કોસ્મેટીક ડેન્ટીસ્ટ્રીસફેદ, સુંદર અને વ્યવસ્થિત પંક્તિમાં ગોઠવાયેલા દાંત, મોહક સ્મિત દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે, પરંતુ કુદરતી રીતે બહુ જ ઓછા માણસો આદર્શ, તંદુરસ્ત દંતપંક્તિ તેમજ મોહક સ્મિત ધરાવે છે, બાકીનાઓ  માટે તે સ્વપન  જ રહે છે. કોસ્મેટીક ડેન્ટીસ્ટ્રી દ્રારા અમુક મર્યાદા સુધી દાંતની સુંદરતા વધારી શકાય છે.


આદર્શ બ્યુટીફૂલ સ્માઈલ માટે તંદુરસ્ત સફેદ રંગના દાંત, દાંતનો વ્યવસ્થિત આકાર, સમાનતા, દાંતની વ્યવસ્થિત ગોઠવણી અને તંદુરસ્ત પેઢા હોવા મુખ્ય છે.

(૧) દાંતનો રંગ: સફેદ દાડમની કળી જેવા ચળકતા દાંત, દાંતની સુંદરતા માટે જરૂરી છે. પીળા દાંત અસ્વચ્છતાની નિશાની ગણાય છે. દાંતની પીળાશ જો દાંત પર ચોટેલા પાનના ડાધા, છારી કે પ્લાકને કારણે હોય તો દાંતને સ્કેલીંગ અનેપોલિશિંગથી દાંતનો મૂળ રંગ અને ચળકાટ પાછો લાવી શકાય છે. પરંતુ જો દાંતનું બંધારણ જ પીળાશ પડતું હોય તો તેને સફેદ કરવા માટે દાંત સફેદ કરવાની સારવાર (બ્લીચીંગ) જરૂરી છે.


(૨) દાંતનો આકાર: બંને બાજુના દાંતનો આકાર અસમાન હોય, કોઈ દાંત ખૂણા પરથી કે ધાર પરથી તૂટેલો હોય, બે દાંતની વચ્ચે અસામાન્ય, ખરાબ લાગતી જગ્યા હોય તો કોમ્પોઝીટ ફીલિંગ (દાંત જેવા રંગનું મટીરીયલ) દ્રારા દાંતને વ્યવસ્થિત સુંદર આકાર આપી શકાય છે.


(૩) દાંતની વ્યવસ્થિત ગોઠવણી: દાંત આડાઅવળા હોય, દાંત ડોઢે ચડેલા હોય, દાંત વચ્ચે જગ્યા હોય, દાંત આગળ પાછળ હોય, આવી દાંતની અવ્યવસ્થિત ગોઠવણી ચહેરાની સુંદરતાને બગાડે છે. આવા સુવ્યવસ્થિત ગોઠવાયેલા દાંતને ઓર્થોડોન્ટીકબ્રેસીસ (રીંગ, વાયરીંગ) થી ઓર્થોડોન્ટીક સારવાર દ્રારા વ્યવસ્થિત દંતપંક્તિમાં સુંદર લાગે તે રીતે ગોઠવી શકાય છે.
(૪) તંદુરસ્ત દાંત: સડેલા દાંત ક્યારેય સુંદર લાગી શકે નહિ. જો દાંત માં સડો હોય તો તેને દુર કરી તેમાં ચાંદીને બદલે કોમ્પોઝીટ ફીલિંગ (દાંતજેવા રંગનું મટીરીયલ) ભરવાથી દાંતનો મૂળ રંગ, આકાર મેળવી શકાય છે. ચાંદી ભરેલા દાંત પણ દાંતની સુંદરતાને થોડેક અંશે ઓછી કરે છે.(૫) દાંત ન હોવા: મોઢામાં એક કે એક કરતા વધારે દાંત કઢાવી નાખેલ હોય, ખાસ કરીને આગળના દાંત, તો તે ખાલી જગ્યામાં કૃત્રિમ સિરામિકના ફિક્સદાંત અથવા ઈમ્પ્લાન્ટ બેસાડી ચહેરાની મૂળ સુંદરતા જાળવી શકાય છે. જો મોઢામાં એક પણ દાંત ન હોય તો ચોકઠાં (બત્રીસી) દ્રારા ચહેરાની સુંદરતા વધારી શકાય છે તેમજ ચાવવામાં પણ મુખ્યત્વે ઉપયોગી રહે છે.

(૬) તંદુરસ્ત પેઢા: દાંતની સુંદરતા માટે પેઢા તંદુરસ્ત હોવા જરૂરી છે, સોજેલા પેઢા, પાયોરિયાને કારણે બે દાંત વચ્ચે થયેલી જગ્યા તેમજ હલતા દાંત, દાંતની સુંદરતા બગાડે છે. રોગીષ્ટ પેઢાની વ્યવસ્થિત સારવારથી પેઢા તંદુરસ્ત, સુંદર બનાવી શકાય છે.

આદર્શ દંત પંક્તિ કુદરતી બક્ષિસ છે. આધુનિક કોસ્મેટીક ડેન્ટલ ટ્રીટમેન્ટથી ખરાબ લાગતા દાંતને એક મર્યાદા સુધી સુંદર બનાવી શકાય છે.

You may like these posts: