિત દાંતની તપાસ દાંતના ડોકટર પાસેથી કરાવવી હિતાવહ છે, પરંતુ
અત્યારના સંજોગોમા આ ટૂંકાગાળા માટે નિયમિત દાંતની તપાસ કરાવવી હિતાવહ નથી. દાંતની
જે સારવાર પછી કરાવીએ તો પણ ચાલે એમ હોય તો તેને અત્યારે હાલ પુરતી મુલતવી રાખવી
જોઈએ.
અત્યારના
કોરોનાના સમયમા ઘરની બહાર નીકળવું એ ખુબ જ ભયજનક છે, ત્યારે
અમો તમને બધાને ઘરે રહેવા, સલામત રહેવા અને
તમારા દાંતની સંભાળ રાખવા અપીલ કરી છીએ, જેથી દાંતની વધારે ગંભીર તકલીફથી બચી શકો અને શક્ય ડેન્ટલ ક્લીનીકની
મુલાકાત ટાળી શકો.
તમારે અત્યારના
સમયમાં ડેન્ટલ કલીનીકની મુલાકાત લેવાની જરૂર ન પડે તે માટે કેટલીક માહિતી તૈયાર
કરવામાં આવી છે. તેને અનુસરવા આપીલ કરીએ છીએ.
(૧) દિવસમાં ઓછામા ઓછુ બે વાર બ્રશ કરો
(૨) હૂંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરો
દરેક
ભોજન પછી બ્રશ કર્યા બાદ હુંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરવાથી, તમારા મોઢામાં
બેક્ટેરિયાની સંખ્યાને નિયંત્રિત કરી શકાય છે. મીઠું એ સહુથી સસ્તું, સહેલાઈથી
ઉપલબ્ધ અને કુદરતી એન્ટીસેપ્ટિક જેવું કામ આપે છે.
(૩) પેઢા પર માલીશ કરો
પેઢાએ આપણા દાંતનો પાયો છે. મજબુત દાંત માટે તંદુરસ્ત પેઢા હોવા જરૂરી છે. અત્યારે વધારાનો સમય મળ્યો છે તો તેનો સદુપયોગ પેઢાની તંદુરસ્તી માટે કરી શકાય. તલ, ઓલીવ કે બદામના તેલથી પેઢા પર થોડો સમય આંગળીના ટેરવાથી હળવા હાથે ગોળ ગોળ માલીશ સવાર સાંજ બે વખત કરી શકાય.
(૪) વિટામીન અને ખનીજ તત્વોથી ભરપુર અને રેસાવાળો ખોરાક લો
રેસાવાળો ખોરાક બરછટ હોવાથી દાંત સાથે ચોટતો નથી, ઉલટું અગાઉ ખાધેલા ખોરાકના અન્નકણો ને કુદરતી રીતે સાફ કરે છે અને સડો થવાની
શક્યતાને દુર કરે છે.
(૫) બે ભોજન વચ્ચે વારંવાર નાસ્તો ના કરશો
વારંવાર
કઈક ને કઈક સતત ખાતા રહેવાથી અને સફાઈ ન કરવાથી દાંતમાં સડો થવાની શક્યતા વધી જાય
છે.
(૬) મીઠો તેમજ ચીકણો ખોરાક નિયંત્રણમાં રાખો:
મીઠો
તેમજ ચીકણો ખોરાક ખાધા પછી, જો બ્રશ વડે સફાઈ કરવામાં ના આવે તો, તે દાંતની સપાટી
સાથે લાંબો સમય સંપર્કમાં રહે છે, અને દાંતમાં સડો થવાની શકયતા વધારે છે.
(૭) ધુમ્રપાન, તમાકુથી દુર રહો.
ધુમ્રપાન અને
તમાકુના ઉપયોગથી મોઢાની અંદર બ્લડનું પરિવહન ઓછું થઇ જાય છે તેને કારણે તેની રોગ
પ્રતિકારક શક્તિ ઓછી થાય છે, બેક્ટેરિયાનું સંક્રમણ વધે છે, પરિણામે દાંતના પેઢાને
નબળો કરતો રોગ પાયોરિયા થાય છે.
જે લોકો ધૂમ્રપાન
કરે છે તેમને આમ પણ શ્વસનતંત્રના ચેપનું જોખમ વધારે હોય છે. એવા પુરાવા છે કે જે
લોકો ધૂમ્રપાન કરે છે અને જો તેમને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોય, તો તેને કોરોનાના ગંભીર લક્ષણોનું જોખમ વધારે રહે
છે. ફેફસા નબળા હોય, અન્ય હ્રદયરોગો હોય, કેન્સર હોય (જે ધૂમ્રપાનને કારણે થઈ શકે
છે) વાળા લોકો પણ જો કોરોના વાયરસથી સંક્રમિત થાય છે તો જીવનું જોખમ વધારે રહેલું છે.
હજુ એ સ્પષ્ટ નથી કે કોરોનાથી જીવનું જોખમ ઘટાડવા માટે ધૂમ્રપાન કરવાનું કેટલું
સમય પહેલા બંધ કરવું જરૂરી છે. ધૂમ્રપાન છોડવું એ સમગ્ર સ્વાસ્થ્ય માટે લાભદાયક
છે. કોરોના કાળ
ધુમ્રપાનને હંમેશ માટે છોડી દેવાનો સારો સમય છે.